જિંદગી ઝિંદાદિલીથી જીવવી જોઈએઃ ફિલ્મ ‘102 નોટઆઉટ’


ફિલ્મ ‘102 નોટઆઉટ’ સૌમ્ય જોશીના આ જ શીર્ષક ધરાવતા ગુજરાતી નાટક પરથી બનાવવામાં આવી છે. ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર અને ડિરેક્ટર ઉમેશ શુક્લા છે. કોમેડી ડ્રામા ગણાતી આ ફિલ્મના સંગીતકાર સલીમ સુલેમાન છે.
સુસ્ત-સુસ્ત, ઢીલું-ઢીલું જીવવું એ જીવવા બરાબર નથી. જીવવું હોય તો ઝિંદાદિલીથી જીવવું જોઈએ, સ્ફૂર્તિ, ચુસ્તીથી જીવવું. આ વાત આ ફિલ્મમાં છે.
આ ફિલ્મની વાર્તા રસપ્રદ છે. દત્તાત્રેય વખારિયા (અમિતાભ બચ્ચન) ચાઇનીઝ મેનનો સૌથી વધુ વર્ષ જીવવાનો વિક્રમ તોડવા માગે છે. ચાઇનીઝ મેન 118 વર્ષ જીવ્યો હોય છે અને દત્તાત્રેય વખારિયા તેનાથી વધારે જીવવા માગે છે. તેઓ રમૂજી સ્વભાવના છે અને તેમના જીવનમાંથી નકારાત્મક બાબતો, નકારાત્મક વ્યક્તિઓને બહાર કાઢવા આતુર છે. તેમનો 75 વર્ષનો પુત્ર બાબુલાલ (રિશી કપૂર) ખૂબ જ ડરપોક અને પિતાથી સાવ જ વિરુદ્ધ પ્રકૃતિ ધરાવે છે. તે વર્ષોથી એક જ ચાદર લપેટીને સૂઈ જાય છે અને તેને ખુશ રહેવાની એલર્જી છે.
દત્તાત્રેય પોતે આનંદથી જીવી શકે તે માટે પોતાના પુત્રને વૃદ્ધાશ્રમમાં મૂકવા માગે છે. બાબુલાલ પોતાની જાતને પણ બદલી શકતા નથી અને વૃદ્ધાશ્રમમાં રહેવા જવા પણ તૈયાર થતા નથી. ત્યારે દત્તાત્રેય કહે છે કે જો મારી સાથે રહેવું હોય તો કેટલીક શરત છે. આ બન્ને વચ્ચેના જીવનને ધીરુ (જીમિત ત્રિવેદી) જકડી રાખે છે.
વય-ઉંમર એ વાત તમારા મનમાં ઠસી ગયેલી બાબત છે, આ વાત ફિલ્મમાં ઉજાગર કરવામાં આવી છે. આ વિષયને સહજતાથી ફિલ્મમાં દર્શાવ્યો છે. વૃદ્ધ વ્યક્તિઓ એકલતામાં શું અનુભવે છે, કેવી રીતે જીવન જીવે છે એ વાત સૌમ્ય જોશીએ પોતાના ગુજરાતી નાટકમાં વર્ણવી હતી. ફિલ્મમાં રમૂજી સંવાદો છે. ગીતો ‘વક્ત ને કિયા ક્યા સિતમ’ અને ‘જિંદગી મેરે ઘર આના’, ‘બદુઆ’ લોકપ્રિય થયેલાં છે.
લાગણીશીલ અને સામાજિક સંદેશો આપતી આ ફિલ્મ મસાલા ટાઇપના દર્શકોને કદાચ ગમશે નહિ.
અમિતાભ બચ્ચન રાબેતા મુજબ પોતાના અભિનયમાં છવાઈ ગયા છે. રિશી કપૂરે પણ પ્રશંસનીય અભિનય આપ્યો છે. પિતા-પુત્રનાં ઘણાં એવાં દશ્યો છે, જેના કારણે દર્શકો લાગણીશીલ થઈ જશે. 102 મિનિટની આ ફિલ્મની કથા-પટકથા નબળી છે. ખાસ કરીને પ્રથમ ભાગમાં ફિલ્મ સ્થિર થઈ જાય છે. ફિલ્મના બીજા ભાગમાં થોડો રોમાંચ છે.