જામનગર આણદાબાવા સેવા સંસ્થામાં ઇન્દુકાકા ઇપ્કોવાળા સ્કૂલનું લોકાર્પણ

જામનગરઃ અભ્યાસ, આરોગ્ય અને અધ્યાત્મ ક્ષેત્રે કરોડો રૂપિયાની દાનગંગા વહેવડાવનાર ઇપ્કોવાળા ચેરિટેબલ ટ્રસ્ટ, ચરોતરના દાતા, ઉદ્યોગપતિ દેવાંગભાઈ પટેલે જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં કરોડો રૂપિયાના દાનથી ઇન્દુકાકા ઇપ્કોવાળા સ્કૂલનું નિર્માણ કર્યું છે.
ચાર મજલાની અદ્યતન સુવિધાઓથી સજ્જ આ શાળામાં વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પ્યુટર લેબોરેટરી, વિજ્ઞાન પ્રયોગશાળા, પ્રાર્થના હોલ જેવી અનેક સુવિધાઓ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની આ શાળાનો ઉદ્ઘાટન તથા લોકાર્પણ સમારોહ મહંત દેવપ્રસાદજી મહારાજ, ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા , ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ, સંતરામ મંદિરના સંત નિર્ગુણદાસજી મહારાજ, સત્યદાસજી મહારાજ તથા સંતરામ મંદિરના સંતો સાથે દેવાંગભાઈ પટેલના સાંનિધ્યમાં ઊજવાઈ ગયો. આ પવિત્ર દિવસ એટલા માટે યાદગાર બન્યો કે રથયાત્રાની સાથે સાથે મહંત દેવપ્રસાદજી મહારાજ તથા દેવાંગભાઈ પટેલ (ઇપ્કોવાળા)નો જન્મદિવસ હોવાથી આ ત્રિવેણી સંગમસમો કાર્યક્રમ ઊજવાયો હતો.
દેવાંગભાઈ પટેલ તથા અનિતાબહેન પટેલનું સન્માન દેવપ્રસાદજી મહારાજ તથા રમેશભાઈ ઓઝાએ કર્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધન કરતાં દાતા, ઉદ્યોગપતિ દેવાંગભાઈ પટેલ (ઇપ્કોવાળા)એ જણાવ્યું હતું કે અમારી સેવાનો સ્વીકાર થયો એ જ મહારાજની પરમ કૃપા. શાળામાં અભ્યાસ કરતાં બાળકોને સુવિધાયુક્ત વાતાવરણ મળે અને સંસ્કારયુક્ત જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે હેતુ આ શાળાનિર્માણનો રહ્યો હતો, જે આજે પૂર્ણ થતાં સંતોષની લાગણી અનુભવાય છે. આણદાબાવા સેવા સંસ્થામાં ઇપ્કો પરિવાર શાળા નિર્માણ કરી શક્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
આ સમારંભ દરમિયાન દેવપ્રસાદ મહારાજના પુસ્તક ‘મંથન-ભાગ-2’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે દ્વારિકાનગરીમાં નિવાસ કરતા ચાર હજાર બ્રાહ્મણોને પ્રત્યેકને 25-25 કિલોએટલે કે કુલ એક લાખ કિલો ઘઉં અર્પણ કરવામાં આવ્યા
હતા.