જીવન નામની યુનિવર્સિટીના કેમ્પસ પર

0
919

(ગતાંકથી ચાલુ)
હૃદયરોગનો હુમલો થાય તે એટલું તો સિદ્ધ કરે છે કે હૃદય નામની જણસ હજી બચી છે. માણસના મનને જે સમજાય તેના કરતાં એના માંહ્યલાને ઘણું વધારે સમજાય છે. ઉપનિષદમાં તેથી કહ્યું છેઃ હૃદયેન હિ સત્યં જાનાતિ. પરિવારમાં ભલભલા ચાલાક લોકોને ન સમજાય તે વાતો ક્યારેક માતાને સમજાય છે. ભવિષ્યમાં સંશોધનો એવું જરૂર સાબિત કરશે કે દુનિયાની માતાઓમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ સૌથી ઓછું હોય છે. હૃદયરોગથી બચવાનો રામબાણ ઇલાજ છેઃ પ્રેમ કરો અને છલોછલ પ્રેમ કરો. તમારું શારીરિક હૃદય તો એક પંપ છે, પરંતુ માણસની ભીતર એક સૂક્ષ્મ હૃદય પણ પ્રતિક્ષણ ધબકતું રહે છે. એ સૂક્ષ્મ હૃદય પ્રેમ કરવા અને પ્રેમ આપવા માટે સતત તલસે છે. એ તલસાટ પવિત્ર છે.
ઇજિપ્તના કૈરો મહાનગરના તહ્રિર ચોકમાં મુબારકની વિરુદ્ધ જે દેખાવો થયા તે લગભગ અહિંસક હતા. લોકોનાં ટોળાં જોરજોરથી જે સૂત્રો પોકારતાં હતાં, તેમાં સૌથી બુલંદ અવાજે બોલાતું સૂત્ર હતુંઃ ગો મુબારક ગો. દુનિયાના લોકોને કાને ન પડેલું બીજું સૂત્ર હતુંઃ અમારે પરણવું છે. ઇજિપ્તના યુવાનો બેકારીમાં સપડાયા હતા. આવક ન હોય તેથી એ યુવાનોને ફરજિયાતપણે અપરિણીત રહેવું પડે. એમની સહજ ઝંખાનું અગ્નિસ્નાન થતું રહે તેથી ઘોર નિરાશા જન્મે. ઇજિપ્તના ઇસ્લામી સમાજની રૂઢિગ્રસ્ત માનસિકતા એ નિરાશાને વિકરાળ બનાવે તેવી પરિસ્થિતિમાં જ્યારે વિદ્રોહ જન્મે ત્યારે એ આપોઆપ ગમી જાય. ઇન્ટરનેટ પર ટર્કીમાં જોવા મળતી મુક્ત જીવનશૈલી ઉપરાંત ભારતીય બોલીવુડમાં લેવાતી છૂટછાટ એમને ગમી જાય. આમ ઇજિપ્તમાં થયેલા વિદ્રોહનું એક પરિબળ હતુંઃ અતૃપ્ત યૌવન!
