‘જાતિ આધારિત જનગણના કરાવો’

 

નવી દિલ્હીઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની આગેવાની હેઠળ બિહારના દસ પક્ષોનું એક પ્રતિનિધિમંડળ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું અને બિહાર અને દેશમાં જાતિ આધારિત જનગણના હાથ ધરવાની તેમની માગણી અંગે યોગ્ય  નિર્ણય લેવાની વિનંતિ કરી હતી. ૧૧ સભ્યનું પ્રતિનિધિમંડળ ૪૦ મિનિટની બેઠક બાદ બેઠકમાંથી બહાર નીકળ્યું ત્યારે નીતીશકુમારની સાથે તેમના વિરોધી તેજસ્વી યાદવ જોડાજોડ ઊભા હતા. વડા પ્રધાને પણ તેમની વાત શાંતિથી સાંભળી હતી અને આ માગણીને ઠુકરાવવામાં આવી નથી. 

રાજદના નેતા તેજસ્વી યાદવ ઉપરાંત ભાજપ સહિત વિવિધ પક્ષોના પ્રતિનિધિ નીતીશ કુમાર સાથે જોડાયા હતા અને જાતિ આધારિત જનગણનાનું જોરદાર સમર્થન ર્ક્યું હતું. મુલાકાત બાદ નીતીશ કુમારે જણાવ્યું હતું વડા પ્રધાને જાતિગણના કરવાની ના નહોતી પાડી અને દરેકની વાત ધીરજપૂર્વક સાંભળી હતી. તેમણે જણાવ્યું હતું કે બિહાર સહિત આખા દેશના લોકો આ બાબતે એક મત ધરાવે છે અને જાતિ આધારિત ગણનાને કારણે વિવિધ વિકાસ યોજનાઓ અસરકારક રીતે તૈયાર કરવામાં મદદ મળશે. તેજસ્વી યાદવે જાતિ આધારિત જનગણનાનું સમર્થન કરતાં કહ્યું હતું કે બિહારના ૧૦ રાજકીય પક્ષ આ મુદ્દે એક જૂથ છે. જો દેશમાં પ્રાણી અને વૃક્ષોની ગણતરી થતી હોય તો જાતિ આધારિત વસતી ગણતરી કેમ ન થઈ શકે. જાતિગણનાના મુદ્દે જનતા દળ (યુ) અને રાજદ નજીક આવી રહ્યા છે. તેજસ્વી યાદવને નીતીશ કુમાર સાથે વધતી જતી નિકટતા વિશે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે લોકહિત અને રાષ્ટ્રીય હિતના મુદ્દે બિહારમાં વિપક્ષે હંમેશાં સરકારને સાથ આપ્યો છે. તેજસ્વી યાદવ પ્રતિનિધિમંડળ સાથે વડા પ્રધાનને મળવા ગયા ત્યારે વડા પ્રધાને તેમને રાજદના નેતા અને તેજસ્વીના પિતા લાલુપ્રસાદ યાદવની તબિયતના સમાચાર પૂછ્યા હતા. લાલુ યાદવને તેમની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે ઘણીવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે. મિટિંગના મુદ્દાઓ વિશે ચર્ચા કરતા પહેલાં વડાપ્રધાને લાલુપ્રસાદની તબિયત વિશે પ્રશ્નો પૂછતાં પ્રતિનિધિમંડળ આશ્ચર્યમાં મૂકાયું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જિતન રામ માંઝીની પણ ગમ્મત કરીને તેમને પૂછ્યું હતું કે, તમે માસ્ક પહેર્યું છે તો હવે અમે તમારો મલકાતો ચહેરો કેવી રીતે જોઈ શકીશું? નીતીશ કુમારે એવા જ અંદાજમાં જવાબ આપતાં કહ્યું હતું કે, જાહેર સ્થળે માસ્ક પહેરવાની સૂચના તો તમે જ આપી છે