જીવનનો અર્થ જીવનમાંથી જ ખોળવો પડે

1
1498

ગંગાજળથી ગંગાની પૂજા થાય એ રીતે જીવનની ઉપાસના રોજિંદા જીવન દ્વારા થવી જોઈએ. જીવનનો અર્થ શબ્દકોશમાં નહિ જડે. એ તો જીવનમાંથી જ ખોળવો પડે. પ્રત્યેક દિવસ એવી રીતે પસાર થવો જોઈએ કે રાતે પથારીભેગા થતી વખતે એક કલાકૃતિ પૂરી થતી હોય એવા પરિતોષનો અનુભવ થાય. આવું નથી બનતું તેનું દુઃખ નથી, પરંતુ એવું ન બને તેનો રંજ પણ ન હોય તો ક્યાં જવું?
ઘણાખરા માણસોના જીવનને વૈતરું ગ્રસી જાય છે. રોટલાભેગા થવા માટે ફરજિયાત વૈતરું કરવું પડે તેવા ગરીબ આદમીની વાત જુદી છે. પૂરતા પૈસા હોય તોય વૈતરું ન છૂટે ત્યારે શું સમજવું? લોભી માણસ ગમે તેટલો માલદાર હોય તોય વૈતરું છોડી શકતો નથી. કંજૂસ માણસ પૈસાનિષ્ઠ હોય છે, જીવનનિષ્ઠ નથી હોતો. કંજૂસ માણસ જીવનને તરછોડી શકે, પૈસાને ન છોડી શકે. એક કંજૂસ વ્યક્તિ સમગ્ર પરિવારની પ્રસન્નતાને ગ્રસી જાય છે. કંજૂસ પતિ પોતાની પત્નીને જીવતેજીવત ગંગાસ્વરૂપ બનાવી દે છે. કંજૂસ પત્નીનો પતિ લગભગ વિધુર બનીને જીવતો હોય છે. કંજૂસાઈ પણ એક પ્રકારનું વ્યસન છે.
જીવનને ગ્રસી જનારી બીજી ચીજ વ્યસન છે. વ્યસની આદમી એકલો બરબાદ નથી થતો. એ સમગ્ર પરિવારને બરબાદ કરે છે. એવા દાખલા જોયા છે, જેમાં દીકરીના વિવાહ નક્કી કરતી વખતે શરાબી બાપ પણ તપાસ કરતી વખતે પૂછે છેઃ છોકરો શરાબ તો નથી પીતો ને? વ્યસન માણસના સ્વરાજ પર જબરી તરાપ મારે છે. કેટલાય પરિવારો શરાબને કારણે બરબાદ થયા છે. શરાબી રાજા કે નવાબ પ્રજાને ખૂબ મોંઘો પડે છે. શરાબમાં ડૂબેલો રહેતો અભિનેતા પોતાની કરિયર ટૂંકાવી નાખે છે. ધૂમ્રપાન કરનાર બાપ સંતાનોને વારસામાં નબળાં ફેફસાં આપી જાય છે. સિગારેટનું બીજું નામ છેઃ કેન્સરસળી.
જીવનને ગ્રસી જનારી ત્રીજી ચીજ છેઃ ધ્યેયનો અભાવ. યંત્રવત્ ચાલતી રહેતી ઘટમાળ મૃત્યુનું જ બીજું નામ છે. લોકો બસ ટેવને આધારે જીવ્યે રાખે છે. તેઓને કદી પ્રશ્ન નથી થતો કેઃ માળું આ જીવન આખરે શા માટે? આવો પ્રશ્ન ઊઠે જ નહિ ત્યારે જાણવું કે આપણે જીવનનો ડોળ કરી રહ્યા છીએ. વેપાર-ધંધામાં દેવાળું કાઢનારની ઇજ્જત જાય છે, પરંતુ જીવનનું દેવાળું કાઢનારની પ્રતિષ્ઠાને ખાસ આંચ નથી આવતી. ક્યારેક તો જીવનના દેવાળિયાને વી.આઇ.પી. ગણવામાં આવે છે.