ભારતનાં કરોડો ઘરોમાં વડીલો તરફથી સંતાનોને વારંવાર સાંભળવા મળતું એક બ્રહ્મવાક્ય છેઃ આ બાબતમાં તને સમજ ન પડે. બસ, આ એક વાક્યને કારણે યૌવન અપમાનિત થતું રહ્યું છે. આ દેશનું તકલાદી વડીલપણું મૂળે બે સડેલાં ગૃહીતો પર ટકી રહ્યું છેઃ (1) બધી અક્કલ અમારામાં છે અને (2) નાદાન છોકરાં સાવ અક્કલ વિનાનાં છે. ઘરડાંઘરની દીવાલોની પ્રત્યેક ઈંટ સાથે આવી બે ભંગાર માન્યતાઓની સિમેન્ટ ચોંટેલી હોય છે. પાછલી ઉંમરે ઘરડાંઘરમાં જવું કેમ પડે? છોકરાં મોટાં થાય પછી આવાં જ વાક્યો વ્યાજમુદ્દલ સાથે વડીલોને પાછાં આપવામાં આવે છે. દીકરા કે દીકરીનાં લગ્ન અંગેના નિર્ણય પર વડીલો ચપ્પટ બેસી જાય છે. સહજપણે ઊગેલા આકર્ષણ પર આતંકવાદી હુમલો કરવામાં આવે છે. સહજ આકર્ષણ દિવ્ય યોજના વિનાનું નથી હોતું. પ્રેમનું ષડ્યંત્ર રચાયું તેમાં પ્રકૃતિનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક વડીલોને કોને ક્યાંથી પડે? તેઓની ગણણરી લૌકિક હોય છે, જે સર્વથા લૌકિક હોય તેવી પરિસ્થિતિમાં, જે કશુંક અલૌકિક હોય તેને નિર્દયપણે કચડી નાખવામાં આવે છે. આવી લાખો દુર્ઘટના જ્યાં સતત બનતી હોય એવા સમાજને કોઈ અધાર્મિક સમાજ નથી કહેતું! સંલગ્નતા વિનાની ફરજિયાત લગ્નતા એક એવો અભિશાપ છે, જેમાં મૂળભૂત માનવઅધિકારનો ભંગ થાય છે. જે વ્યક્તિ અંદરથી ગમતી ન હોય તેની સાથે આખું આયખું સાથે ગાળવાની સજાને કોઈ જનમટીપ ન કહે તેથી શો ફેર પડે?
જીવન નામની ઓપન યુનિવર્સિટીના કેમ્પસ પર સતત કાને પડતાં જૂઠાણાં મધુર છે, પરંતુ આખરે તો જૂઠાણાં જ! થોડાંક જૂઠાણાં સાંભળોઃ
* અમારા જમાનામાં દુનિયા આટલી ખરાબ ન હતી. * હું પૈસા માટે કામ નથી કરતો, આત્મસંતોષ ખાતર કરું છું. * ડાર્લિંગ! તારા પર તો કોઈ પણ ડ્રેસ સારો જ લાગે છે! * જે થયું તે થયું, પરંતુ હવે આપણે સારા મિત્રો બની રહીએ તો! * દુકાનદાર ગ્રાહકને કહે છેઃ તમે નસીબદાર છો. આ છેલ્લો પીસ હતો. * આમ દોડતાં દોડતાં આવો તે ન ચાલે. હવે શાંતિથી રહેવાય તેમ આવો. * ઓફ કોર્સ આઇ લવ યુ! * જમવાનું સાદું બનાવજો, બહુ ધમાલ ન કરશો. * આપણો સંબંધ એવો કે ગેરસમજ થાય એ શક્ય જ નથી. * આ તો તારા ભલા માટે કહું છું, બાકી મારે એમાં શું લેવાનું? * મેં તો પહેલાંથી તમને કહ્યું હતું, પણ મારું કોણ સાંભળે! * જુઓ, અમારે તો દીકરી અને વહુ બન્ને સરખાં!
