જલારામ બાપાની 224મી જન્મજયંતિ ઉજવાઈ

વીરપુરઃ વીરપુરમાં ‘જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો’ના સુત્રને સાર્થક કરનાર પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની 224મી જન્મ જયંતિ ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિરમાં પૂજ્ય જલારામબાપાની 224મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે સ્થાનિકોએ વીરપુર ધામને ધજા, પતાકા, કમાનો તેમજ રોશનીઓ લગાવી શણગાવામાં આવ્યું હતું.
‘જયા ટુકડો ત્યા હરી ઢુકડો’ ને જીવન મંત્ર બનાવનાર જેનું આજે 204 વર્ષે પણ અવિરત સદાવ્રત ચાલુ જ છે તે સૌરાષ્ટ્રના સમરથ સંત પૂજ્ય જલારામબાપાની કારતક સુદ સાતમના રોજ 224મી જન્મ જયંતિને ઉજવવામાં આવી જેમાં વિરપુરમાં ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળીનો તહેવાર એટલે લોકો માટે રજાઓના દિવસો અને આ દિવસોનો ફાયદો ઉઠાવવા માટે લોકો પરિવારો સાથે હરવા ફરવાના તેમજ ધાર્મિક તીર્થ સ્થાનોએ ઉપડી જતા હોય જેમાં સૌરષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં દિવાળી નિમિતે યાત્રિકોનો ખુબ મોટો ઘસારો જોવા મળ્યો હતો, તેમાંય દિવાળી બાદ તરત જ જલારામ જયંતી આવતી હોય ભાવિકોમાં બાપાના દર્શન કરવામાં બમણો ઉત્સાહ જોવા મળ્યો હતો. યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય બાપાની 224મી જન્મ જયંતિની ઉજવણીમાં વીરપુર વેપારી મિત્ર મંડળ દ્વારા સમગ્ર વીરપુર ગામને ધજા, પતાકા ઠેરઠેર કમાનો લગાવી અને રોશનીથી ઝળહળતું કરીને ગોકુળિયું ગામ બનાવવામાં આવ્યું હતું. બાપાની જન્મજયંતિને લઈને વીરપુરમાં દર્શને આવતા ભાવિકો વ્યવસ્થિત રીતે જલારામ બાપાના દર્શન કરી શકે તે માટે ત્રણસોથી વધુ સ્વયંસેવકો બાપાની જગ્યામાં તેમજ ધર્મશાળા અને પ્રસાદ કેન્દ્રમાં સેવા માટે ખડે પગે રહ્યાં હતા. અને જન્મ જયંતિની ઉજવણીને લઈને સમગ્ર ગામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.