જાહનવી અને ખુશીને કારણે જ હું મારા પિતા બોની કપુરની નિકટ આવ્યો છું : અભિનેતા અર્જુન કપુર 

 

 નિર્માતા- નિર્દેશક બોની કપુરે અભિનેત્રી શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેમને બે પુત્રીઓ છેઃ જાહનવી ને ખુશી. જાહનવી ફિલ્મોમાં  અભિનય કરી રહી છે. તેની બે-ચાર ફિલ્મો પણ આવી ચુકી છે. બોની કપુરે બે વાર લગ્ન કર્યા હતા. તેમની પહેલી પત્ની હતી મીના શૌરી. મીના શૌરીને ડાયવોર્સ આપીને બોની બીજીવાર શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા. બોનીકપુરના પહેલા લગ્નથી બે સંતાનો હતાઃ પુત્રી અંશુલા કપુર અને પુત્ર અર્જુન  કપુર. પિતાએ છૂટાછેડા લઈને માતા ને તકલીફ આપી, દુખ પહોચાડ્યું એ વાત અર્જુન કપુર કદી ભૂલી શક્યો નહોતો. એના પિતા સાથેના સંબંધમાં અંતર આવી ગયું  હતું. કડવાશ ને નફરતની લાગણી એના મનમાં વ્યાપી ગઈ હતી. એમાં અધૂરામાં પૂરું, એની માતા કેન્સરના રોગથી ગ્રસ્ત હતી અને તે કેન્સરને કારણે જ મૃત્યુ પામી હતી – જેના માટે અર્જુન એના પિતાને જવાબદાર ગણતો હતો.  પિતાના લગ્નને લીધે એમનો પરિવાર વેરવિખેર થઈ ગયો હતો.  શ્રીદેવી સાથેના પિતાના બીજા લગ્ને એમનું હસતું ગાતું ઘર સૂમસામ કરી દીધું હતું. માતા ગુજરી ગઈ હતી, બહેન અંશુલા ગુમસુમ બનીને જીવી રહી હતી. આ બધા માટે અર્જુન બોનીને જવાબદાર ગણતો હતો. પરંતુ શ્રીદેવીના આકસ્મિક મૃત્યુને કારણે પરિસ્થિતિ પુનઃ બદલાઈ હતી. બોની કપુર ગમગીન હતો. શ્રીદેવીની પુત્રીઓ માતાના મૃત્યુના આઘાતમાંથી બહાર આવી શકતી નહોતી ત્યારે- અર્જુન કપુરે ઘરના મોટા પુત્ર તરીકે પરિવારને સંભાળવાની શરૂઆત કરી હતી. તેણે માતા ગુમાવનારી  જાહનવી ને ખુશી- બન્નેને મોટાભાઈનો સ્નેહ ને હૂંફ આપ્યા હતા. સતત તેમની સારસંભાળ  રાખી હતી, એટલું જ નહિ, શ્રીદેવીના મોતનો શોક મનાવી રહેલા પિતા બોનીને એક મિત્રની જેમ દિલાસો ને વિશ્વાસ આપ્યો હતો. ખુશી, જાહનવી ને અંશુલા – ત્રણે બહેનોને કારણે હું મારા પિતાની નિકટ આવી શક્યો છું એવું જણાવતાં અર્જુને કહ્યું હતું કે, હવે હું પિતાની મનોસ્થિતિને વધુ સારી રીતે સમજી શક્યો છું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here