‘જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને રહેશે’

 

જીનિવાઃ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બુધવારે અહીં યોજાયેલી બેઠકમાં એક ટોચના ભારતીય રાજદ્વારીએ કહ્યું હતું, ‘જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે ને હંમેશાં રહેશે.’ એના એક દિવસ પહેલાં પાકિસ્તાને કાશ્મીરમુદ્દા પર આંતરરાષ્ટ્રીય સમુદાયને હસ્તક્ષેપ કરવાની માગ કરી હતી. 

સ્વિટ્ઝર્લેન્ડમાં ૨૪ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ સુધી આયોજિત સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના ૪૩મા અધિવેશનમાં વિદેશમંત્રાલયના સચિવ (પશ્ચિમ) વિકાસ સ્વરૂપે પાકિસ્તાનને વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું હતું. 

યુએનએચઆરસીમાં વિદેશમંત્રાલયના સચિવ (પશ્ચિમ) વિકાસ સ્વરૂપે કહ્યું હતું કે ‘જમ્મુ-કાશ્મીર હંમેશાંથી ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને રહેશે. અમારી સંસદ તરફથી પાછલા ઓગસ્ટમાં કરવામાં આવેલું પરિવર્તન રાજ્યના એકીકરણને મજબૂત કરશે.’

વિકાસ સ્વરૂપે આગળ કહ્યું હતું કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરને અશાંત અને અસ્થિર બનાવવા માટે દરેક પ્રયત્નો કર્યા, પરંતુ એ પોતાનાં સપનાં પૂરાં કરી શક્યું નથી. અત્યારે જમીન પર સ્થિતિ સામાન્ય છે. પાકિસ્તાનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે એ દેશો વિરુદ્ધ મજબૂત કાર્યવાહી કરવાની અપીલ કરી છે, જે આતંકવાદીઓને આદેશ આપે છે, એને નિયંત્રિત કરે છે, એને નાણાકીય મદદ કરે છે અને આશરો આપે છે. પાકિસ્તાન પર એના પાડોશી આતંકવાદીઓને આશરો આપવાનો આરોપ લગાવે છે. વિકાસ સ્વરૂપની આ ટિપ્પણી પાકિસ્તાન દ્વારા એક દિવસ પહેલાં કરવામાં આવેલી ટિપ્પણીના જવાબમાં આવી છે. મંગળવારે પાકિસ્તાનના માનવાધિકારમંત્રી શિરીન મજારીએ આરોપ લગાવ્યો હતો કે ભારત કાશ્મીરી લોકોના માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને ભારત દ્વારા પાછલા વર્ષે ૫ ઓગસ્ટે ભરવામાં આવેલાં તમામ પગલાંને પરત લેવાની માગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે પાંચ ઓગસ્ટે કલમ ૩૭૦ હેઠળ જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષ દરજ્જો ખતમ કર્યો અને એને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું હતું.