સાન હોઝે (કેલિફોર્નિયા)ઃ કેલિફોર્નિયાના બે એરિયામાં તાજેતરમાં જયશ્રીબહેન મરચન્ટના બે કાવ્યસંગ્રહ ‘વાત તારી અને મારી છે’ અને ‘લીલોછમ ટહુકો’નું લોકાર્પણ યુનિયન સિટિની ક્રાઉન પ્લાઝા સિલિકોન વેલી હોટેલમાં કવિ ભાગ્યેશ જહાના હસ્તે કરવામાં આવ્યું હતું.
અમદાવાદથી આવેલા વિખ્યાત કવિ ભાગ્યેશ જહા અને યુવા કવિ હિતેન આનંદપરા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. ભાગ્યેશ જહાએ તેમની આગવી શૈલીમાં શ્રીકૃષ્ણ અને કવિતા ઉપર તેમ જ આ બન્ને પ્રકાશનોનો પરિચય કરાવ્યો હતો.
આ પ્રસંગે કવયિત્રી પન્ના નાયક, ડો. દિનેશ શાહ, પ્રતાપભાઈ પંડ્યા, બાબુ સુથાર, પી. કે. દાવડા, મહેશ પટેલ, મનીષા જોશી ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રસંગને અનુરૂપ હેતલ બ્રહ્મભટ્ટ, આનલ અંજારિયા, અચલ અંજારિયા (ટહુકો ફાઉન્ડેશન) દ્વારા ભાગ્યેશ જહા, હિતેન આનંદપરા અને પન્નાબહેન નાયકનાં કાવ્યોની સંગીતમય રજૂઆત કરાઈ હતી.
નેહલ રાવલ (સૂર ઝંકાર)એ જયશ્રી મરચન્ટનાં કાવ્યોની સંગીતમય રજૂઆત કરી હતી. અંતે જયશ્રીબહેન અને દેવકર પરિવાર દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.