જર્મનીની ૭૦ ટકા વસતિ કોરોનાની ચપેટમાં આવી શકે છેઃ એન્જેલા મર્કેલ

 

બર્લિનઃ કોરોના વાઇરસને કારણે મોતના વધી રહેલા આંકડાથી દુનિયાભરના દેશો ગભરાઈ ઊઠ્યા છે. હાલમાં દુનિયામાં આ વાઇરસને કારણે ૪૬૩૪ લોકોનાં મોત થયાં છે. ૧.૨૬ લાખ લોકો હજી બીમાર છે. આ સ્થિતિની વચ્ચે સૌથી વધારે ચોંકાવનારું નિવેદન જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે આપ્યું છે.

તેમનું કહેવું છે કે જર્મનીના ૭૦ ટકા લોકો કોરોના વાઇરસની ચપેટમાં આવી શકે છે. જર્મનીમાં તબીબી તૈયારીઓ પણ ઓછી પડી શકે છે. ઉલ્લેખનીય છે કે જર્મનીમાં ૧૩૦૦ લોકો કોરોનાને કારણે બીમાર છે. જર્મનીમાં ૧૦૦૦થી વધારે લોકો ભેગા થવાના હોય એવા તમામ જાહેર કાર્યક્રમો પર રોક લગાવી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે હાલમાં તો બચાવ માટે કોઈ રસી નથી ત્યારે જર્મનીમાં ૭૦ ટકા વસતિ એની ચપેટમાં આવી શકે છે. સરકારની પ્રાથમિકતા એ છે કે આ વાઇરસનો ફેલાવો અટકાવવામાં આવે.