જીવતેજીવત મરવું શેને?

0
714

(ગતાંકથી ચાલુ)
યાદ છે? વર્ષો પહેલાં ગુજરાતના રાજ્યપાલ મહેદી નવાઝ જંગ હતા. એમની દીકરી ડો. ઇસ્મત મહેદી ઇજિપ્તની ભારતીય એલચીકચેરીમાં કલ્ચરલ સેન્ટરની ડાયરેક્ટર હતી. કેરોમાં પૂરા પાંચ દિવસ રહેવાનું બન્યું ત્યારે ઇસ્મતબહેને એક સૂફી ફકીર સાથે મુલાકાત ગોઠવી આપેલી. લાંબી વાતો ચાલી ત્યારે સૂફી અબ્દલ હાઈએ વાતવાતમાં મને કહ્યુંઃ
હું હસું છું કારણ કે, હું એકલો છું.
લોકો હસે છે કારણ કે. તેઓ સૌ સરખા છે.
સદીઓથી મનુષ્યના સ્વરાજ્ય પર તરાપ મારવામાં સમાજને મજા પડતી રહી છે. માણસ પોતીકી રીતે જીવવાનું રાખે ત્યાં તરાપ પડવા માંડે છે. ધર્મપરંપરાને નામે તરાપ મારે છે. સ્વજનો રિવાજના નામે તરાપ મારે છે. આપણું સ્વરાજ્ય ઝૂંટવી લેવામાં સૌથી મોખરે આપણા પાડોશીઓ હોય છે. સદીઓથી આપણા માથે એક તલવાર સતત લટકતી રહે છેઃ ‘લોકો શું કહેશે?’ જીવનની પ્રત્યેક બાબત પર લોકોનો સરેરાશ અભિપ્રાય તૈયાર જ હોય છે. કોઈ યુવાન પોતાની ઇચ્છા મુજબ પરણે ત્યારે લોકોનો સરેરાશ અભિપ્રાય ઘણું ખરું જુદો હોય છે. આ ‘સરેરાશ’ શબ્દ જબરો ખતરનાક છે. સરેરાશ સાથે મેળ ન પડે એનું જ નામ ગુનો! સરેરાશ સાથે મેળ પડે એનું જ નામ સલામતી. ધન્ય છે, જેમણે સલામતીને ઠોકર મારી અને ‘ગુનો’ કર્યો. દુનિયા આવા ‘ગુનેગારો’ને કારણે રળિયાત છે.
ઇટાલીમાં એક મહાન ગુનેગાર થઈ ગયો. લોકોએ એને જીવતો બાળી મૂકેલો. એનો ગુનો શો હતો? એણે લોકોને મોટે અવાજે કહ્યું કે પૃથ્વી સપાટ નથી, ગોળ છે. એ મહાન ગુનેગારનું નામ બ્રુનો હતું. બ્રુનો ચૂપચાપ બેસી રહ્યો હોત તો મરવું ન પડત. સંત તુકારામે અભંગ લખ્યા એટલે બ્રાહ્મણો ભારે નારાજ થયા. એમણે તુકારામને દેહૂ ગામની ઇન્દ્રાયણી નદીમાં પોતે રચેલા અભંગ પધરાવવાની ફરજ પાડી હતી. દેહૂ ગામે જઈને ઇન્દ્રાયણી નદીના કિનારે ગયો ત્યારે મને તુકારામના દિવ્ય ગુનાને વંદન કરવાની તક મળી હતી. ત્યાં તુકારામના વંશજને પણ મળવાનું થયેલું. તુકારામના ખરબચડા શબ્દો યાદ આવ્યાઃ
હે ભગવાન!
તારી સાથે સંબંધ બાંધવો
એ જ મોટી ભૂલ છે.
તું હાથપગ વગરનો ઠૂંઠો છે.
તને નહિ શરમ, નહિ વિચાર,
તું નિર્લજ્જ છે.
તું ચોર છે.
સર્વસ્વ લૂંટી લેવું એ જ તારો ધંધો છે.
તું પોતે ચોર, તું અમને શું આપનાર?
તારી પાસેથી મળવાનું તો કંઈ જ નહિ,
પણ શું કરીએ?
તારા સિવાય ગતિ નથી.
એટલે જ તારી પાછળ લાગીએ છીએ.
