જાયે તો જાયે કહાં!

0
824

(ગતાંકથી ચાલુ)
જગતમાં ક્યારે પણ કોઈ સિંહે કોઈ વાઘને જોયો હશે ખરો? આ બન્ને બહાદુર પ્રાણીઓ ક્યારેય લડ્યાં નથી. સિંહ વનનો રાજા કહેવાયો, પરંતુ એના રાજમાં કદી પણ વાઘ વસ્યો નથી. એ જ રીતે જે જંગલમાં વાઘ હોય તે જંગલમાં સિંહે ક્યારે પણ પગલાં પાડ્યાં નથી. આફ્રિકાનાં જંગલોમાં સિંહ છે, પરંતુ ક્યાંય વાઘનો પત્તો નથી. ગિરનારમાં સિંહ વસે છે, પરંતુ ત્યાં વાઘ સદંતર ગેરહાજર છે. માણસે સર્જેલા કોઈ પ્રાણીઘર સિવાય પ્રાણીજગતના આ બે માંધાતાઓ વચ્ચે કાયમ આદરણીય અંતર જળવાયું છે. જેની સાથે ન ફાવે તેનાથી દૂર રહેવાની સ્વતંત્રતા તો મૂળભૂત માનવીય અધિકાર છે. એમ થાય તેમાં બન્ને પક્ષે લાભ જ લાભ છે. માનવી સ્વભાવે લાભપ્રિય પ્રાણી છે. લાભને હડે હડે કરવાથી આપોઆપ સાધુ થવાતું નથી. સાધુઓ સંસારીઓને પત્ર લખે ત્યારે પ્રારંભે આશીર્વાદનો શબ્દ વાંચવા મળે છેઃ ધર્મલાભ. લાભનો ત્યાગ નથી કરવાનો, એની ક્વોલિટી સુધારવાની છે. લાભને સખણો રાખવાનો છે. અણગમતા આદમીથી છેટા રહેવામાં કોઈ હિંસા થતી નથી.
દુકાન એક પવિત્ર સ્થાનક છે. જે દુકાન પર કદી કોઈની છેતરપિંડી થતી નથી એ દુકાન મંદિરથી ઓછી પવિત્ર નથી. દુકાનદાર માલ વેચે છે. ગ્રાહક માલ ખરીદે છે. બન્નેનું મિલન પવિત્ર છે. ગ્રાહકને અનાજની જરૂર છે. એ દુકાને જાય છે. દુકાનદાર એને અનાજ વેચે છે. બન્ને એકબીજાને જાળવીને વ્યવહાર કરે છે. આવી પરસ્પરતા પર તો સમાજ ટકેલો છે. દુકાનદારનો વ્યવહાર સ્વચ્છ હોય તો એણે પ્રાપ્ત કરેલો નફો પણ પવિત્ર છે. નફો તો અપવિત્ર જ હોય એવી માન્યતા સાચી નથી. શુભ લાભની માફક ‘શુભ નફો’ પણ પવિત્ર બાબત છે. વેપારીએ સાધુ નથી બનવાનું. પ્રામાણિક બનવાનું છે. પ્રામાણિક દુકાનદારને આપણે ત્યાં મહાજન કહ્યો છે. સમાજવાદને નામે મહાજનને પણ શોષણખોર, નફાખોર કે લુચ્ચો કહેશો નહિ. કેટલાય સમાજવાદી નેતાઓ અઢળક ધન ધરાવતા જોયા છે. પ્રામાણિકતા ગુમાવ્યા વિના પણ ધનવાન થઈ શકાય છે. કેટલાય સમાજવાદી નેતાઓ આદર્શની વાતો કરે છે અને પુષ્કળ ધન એકઠું કરે છે. તેઓ મહાજન જેટલા આદરણીય નથી. દુકાન પણ પવિત્ર હોઈ શકે છે. ભાવનગરમાં મહેન્દ્ર મેઘાણીએ સ્થાપેલા લોકમિલાપ કાર્યાલય દ્વારા ચાલતી ‘દુકાન’ પવિત્ર ગણાય. ચીનની એક કહેવત છેઃ
જે માણસ સ્મિત આપી ન શકે,
તેણે દુકાન ખોલવી ન જોઈએ.
