જામનગરના મોટીબાણુગારમાં આફ ફાટ્યુંઃ રર ઈંચ વરસાદના પગલે અનેક ગામો બેટમાં

 

જામનગરઃ રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથ લે તે પહેલાં જ કુદરતી આફત આવી પડી છે. રાજકોટ અને જામનગરમાં ધોધમાર વરસાદના પગલે અનેક ગામ બેટમાં ફેરવાઈ ગયા છે. જામનગરના મોટીબાણુગાર ગામમાં તો જાણે આભ ફાટ્યું છે. અહીં મેઘરાજાએ રૌદ્ર રૂપ ધારણ કરતા ગણતરીના કલાકોમાં ૨૨ ઈંચ વરસાદ વરસ્યો છે, જેના લીધે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતાં અનેક લોકો મકાનના ધાબાં પર ફસાઈ ગયા છે. લોકોને રેસ્ક્યૂ કરવા માટે એનડીઆરએફની ટીમ બોલાવાઈ છે. મુખ્યમંત્રીએ લોકોને હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરવા તેમજ હોડીમાં જઈ લોકોને રેસ્ક્યૂ કરવા તંત્રને સૂચના આપી છે. રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજકોટ અને જામનગરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જામનગર-રાજકોટ હાઈવે સંપૂર્ણપણે સંપર્ક વિહોણો થયો છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં સરેરાશ ૪ ઈંચ વરસાદ વરસ્યો છે. લોધિકા ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદના લીધે લોધિકા તાલુકાના અનેક ચેકડેમ ઓવરફ્લો થયા છે. ધૂડિયા-દોમડા ગામના કોઝવે પર પાણી ફરી વળ્યા છે. રસ્તાઓમાં ખાબોચિયાં ભરાઈ ગયા છે. ખીરસરા ગામના મહાદેવડી નદીના રિવરફ્રન્ટમાં ઘોડાપૂર આવ્યું છે. નાળાઓ અને ચેકડેમમાં પાણીથી ઉભરાઈ ગયા છે. જામનગર શહેરની બહાર નીકળવાના તમામ ખીજડીયા બાયપાસ, ઘુવાવ પાસે આવેલા પૂલ અને હાઇવે પર પાણી ફરી વળ્યા છે. જામનગરના હાલાર પંથકમાં ભારે વરસાદના લીધે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જિલ્લાના અનેક ગામમાં મકાનો ડૂબી ગયા છે. લોકોને રેસ્ક્યૂ કરવાની સ્થિતિ ઉદ્દભવી છે.

કાલાવડમાં ૨૪ કલાકમાં ૧૦ ઈંચ વરસાદ ખાબક્યો

જામનગરનું મોટીબાણુગાર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. અહીં ૨૨ ઈંચ વરસાદ વરસતા આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે. જામનગરના તમામ ડેમ ઓવરફ્લો થયા છે. કાલાવડમાં ૨૪ કલાકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જામનગરમાં ૩.૨૫ ઈંચ, જામજોધપુરમાં ૨.૨૫ અને જોડિયામાં ૨ ઈંચ વરસાદ વરસ્યો છે. મોટીબાણુગારમાં ૨૨ ઈંચ, કાલાવડમાં ૧૦ ઈંચ, ધોરાજીમાં ૭.૫ ઈંચ, ધ્રોલમાં ૬.૫ ઈંચ, લોધિકામાં ૬ ઈંચ, જાડીયામાં ૫.૫ ઈંચ, પડધરી અને ગોંડલમાં ૫ ઈંચ, ભાણવડ અને જૂનાગઢમાં ૪.૫ ઈંચ, જામકંડોરણા-જેતપુર અને ખંભાળિયામાં ૪ ઈંચ, રાણાવાવ-વડીયા-ઉપલેટા-માંગરોળ-વંથલી-કેશોદ-ભેસાણ અને વિસાવદરમાં ૩ ઈંચ વરસાદ વરસ્યો છે. તાલુકાના ધુવાવ ગામમાં પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ છે. પંચકોશી પોલીસ સ્ટેશનનના સ્ટાફ સહિત લોકોને બહાર કાઢ્યા હતા. જામનગર તાલુકાના અલીયાબાડા, ખીમરાણા ગામમાં હેલિકોપ્ટરની મદદથી રેસ્કયૂંની કામગીરી ચાલી રહી છે.

ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે ગામમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાઇ ગયા હતા. ગામડામાં પાણી ભરાઈ જતા લોકો જીવ બચાવવા બીજા માળે અને ધાબાં પર ચડી ગયા હતા અને કેટલાય ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. આ પ્રકારનો વરસાદ ઇતિહાસમાં પહેલી વાર વરસ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે લોકોના જીવ બચાવવા માટે તંત્ર દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. વોકરા અને નદી-નાળામાંથી પાણી બહાર નીકળી હાઇવે પર ફરી વળ્યા છે, જેના કારણે વિજરખી પાસે કોઝવે પર પાણી ફરી વળતા જામનગર કાલાવડ હાઈવે બંધ થયો છે. જામનગર શહેરને જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ એક જ દિવસમાં ઓવરફ્લો થયો હતો.

લોકોના જીવ બચાવવા માટે ફ્ઝ઼ય્જ્, લ્ઝ઼ય્જ્ની ટીમ રવાના થઈ ગઈ છે. રેસ્ક્યૂ માટે હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. જ્યારે જમવા માટેના ફૂડ પેકેટ માટે સત્તાવાળા તૈયારી કરી રહ્યા છે. રાજકોટના ખીરસરા પાછે છાપરા ગામ નજીક પૂરના પાણીમાં વાહનો તણાઈ ગયા છે. ગોંડલમાં મોડી રાત્રે ૩ ઈંચ વરસાદ પડ્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ગોંડલમાં ૨૪ કલાકમાં ૫ ઈંચ વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લામાં મોસમનો સૌથી વધુ ૩૧ ઈંચ વરસાદ વરસ્યો છે. રાજકોટના ઉપલેટા તાલુકામાં ૪ ઈંચ વરસાદ પડ્યો છે. મોજ નદી બે કાંઠે વહેતી થતાં કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રાજકોટના આજી  ૨ ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમનું રૂલ લેવલ જાળવવા ચાર દરવાજા દોઢ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. દરવાજા ખોલાયા હોય નીચાણવાળા અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આજી નદી કાંઠે આવેલું રામનાથ મહાદેવ મંદિર નજીકથી પાણી પસાર થઈ રહ્યું છે. ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલા ૩ ગામોના અને પાણીમાં ફસાયેલા ૩૫ જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે