જમ્મુ-કાશ્મીર સરહદે પાકિસ્તાની તોપમારોઃ સાતનાં મોત


જમ્મુ અને કાશ્મીરના બીજબેહારા શહેરમાં આતંકવાદીઓએ કરેલા ગ્રેનેડવિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલી એક મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. (જમણે) પાકિસ્તાની લશ્કરે સરહદે આવેલાં વિવિધ ગામોનાં ઘરો પર તોપમારો કર્યો હતો. (બન્ને ફોટોસૌજન્યઃ હિન્દુસ્તાનટાઇમ્સડોટકોમ)

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના જમ્મુ રિજનમાં આંતરરાષ્ટ્રીય સરહદે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પાકિસ્તાન દ્વારા અવિરત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ઼
પાકિસ્તાની સેનાએ બુધવારે કરેલા આડેધડ ગોળીબાર, તોપમારો, મોર્ટારમારોમાં સાત ભારતીય નાગરિકોનાં મોત થયાં હતાં અને બીએસએફના ત્રણ જવાનો સહિત અન્ય 30 ઈજા પામ્યા હતા. 15મી મેથી પાકિસ્તાની સેના દ્વારા સતત થઈ રહેલા યુદ્ધવિરામ ઉલ્લંઘનમાં અત્યાર સુધી 11 ભારતીયોનાં મોત થયાં છે. છેલ્લા એક અઠવાડિયામાં 40 હજારથી વધુ નાગરિકોને હિજરત કરવાની ફરજ પડી છે.
પાકિસ્તાની મોર્ટારમારાના કારણે જમ્મુ, સામ્બા અને કઠુઆ જિલ્લામાં સરહદી ગામોમાં વસતા 40 હજારથી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે જવાની ફરજ પડી છે. દસ હજારથી વધુ લોકોને રાહતશિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. પાકિસ્તાની તોપમારાનો સૌથી વધુ ભોગ આર્નિયા બન્યું છે આર્નિર્યામાં 18,500 નાગરિકો વસતા હતા, પરંતુ હવે આખું ગામ ખાલીખમ થઈ ગયું છે.
પાકિસ્તાની સેના નવ દિવસથી અંકુશરેખા- આંતરરાષ્ટ્રીય સરહદે તોપમારો કરી ભારતીય સેનાની ઉશ્કેરણી કરી રહી છે. સરહદી ગામોમાં તમામ સ્કૂલો બંધ કરાઈ છે.