જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ-પરિવારો માટે રોટરી કલબ આણંદની સેવાકીય પ્રવૃત્તિ

0
1045

આણંદઃ રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન, આણંદ શહેરની અગ્રગણ્ય સામાજિક સંસ્થા છે. છેલ્લાં 30 વર્ષથી સામાજિક ક્ષેત્રે અગ્રેસર સેવાકીય કાર્યો કરી રહેલી રોટરી ડિસ્ટ્રિક્ટ 3060માં આ ક્લબે મૂઠીઊંચેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પોલિયો નાબૂદી અભિયાન, પોલિયો કરેક્ટિવ સર્જરી, રોટરી યુથ ફેસ્ટિવલ-વોલ્કેનો, ચરોતરરત્ન પુરસ્કાર, સુદામાની ઝાંખી જેવાં અનેક સામાજિક કાર્યો આ સંસ્થાની અણમોલ દેન છે.
રોટરી ફેમિલી આણંદ રાઉન્ડ ટાઉન સંલગ્ન રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન, ઇનરવ્હીલ ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન અને રોટરેક્ટ ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનનો 2018-2019ના નવા પ્રમુખો, સેક્રેટરી અને તેમની ટીમનો શપથગ્રહણ સમારંભ આણંદમાં યોજાયો હતો. સન 2018-2019ના રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનનાં મહિલા પ્રમુખ તરીકે ચારુસેટ હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. ઉમાબહેન પટેલ અને માનદમંત્રી તરીકે ભાવિક પટેલ, ઇનરવ્હીલ ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના પ્રમુખ તરીકે નિશા ગાલા અને માનદમંત્રી તરીકે નેહા દોશી, રોટરેક્ટ ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના પ્રમુખ તરીકે દીપ શાહ અને માનદમંત્રી તરીકે આકાશ શાહે શપથ લીધા હતા.
આ શપથવિધિ સમારંભમાં આણંદ નગરપાલિકાના નવા નિમાયેલા પ્રમુખ કાંતિભાઈ ચાવડા, રોટરી અને રોટરેક્ટ અને ઇનરવ્હીલ ક્લબના શપથકર્તા તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર પિન્કીબહેન પટેલ અને ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ચેરમેન રમાબહેન દોશી ઉપસ્થિત રહ્યાં હતાં.
રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના નવાં વરાયેલાં પ્રમુખ ડો. ઉમાબહેન પટેલે તેમના નેતૃત્વ હેઠળ ક્લબ દ્વારા આ વર્ષમાં કરવાની વિવિધ પ્રવૃત્તિઓની આછેરી રજૂઆત કરતાં જણાવ્યું હતું કે એક વર્ષના પ્રમુખપદના કાર્યકાળ દરમિયાન સમાજને ઉપયોગી અનેકવિધ સેવાકીય કાર્યો કરાશે. આણંદ અને આસપાસનાં ગામડાંની પ્રજાને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળે તે માટે વિવિધ પ્રોજેક્ટોનું પણ આયોજન કરાશે. પોતે ડોક્ટર હોવાથી હેલ્થકેર પ્રોજેક્ટ પર વધુ ભાર મૂકશે. મધર અને ચાઇલ્ડ કેર પ્રોજેક્ટ અંતર્ગત નવજાત શિશુની માતાઓને દર મહિને ખજૂર, ચણા, ગોળનું વિતરણ, ગિફ્ટ ઓફ લાઇફ-જીવતદાન, નોન-મેડિકલ પ્રોજેક્ટ્સ, જેવા કે પ્રાઇમરી સ્કૂલોના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ, સુદામાની ઝોળી પ્રોજેક્ટ અંતર્ગત દર મહિને જરૂરિયાતમંદ કુટુંબોને અનાજનું વિતરણ, શાળાના વિદ્યાર્થીઓ માટે ડ્રોઇંગ કોમ્પિટિશન, વોલ્કેનો, મેરેથોન, ગ્રામ કલ્યાણ પ્રોજેક્ટ વગેરે હાથ ધરવામાં આવશે.
શપથવિધિ સમારંભ દરમિયાન આણંદથી પ્રકાશિત થતા નયા પડકાર દૈનિકના મેનેજિંગ તંત્રી દીપકભાઈ પટેલે આમંત્રિત સભ્ય તરીકે શપથ લીધા હતા.
શપથવિધિ દરમિયાન ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ચાંગાના પ્રમુખ નગીનભાઈ પટેલ, સેક્રેટરી ડો. એમ. સી. પટેલ, ચારુસેટના વાઇસ પ્રેસિડન્ટ કિરણભાઈ પટેલ (કમ્ફી પરિવાર), ચારુસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી, રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશી, ચારુતર વિદ્યામંડળની વિવિધ કોલેજના આમંત્રિતો, અનુપમ મિશનના યોગી વિદ્યાપીઠના કુલગુરુ રતિકાકા સહિત સંતો જિલ્લાની પેટલાદ, બોરસદ, તારાપુર સહિતની વિવિધ રોટરી ક્લબોના હોદ્દેદારો, ક્લબના સભ્યો, ઉદ્યોગપતિઓ, ડોક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનની સ્થાપના 30 વર્ષ અગાઉ થઈ હતી. આ સંસ્થા સમાજોપયોગી સેવાકીય કાર્યો કરવા માટે પ્રખ્યાત છે. આ સંસ્થા યુવા શક્તિને ઇતર પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહન આપે છે અને દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરે છે.