જામનગરમાં વડાપ્રધાનના હસ્તે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિલ મેડિસિનનો શિલાન્યાસ

જામનગરઃ જામનગરના ગોરધનપર પાસે નિર્માણ પામનાર ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિલ મેડિસિન (જીસીટીએમ)નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે  શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડબલ્યુએચના ડાયરેક્ટર જનરલ અને મોરેશિયસના વડાપ્રધાન પણ હાજર રહ્યા હતાં. વડાપ્રધાને કહ્યું હતું કે, આજે મહામારીથી બચવા માટે દુનિયાના અનેક દેશો ટ્રેડિશનલ હર્બલ સિસ્ટમ પર ભાર આપી રહ્યાં છે. આ પહેલા વડાપ્રધાને જામનગરના પાયલોટ બંગલે જામરાજવી જામ શત્રુલ્યસિંહજી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ જામનગર સક્રિટ હાઉસમાં જ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, ડબલ્યુએચઓએ આ સેન્ટરના રૂપમાં ભારત સાથે નવી ભાગીદારી કરી છે. આ સેન્ટર આવનારા ૨૫ વર્ષ માટે વિશ્વભરમાં પરંપરાગત દવા યુગનો પ્રારંભ કરવા જઇ રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે, ડબલ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ સાથે મારો પરિચય જૂનો છે. ભારત પ્રતિ તેમને લગાવે છે જે આજે એક સંસ્થાના રૂપમાં પ્રગટ થઇ રહ્યો છે. ડો. ટેડ્રોસને વિશ્વાસ અપાવું છે કે તમે ભારતને જવાબદારી આપી છે તે તમારી આશા અને અપેક્ષાઓ પર અમે ખરા ઉતરીશું. જીસીટીએમ એક એવું પ્લેટફોર્મ બનવું જોઇએ જ્યાં વિશ્વની પરંપારગત ચિકિત્સા પદ્ઘતિના નિષ્ણાતો એકસાથે આવે અને પોતાના અનુભવ વર્ણવે. આજના આ કાર્યક્રમમાં નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાનના વડાપ્રધાનોએ વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. મોદીએ કહ્યું કે ભારતની પરંપરાગત સારવાર પદ્ઘતિ માત્ર ઇલાજ સુધી સીમિત રહી નથી, પરંતુ તે જીવનના એક સમગ્ર વિજ્ઞાન સમાન છે.

વડાપ્રધાને કહ્યું કે નિરોગી રહેવું જીવનની યાત્રાનો એક મહત્વપૂર્ણ હિસ્સો હોઇ શકે છે, પરંતુ વેલનેસ જ અંતિમ લક્ષ્ય હોવું જોઇએ. વેલનેસનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે તેનો અનુભવ આપણે કોરોના મહામારી દરમિયાન અનુભવ્યું છે. ડાયાબિટીસ, કબજિયાત, તણાવ જેવી અનેક બીમારીઓ સામે લડવામાં ભારતની યોગ પરંપરા દુનિયા માટે ઘણી ઉપયોગી નિવડી રહી છે. જામનગરમાં બની રહેલા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના શિલાન્યાસ માટે આવેલા ડો. ટેડ્રોસે પોતાના સંબોધનની શરૂઆત ગુજરાતી ભાષામાં કરતાં પૂછ્યું હતું કે, કેમ છો, બધા મજામાં? ડો. ટેડ્રોસે કહ્યું હતું કે ગુજરાતમાં આવીને મને બહુ મજા આવી.

ડબલ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન આ પ્રકારનું વિશ્વનું પ્રથમ સેન્ટર છે, તેનું લક્ષ્ય પરંપરાગત ઔષધિઓની ક્ષમતાને ટેક્નિકલ પ્રગતિ અને પુરાવા આધારિત રિસર્ચ સાથે જોડવાનું છે ભારતમાં સદીઓથી પરંપરાગત ચિકિત્સા પ્રચલિત છે. નાની-મોટી દરેક બીમારીમાં લોકો પરંપરાગત ઔષધિઓ અને ઘરેલુ નુસ્ખાઓનો ખૂબ પ્રયોગ કરે છે. ત્યાં સુધી કે કોરોના કાળ દરમિયાન પણ વૈજ્ઞાનિક રીતે પરંપરાગત જડી-બુટ્ટીઓ અને નુસ્ખાઓનો લોકોએ ઉપયોગ કર્યો. તેનાથી લોકોને ફાયદો પણ થયો. હવે આ જ પરંપરાગત ઔષધિઓ અને નુસ્ખાઓને દુનિયા સમક્ષ મૂકવામાં આવશે. આ કેન્દ્રમાં પરંપરાગત ઔષધિઓને વૈજ્ઞાનિક રીતે ઉમદા બનાવવાનું કામ થશે. દુનિયાના અન્ય દેશોને પણ તેનો લાભ આપવામાં આવશે. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) સાઉથ-ઇસ્ટ એશિયાના રીઝનલ ડાયરેક્ટર પી. કે. સિંહે આ સેન્ટરને ગેમ ચેન્જર ગણાવ્યું છે. ડબલ્યુએચઓના ૧૯૪ સભ્ય દેશોમાંથી ૧૭૦માં લગભગ ૮૦ ટકા લોકો તેમનો ઉપયોગ કરી રહ્યાં છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, પરંપરાગત ઔષધિઓના વ્યાપક ઉપયોગ છતાંય મજબૂત પુરાવા, ડેટા અને મુખ્યપ્રવાહની સ્વાસ્થ્ય સેવા વિતરણ પ્રણાલીમાં તેમના એકીકરણને રોકનારા માપદંડ માળખાની કમી છે. ડબલ્યુએચઓનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન ડેટા અને એનાલિટિક્સ, સ્થિરતા અને સમાનતા, નવાચાર અને ટેક્નોલોજી પર ધ્યાન કેનિ્દ્રત કરી અને પરંપરાગત ચિકિત્સાના પ્રાચીન જ્ઞાન અને શક્તિનો ઉપયોગ કરવામાં અને સતત વિકાસ લક્ષ્યોને આગળ વધારવામાં એક ગેમ ચેન્જર હોઇ શકે છે. સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા અને તમામ ઉંમરના લોકો માટે ભલાઇને પ્રોત્સાહન આપવા માટે પણ આ અત્યંત ખાસ છે.