જીવનમાં ડગલે ને પગલે ઘૂસી ગયેલી કૃત્રિમતા આપણી બીઇંગને ખોખલું બનાવતી રહે છે. એવા કેટલાક માણસો જોયા છે, જેઓ કેવળ માનવસંબંધને ધ્યાનમાં રાખીને જ પોતાનો અભિપ્રાય ઉચ્ચારે છે. તેઓ પોતાના હૃદયમાં ઊગેલી વાત કરવાને બદલે સતત શબ્દોનુ રંગરોગાન કરતા રહે છે. આવા કોઈ મરી ચૂકેલા કૃત્રિમ મનુષ્યને તમે મળ્યા છો? એમનો સ્વ પ્રતિક્ષણ મરતો જ રહે છે. સમાજમાં આવી પોકળ ભદ્રતાની પ્રતિષ્ઠા થતી રહે છે. એ સિન્થેટિક ભદ્રતા* છે. આપણા સ્વ પર સતત ઝીંકાતા હથોડા આપણા વ્યક્તિત્વમાં રહેલા પુષ્પત્વને પ્લાસ્ટિકનું બનાવી મૂકે છે. યાદ રાખવાનું છે કે કાંસકીની શોધ થઈ પછી આપણા માથા પર વાળ નથી ઊગ્યા, કાંસકી નહોતી ત્યારે પણ માણસને માથે વાળ હતા. એ જ રીતે લગ્નની શોધ થઈ પછી પ્રેમ નથી ઊગ્યો. લગ્નસંસ્થા શરૂ થઈ તે પહેલાંની સદીઓમાં પણ પ્રેમ નામની ચીજ હતી જ! વૃદ્ધોને નિયમની ખબર હોય છે, જ્યારે યુવાનોને અપવાદની ખબર હોય છે. યુવાનો વૃદ્ધોની વાત સાંભળવા તૈયાર છે, પરંતુ તે માટે વૃદ્ધોએ યુવાનોના મિત્ર બનવું પડશે. વૃદ્ધોની એક મર્યાદા જાણી રાખવા જેવી છે. જ્યારે યુવાન હતા ત્યારે એમને સેક્સમૂલક આકર્ષણની પજવણી કેટલી તીવ્રપણે થઈ હતી તે વાત ભૂલી જવામાં તેઓ ઉસ્તાદ હોય છે. આકર્ષણ તો ધરતીના પેટાળમાંથી નીકળતા ક્રૂડ ઓઇલ જેવું હોય છે. એ આકર્ષણ લેવાની નહિ, આપવાની ઉતાવળમાં હોય ત્યારે સેક્સ-અફેર, લવ-અફેર બને છે. ક્રૂડ ઓઇલનું રૂપાંતરણ પેટ્રોલમાં થાય તે માટે રિફાઇનરી જોઈએ. એ રિફાઇનરીમાં કશુંક ખોવામાં અને ખોવાઈ જવામાં મળતો આનંદ મહત્ત્વનો છે. પ્રેમ છે તો આનંદ છે અને નિર્મળ આનંદ છે તો અધ્યાત્મ છે. થોરિયાના ઠૂંઠા જેવું અધ્યાત્મ દુઃખપ્રધાન હોવાનું. આનંદ વિનાના અધ્યાત્મને નવી પેઢી નહિ સ્વીકારે એ જ યોગ્ય છે.
મરજી વિરુદ્ધ થયેલું લગ્ન જીવનને નષ્ટ કરે છે અને સમાજની માનસિક તંદુરસ્તીનો નાશ કરે છે. સરકારે હેલ્પલાઇન શરૂ કરવી જોઈએ, જેથી માંહ્યરામાં બેઠેલી કન્યા કે એને પરણનાર મુરતિયો પોલીસને ટેલિફોનથી ખબર આપી શકે કેઃ અમારી મરજીવિરુદ્ધ અમને જનમટીપ થવાની તૈયારીમાં છે. અગ્નિની સાક્ષીએ આવું મહાપાપ રોજ થતું રહે છે. આવાં યુગલોને મદદરૂપ થવા માટે એક એનજીઓ સ્થપાયું, જેનું નામ છેઃ લવ કમાન્ડો. ધન્ય છે આવા કર્મશીલોને. જ્યાં મનમેળ હોય ત્યાં ઘરને પ્રેમમંદિરનો દરજ્જો પ્રાપ્ત થાય છે. પરાણે ગંઠાઈ ગયેલું યુગલત્વ સમાજને નિસ્તેજ બનાવે છે. નવી પેઢીનાં નાદાન હૈયાં દ્વારા જે પસંદગી થાય તેમાં થતી ભૂલ પણ આટલી અપવિત્ર નથી હોતી.

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here