પરંપરાગત વર્ણપ્રથાને કારણે સમાજમાં જાણે ચાર ઢગલીઓ પડી ગઈ. માનવીનું આવું જન્માધારિત વિભાગીકરણ થયું તેમાં માનવતા નામની જણસનું અવમૂલ્યન થયું. વર્ણપ્રથાને ધર્મનો ટેકો મળ્યો તેથી માનવની ગરિમાને ગોબો પડ્યો. હવે નવી વર્ણપ્રથાની જરૂર છે. ઈ. એફ. શુમાકર માનવીના અસ્તિત્વની ચાર કક્ષાઓ ગણાવે છે ઃ
(1) ખનીજ કક્ષા (મિનરલ લેવલ), (2) વનસ્પતિ કક્ષા (પ્લાન્ટ લેવલ), (3) પ્રાણી કક્ષા (એનિમલ લેવલ), (4) માનવ કક્ષા (હ્યુમન લેવલ)
આ ચાર કક્ષાએ કઈ કઈ મુખ્ય બાબત જોડાયેલી છે તે પણ જાણી રાખવા જેવું છે. અસ્તિત્વની ખનીજ કક્ષાએ કેવળ દ્રવ્ય (મેટર)ની જ બોલબાલા હોય છે. વનસ્પતિ કક્ષાએ કેવળ જીવતા રહેવાનું જ મહત્ત્વ હોય છે. પ્રાણી કક્ષાએ કેવળ સભાનતા (કોન્સિયસનેસ) હોય છે. માનવ કક્ષાએ પોતાના ‘સ્વ’ અંગેની સભાનતા (સેલ્ફ અવેરનેસ) હોય છે. આ ચાર કક્ષાઓ પ્રત્યેક માણસને સમજવાની ચાવી પૂરી પાડે છે. એમાં વર્ણ, જ્ઞાતિ કે રંગને આધારે થતા વિભાજનને કોઈ સ્થાન નથી. સોળે કળાએ જીવન ખીલી ઊઠે એવી ચોથી કક્ષા પ્રત્યેક માણસ માટે શક્ય છે. જાત ભણીની જાત્રા એ જ ખરી જાત્રા! કેટલાય લોકો જાત્રાએ જાય ત્યારે પણ શોપિંગ કરવા માંડે છે. કહ્યું છેઃ આયે થે હરિભજન કો, ઓટન લગે કપાસ!
પ્રત્યેક મનુષ્ય પર ધોધમાર પ્રભુકૃપા વરસી રહી છે. વિષ્ણુસહસ્રનામમાં વિષ્ણનું એક નામ છેઃ અનુકૂલઃ માણસ ગમે તેટલો પતિત હોય, તોય અસંખ્ય અનુકૂળતાઓને કારણે જીવતો રહી શકે છે. કૃપાનો ધોધ કદાચ બધાંને નહિ ભીંજવે તોય કૃપાની દદૂડી તો પ્રત્યેક માણસને ભીંજવતી રહે છે. એ દદૂડી ધોધ બને એવી ઝંખનાનું બીજું નામ સાધના છે. સાધના કરવી એ કેવળ સાધુજનોનો જ વિશેષાધિકાર નથી. કહેવાતી શૂદ્ર જ્ઞાતિમાં જન્મેલા ભક્ત રૈદાસની સાધનાને કારણે મીરાંબાઈ એમને ખાસ ચાલીને મળવા જઈ શકે છે. પ્રત્યેક સિદ્ધાર્થમાં બુદ્ધ બનવાની શક્યતા પડેલી હોય છે. અહંકારને કારણે માણસ પડે છે એ ખરું, પરંતુ પોતાની જાતને છેક ઓછી આંકનાર માણસ પણ સૂક્ષ્મ કક્ષાએ આપઘાત કરતો હોય છે. આવા નમાલા માણસો દરેક ઓફિસમાં કે સંસ્થામાં જોવા મળે છે. જાત અંગેની સાચી સમજણને સેલ્ફ – કન્સેપ્ટ કહે છે. આવી સ્પષ્ટ સમજણ ધરાવનાર માણસને અભિમાની કહીને વગોવવાની જરૂર નથી. ચર્ચિલ ગરીબડો શા માટે બને? સરદાર પટેલ કે મોરારજી દેસાઈની ખુમારીને નમ્રતાને નામે વગોવવાનું યોગ્ય નથી. નમ્રતા પણ અભિમાનની પ્રતિછાયા બની શકે છે.