એક કોયડાનો ઉકેલ ઝટ જડતો નથી. એવું તે કયું કારણ છે, જે મનુષ્યને નિરપવાદ દંભના ચકરાવે ચડાવે છે? બ્રહ્મચર્યનું મહત્ત્વ લોકોને સમજાવનાર મનુષ્ય અંદરથી લંપટ હોય એવી સંભાવના કેમ વધી જાય છે? ત્યાગનાં બણગાં ફૂંકનાર આદમી અંદરથી વધારે લોભી હોય એનું કારણ શું? અસ્વાદ વ્રતનો મહિમા રોજની પ્રાર્થનામાં ગાનારો આશ્રમવાસી ક્યારેક સ્વાદિષ્ટ ભોજન પર જબરી તરાપ કેમ મારે છે? સમાનતાના આદર્શ પર પ્રવચન કરનાર કર્મશીલનો ડ્રાઇવર ભૂલથી ભૂખ્યો રહી જાય એવું કેમ બને? વૈરાગ્યનું મહત્ત્વ લોકોને સમજાવનાર સાધુના આશ્રમમાં મોહમાયાનાં તોરણિયાં કેમ દેખાય છે? લોહચુંબકની ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ તરફ ખેંચાય તેવું સંસારમાં કેમ બને છે? જ્યાં જ્યાં આદર્શનો અતિરેક થાય છે, ત્યાં ત્યાં પ્રતિક્રિયા વિકરાળ બનતી જોવા મળે છે. સદ્કર્મમાં પણ અતિરેક ન હોવો જોઈએ. અતિ સર્વત્ર વર્જયેત.
બ્રહ્મચર્યનાં ફીફાં ખાંડવાને બદલે જે મનુષ્ય તંદુરસ્ત સેક્સનું સેવન કરે તે આત્મવંચના, આત્મપીડન અને પ્રતિક્રિયામાંથી બચી જાય છે અને નોર્મલ મનુષ્યતાનો પ્રસાદ પામે છે. જે સાધુને અનુભવે સમજાઈ જાય કે પોતે હવે લંગોટમૂલક બ્રહ્મચર્ય કે (સ્થૂળ) સંયમ પાળી શકે તેમ નથી, તેવા પ્રામાણિક સાધુને સંસાર માંડીને જીવવાની સુવિધા ન કરી આપે તેવા ધર્મનું તેજ ખતમ થશે. આવી સુવિધા કરી આપવી એ પુણ્યકર્મ છે. સમણામાં તથાકથિત બ્રહ્મચર્યના ભાંગીને ભુક્કા થઈ જતા જણાય છે. સાધુવેશ જાળવી રાખીને સંસારી જેવું જીવન વેંઢારવું મહાપાપ છે. એ પાપ એટલા માટે પણ છે કે લોકો સાધુવેશથી છેતરાય છે. કોઈને છેતરવામાં ધર્મ ક્યાં રહ્યો? બ્રહ્મચર્ય કરતાંય સહજ સંયમ વધારે ઉમદા બાબત છે. વાંઢાના બ્રહ્મચર્યનો મહિમા ન હોય. ભૂખડીબારસના અપરિગ્રહનો મહિમા ન હોય. ત્યાગીબાબાના વૈભવશાળી આશ્રમનો મહિમા ન હોય. બે શરાબી મિત્રો એક મહાત્માને મળવા ગયા. એક જણે મહાત્માને કહી દીધુંઃ ‘મહારાજ! હું શરાબ લઉં છું. મારાથી એ છૂટે તેમ નથી.’ બીજો માણસ શરાબ લેતો હતો તોય મૂંગો રહ્યો. એણે મૌનપૂર્વક દંભ કર્યો. જે માણસ નિખાલસ બન્યો તે કાલે સુધરશે, પરંતુ પેલો દંભી તો જીવનભર સડવાનો એ નક્કી!
