જયા બચ્ચન બંગાળમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવા મેદાનમાં

 

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવા માટે ભરચક પ્રયાસ કરી રહેલા ભાજપને સરકાર બનાવતી રોકવા માટે ચૂંટણીના રણમેદાનમાં ઝંપલાવનારા વિવિધ પક્ષોમાં વધુ એકનો ઉમેરો થયો છે. બોલિવૂડની વિતેલાં વર્ષોની સુપ્રસિદ્ધ અભિનેત્રી અને સમાજવાદી પક્ષની સાંસદ જયા બચ્ચન બંગાળમાં ટીએમસીના સમર્થનમાં પ્રચાર કરવા મેદાનમાં ઉતરશે.  જયા બચ્ચન ભાજપના બે વખતના સાંસદ અને મોદી સરકારમાં મંત્રી તથા લોકપ્રિય ગાયક એવા બાબુલ સુપ્રિયો વિરુદ્ધ ચૂંટણી લડી રહેલા ટીએમસીના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે જયા બચ્ચન મૂળ બંગાળી પરિવારની છે અને તેમના પરિવારજનો જબલપુરમાં રહે છે. જયા બચ્ચન રવિવારે મોડી રાત્રે કોલકાતા પહોંચ્યા હતાં. જ્યાંથી તે ટોલીગંજ વિધાનસભા ક્ષેત્રમાંથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા અરૂપ વિશ્વાસ માટે પ્રચાર કરશે, જે ભાજપના કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યાં છે. ફાયરબ્રાન્ડ ઈમેજ ધરાવતા જયા બચ્ચનની હાજરીથી ટીએમસીને ભાજપના સ્ટાર પ્રચારકોથી ભરપૂર ચૂંટણી પ્રચાર સામે બળ મળી રહશે.