જલારામ બાપાનાં ૧૪૨મા નિર્વાણદિનની ઉજવણી 

 

રાજકોટ: સૌરાષ્ટ્રમાં સંત શિરોમણી જલારામ બાપાનાં ૧૪૨માં નિર્વાણદિનની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. યાત્રાધામ વીરપુરમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. વેપારીઓએ બંધ પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જલારામ બાપાના નિર્માણદિન પર વીરપુર ‘જય જલીયાણ’નાં નાદથી ગુંજી ઉઠ્યું હતું. મહા વદ દશમ હોવાથી જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર વીરપુર ગામનાં નાના-મોટા તમામ વેપારીઓએ સંપૂર્ણપણે ધંધા-રોજગાર બંધ પાળીને જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વીરપુર આવેલા ભાવિકોએ જલારામ બાપાની જગ્યાએ દર્શન કરીને ભોજન-પ્રસાદનો લાભ લીધો હતો. જલારામ બાપાના પરિવારજનો તેમજ ગાદીપતિ રઘુરામબાપા દ્વારા ખાસ પૂજા-અર્ચના કરવામાં આવ્યા હતા. તાલાલા ગીરમાં જલારામ બાપાની પૂણ્યતિથિ નિમિત્તે જલારામ મંદિરમાં જલારામ બાપાને ૧૨૧૨ રોટલાનો મનોરથ ધરવામાં આવ્યો હતો. આ સાથે સમુહ પ્રસાદ પણ યોજાયો હતો. જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. ખંભાળિયામાં લોહાણા મિત્ર મંડળ દ્વારા જલારામ મંદિરે પૂજન-અર્ચન, આરતી તેમજ ધ્વજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તો જોડાયા હતા.