બીજો કોયડો પણ દુનિયાને સદીઓથી પજવતો રહ્યો છે. જે તે ધર્મના અનુયાયીઓ ઘણુંખરું પોતાના આરાધ્ય મહામાનવોના ઉપદેશથી સદંતર વિરુદ્ધ એવું વર્તન કેમ કરે છે? રામના ભક્તો આપેલો વાયદો કેમ તોડે છે? બાળકૃષ્ણને ભજનારા ભક્તો બાળમજૂરી દ્વારા બાળકોનું શોષણ કેમ કરે છે? જૈનો વધારે પરિગ્રહ કેમ કરે છે? ઈસુના ભક્તો યુદ્ધમાં વધારે રસ કેમ લે છ? બૌદ્ધધર્મી લોકો વ્યાપારમાં કરુણા કેમ બતાવતા નથી? મુસ્લિમો ઝનૂનને પનારે પડીને તીવ્ર હિંસાયુક્ત વેરભાવ કેમ રાખે છે? પયગંબરની ઉદાર ક્ષમાવૃત્તિ અને કરુણા એમને કેમ પચતી નથી? જ્યોર્જ બર્નાર્ડ શો આ પ્રશ્નોનો જવાબ આપે તે સાંભળવા જેવો છેઃ
મહાન માણસોને એમની મહાનતા બદલ શી રીતે સજા કરવી તેની ગતાગમ ન હોવાને કારણે વિધાતા એમને ચેલાઓ આપીને સજા કરે છે.
એક ફિલ્મી ગીતની પંક્તિઓ યાદ આવે છેઃ ‘અંધે જહાન કે અંધે રાસ્તે, જાયે તો જાયે કહાં.’ શાણો માણસ દુનિયામાં અટવાતી, અમળાતી, વમળાતી ‘વ્યવહારુ લુચ્ચાઈ’ જોઈને આશ્ચર્યમાં પડી જાય છે. એ માણસ ધર્મગુરુઓનો ઉપદેશ સાંભળે છે, પરંતુ એમનું ખાનગી જીવન જોઈને દંગ થઈ જાય છે. ધર્મગુરુઓના ભવાડા જોઈને એ બિચારો સમાજના વિચારકો અને બૌદ્ધિકો તરફ વળે છે. એ ચતુર લોકો પણ શાણા સજ્જનોને બુદ્ધિપૂર્વક છેતરે છે. આ વાત જેમને ગળે ન ઊતરે તેમણે પોલ જોન્સનનું બેસ્ટ સેલર પુસ્તક ‘ઇન્ટેલેક્ચ્યુલ’ વાંચવું જ રહ્યું. એમાં લેખકે રૂસો, શેલી, કાર્લ માર્ક્સ, બર્ટ્રાન્ડ રસેલ, સાર્ત્ર અને ટોલ્સ્ટોય જેવા અનેક બુદ્ધિમાન વિચારકોની ખાનગી વાતો પ્રગટ કરી છે. પુસ્તકને અંતે લેખક આપણને ચેતવણી આપીને કહે છેઃ ‘બૌદ્ધિકો ધર્મગુરુઓ કે ભૂવાઓ કરતાં વધારે સારો દાખલો બેસાડનારા નથી. એમની સલાહને શંકાની નજરે જુઓ. એમનાં જાહેર નિવેદનો કે વિધાનો પર અવિશ્વાસ રાખો. વિચારો અને ખ્યાલો કરતાં લોકો જ વધારે અગત્યને છે.’ હવે કહો કે લોકો જાય ક્યાં? જાયે તો જાયે કહાં! (ક્રમશઃ)

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.