જાપાનમાં ૭.૩ની તીવ્રતાનો ભૂકંપ ૨૦ લાખ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો

 

ટોક્યોઃ જાપાનમાં ૭.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેની અસર રાજધાની ટોક્યો સહિત અનેક શહેરોમાં જોવા મળી છે. જાપાનના મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે ફક્ત એક લાઇનના નિવેદનમાં કહ્યું કે, અમારા દેશના ઉત્તરી-પૂર્વી વિસ્તારમાં સુનામી એલર્ટ આપ્યું છે. સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન એવી પણ માહિતી મળી છે કે રાજધાની ટોક્યોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. મીડિયા અહેવાલો પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર ફૂકુશિમા વિસ્તારમાં આશરે ૬૦ કિ.મી.ની ઊંડાઇએ હતું. ત્યારબાદ લોકોને સ્પેશિયલ એડવાઇઝરી પણ ઇશ્યૂ કરવામાં આવી છે. સ્થાનિક સમય પ્રમાણે ભૂકંપ આશરે ૧૧.૩૬ વાગે આવ્યો હતો. તે સમયે મોટાભાગના લોકો ઘરોમાં હતાં. હાલ તો જાનહાનિના કોઇ સમાચાર મળ્યા નથી. કેટલાક દરિયાઇ વિસ્તારોમાં એક મીટર સુધી ઊંચા મોજા ઉછળ્યા છે. જાપાન ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે આશરે ૨૦ લાખ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. કેટલાક વિસ્તારોમાં જોખમથી બચવા માટે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. અલબત્ત ભૂકંપને લીધે કોઇ જાનહાનિના અહેવાલ નથી. જોકે આશરે ૨૦ લાખ લોકો માર્ગો ઉપર આવી ગયા હતાં. રાજધાની ટોક્યોમાં આશરે ૭૦ હજાર લોકો ઘરોની બહાર નીકળી ગયા હતાં તેમ વીજ સેવા પૂરી પાડતી ટેપ્કો દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું. જાપાનના ફુકુશીમા ન્યુક્લિયર પ્લાન્ટમાં પણ કામગીરી અંગે ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.