લોકતંત્રની પ્રશંસા કરતી વખતે કહેવામાં આવે છે કે એવા શાસનમાં માણસને પોતાનો સાવ જુદો કે વિચિત્ર અભિપ્રાય પ્રગટ કરવાની છૂટ હોય છે. વાસ્તવિકતા જરા જુદી છે. આજે પણ ભણેલા-ગણેલા લોકોની માનસિકતા એવી છે કે જુદો અભિપ્રાય એટલે ખોટો અભિપ્રાય અને જુદો અભિપ્રાય ધરાવનાર માણસ આપણો શત્રુ. એની નિંદા તર્કનો કે દલીલનો કે સત્યનો આધાર લઈને ન કરવી. એના પર હેત્વારોપણ કરવું અને એને બચાવ કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી કરવી. આવા આક્રમણ સામે ટકી જાય તે વીર અને ઝૂકી પડે તે વ્યવહારુ! જો મનુષ્યના સદ્ગુણોનું પ્રધાનમંડળ રચાય તો વડા પ્રધાન તરીકે જરૂર અભય સ્થાન પામે. શ્રીકૃષ્ણે ગીતામાં દૈવી સંપત્તિની યાદીમાં અભયને પ્રથમ ક્રમે મૂક્યો છે. આખો સમાજ ‘વ્યવહારુ સરેરાશ’ પર જીવે છે. વ્યવહારુ માણસ મજબૂર જીવનનું વિકરાળ રહસ્ય સમજે છેઃ
ડરતાં ડરતાં જીવવાનું
ને જીવતેજીવત મરવાનું!
નિરાંતે જીવવાની આ ફોર્મ્યુલા સરેરાશના ચાસમાં ચાસ પાડનારી છે. એમાં જોખમ નથી, વિરોધ નથી, બદનામી નથી અને સ્વરાજ્ય નામની બિહામણી ઘટનાનો ભય નથી. કલ્પનાને રવાડે ચડવામાં સાહસ છે. સાહસ હોય ત્યાં જોખમ હોવાનું. પોતે જે બની ન શક્યો તેની ખોટ પૂરવા માટે મનુષ્યને કલ્પના આપવામાં આવી છે. વિનોદવૃત્તિ મનુષ્યને શા માટે મળી છે? જે આપણે ન પામી શક્યાં તે માટેનું આશ્વાસન પૂરું પાડવા માટે વિનોદવૃત્તિ આપવામાં આવી છે. સંતાનો તમારી વાત ન સાંભળે તો તેની ચિંતા કરવા જેવી નથી. ખરી ચિંતા તો એ માટે કરવા જેવી છે કે તેઓ તમારી બધી રીતરસમો જોઈ રહ્યા છે. વ્યવહારુ મનુષ્યને માથે સૌથી મોટું કોઈ જોખમ હોય તો તે છેઃ ‘બાળકો બધું સમજી જાય છે.’
દુનિયાના ઇતિહાસમાં ડોકિયું કરનારને એક વાત સમજાઈ જશે કે માનવીના વિકાસમાં સરેરાશગ્રસ્ત વ્યવહારુ માણસોએ કશો જ ફાળો આપ્યો નથી. રિચાર્ડ બેકની યાદગાર વાર્તામાં જોનાથન નામનું સાગરપંખી સાવ જુદું વિચારે છે અને દેશનિકાલની સજા પામે છે. ‘જોનાથન લિવિંગ્સ્ટન સીગલ’ પુસ્તક જગતના અવ્યવહારુ મનુષ્યોને અપાયેલી મહાન અંજલિ ગણાય. જો વ્યવહારુ માણસોનું ચાલ્યું હોત, તો આજે પણ પૃથ્વી સપાટ ગણાતી હોત. આજે પણ અસ્પૃશ્યતા અને સતીપ્રથા ચાલુ હોત અને આજે પણ દુનિયામાં સ્ત્રીઓને મતાધિકાર પ્રાપ્ત થયો ન હોત. આપણે કદાચ એવા મનુષ્યો છીએ, જેમને માતાપિતાએ વારંવાર ચેતવ્યા હતા છતાં સુધરવામાં સફળ ન થયા અને તેથી થોડાક આગળ વધી શક્યા. જે સમાજ અવ્યવહારુ માણસોને સહન કરવાની તાકાત ગુમાવી બેસે છે, તે સમાજ ગમે તે ધર્મ પાળતો હોય તોય વાસ્તવમાં તાલિબાની સમાજ છે. પોતાની સઘળી માન્યતાઓને હડસેલો મારીને જીવવું એ જીવતેજીવત મરવાનો એક લોકપ્રિય પ્રકાર છે. વિભીષણ મોટા ભાઈ રાવણની સામે થયો ત્યારે અવ્યવહારુપણાનું સૌંદર્ય પ્રગટ થયું. બીજો અભિપ્રાય જેને સાવ જ અસહ્ય જણાય, તે માનવી પોતાની ભીતર પડેલા રાવણત્વનો રખેવાળ ગણાય. માનવીમાં રહેલું વિભીષણત્વ મૂલ્યવાન છે. જે સત્યને ખાતર ભાઈને ત્યજે તે વિભીષણ છે. જે ભાઈને ખાતર સત્યને જતું કરે તે કુંભકર્ણ છે. પસંદગી આપણા હાથમાં છે. (ક્રમશઃ)

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.