માણસની પર્સનાલિટી ઘણા પ્રકારની હોઈ શકે છે. જગતમાં અબજો માણસો જીવે છે, પરંતુ કોઈ પણ બે માણસોની પર્સનાલિટી બિલકુલ સરખી નથી હોતી. પર્સનાલિટીની બાબતે ઈશ્વર ઝેરોક્ષ નકલમાં માનતો નથી. પ્રકૃતિ વિરાટ છે અને વૃક્ષ અસંખ્ય છે, પરંતુ બિલકુલ સરખાં એવાં બે પાંદડાં પણ હોતાં નથી. કોઈ વ્યક્તિ કેન્સર પર્સનાલિટી ધરાવે છે એવું કહી શકાય? કાર્લ સિમોન્ટોન નામના કેન્સર સ્પેશિયલિસ્ટે ટેન્શનના પ્રતિભાવ તરીકે અમુક જાતનું વર્તન બતાવનારા દરદીઓનો અભ્યાસ કર્યો પછી કેન્સર પર્સનાલિટીની વાત આજથી 22 વર્ષ પર કરી હતી. એ ડોક્ટરને છેક સત્તર વર્ષની ઉંમરે કેન્સર થયું હતું અને તેથી એની વાતમાં સત્યનો રણકો જણાય છે. તુમ ટેન્શન મત લો, એવું વારંવાર કહેવામાં આવે છે. આજનો માણ્ણ કદાચ ટેન્શનનું ઉત્પાદન કરવામાં અને પછી ટેન્શનને ઘટાડવામાં જ જીવન ખર્ચી નાખે છે. આપણી પ્રત્યેક ઓફિસમાં એક ટેન્શન કોર્નર હોવો જોઈએ, જ્યાં બધા કર્મચારીઓ એકાએક તાણ વધી પડે ત્યારે શવાસન કરી શકે. આવી સગવડ સરવાળે સસ્તી પડશે. ક્યારેક જરા જુદો વિચાર આવે છે. શું તાણશૂન્ય જીવન શક્ય છે? એવું પણ બને કે સંપૂર્ણપણે તાણમુક્ત જીવન લગભગ પ્રમાદયુક્ત જીવન બની જાય. તાણ બિલકુલ ગેરહાજર હોય તો કવિતા રચાય ખરી? તાણ વિના કલાકૃતિ સર્જાય ખરી? તાણ વિના લીડરશિપ જાળવી શકાય ખરી? પૂર્વતૈયારી સાથે જોડાયેલી તાણ વિના સુંદર પ્રવચન થઈ શકે ખરું? તાણ વિના કદી પણ કટારલેખન જામે ખરું? તાણ વિના માણસ કોઈ મોટી ધાડ મારી શકે ખરો? બાપડી ભેંસ રસ્તાની બાજુએ ડહોળા પાણીના ખાબોચિયામાં નિરાંતે આરામ ફરમાવે ત્યારે તાણ કેવી ને વાત કેવી? અરે ભાઈ! તાણ છે તો જીવન છે. તાણ ભલે રહેતી. એને એકંદરે સખણી રાખવાના ઉપાયો અનેક છે. તાણને હડે હડે કરનાર માણસ કોઈ પણ પરાક્રમ ન કરી શકે. તાણ છે તો પ્રગતિ છે અને પરિવર્તન છે. તાણ છે તો બ્લડપ્રેશર છે. બ્લડપ્રેશર છે તો હૃદયરોગનો હુમલો છે. સંપૂર્ણપણે તાણમુક્ત મનુષ્યનું લાંબું જીવ્યું પણ બેકાર હોઈ શકે છે. એક ઉપાય છે. તાણ વધી પડે ત્યારે સભાન બની જવું અને પાંચ મિનિટ આંખ મીંચી દઈને ઊંડા શ્વાસ લેવા. એમ કરતી વખતે તાણબાઈને શાંતિથી સાક્ષીભાવે નીરખવી. કદાચ ફેર પડે! હા, તાણને જોઈ શકાય છે, સૂંઘી શકાય છે અને અનુભવી શકાય છે. ચીનની એક ઉક્તિ છેઃ
એક માછલીએ બીજી માછલીને કહ્યુંઃ લોકો જેની વાત કરે છે, તે મહાસાગરમાં તું માને છે? (ક્રમશઃ)

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.