જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવા કેન્દ્રની તૈયારી?

 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીથી જોડાયેલી રાજકીય પ્રક્રિયા શરૂ કરવા અને રાજ્યનો દરજ્જો પુનઃ સ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકાર રાજ્યના રાજકીય પક્ષો સાથે વાતચીત શરૂ કરી શકે છે એવી સૂત્રોમાંથી માહિતી બહાર આવી છે. જો કે, આ સંદર્ભમાં હજી સુધી કોઈ સત્તાવાર આમંત્રણ મળ્યું નથી. 

બીજીતરફ, જમ્મુ-કાશ્મીરનાં વિશેષ દરજ્જાને પુનઃ સ્થાપિત કરવામાં મદદ માટે રચાયેલું સાત પક્ષોનું જોડાણ ગુપકાર અથવા પીએજીડીએ વાટાઘાટમાં જોડાવાનો સંકેત પણ આપ્યો છે. નેશનલ કોન્ફરન્સે કહ્યું છે કે તે સીમાંકન પ્રક્રિયામાં જોડાઈ શકે છે. જૂન ૨૦૧૮માં ભાજપ દ્વારા મહેબૂબા મુફ્તી સાથે જોડાણ તોડ્યા પછી જમ્મુ-કાશ્મીરને રાષ્ટ્રપતિ શાસન હેઠળ મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ કોઈ રાજકીય પ્રક્રિયા થઈ નથી. 

ઓગસ્ટ ૨૦૧૯માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરની વિશેષ બંધારણીય સ્થિતિને નાબૂદ કરીને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દીધી. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓની સાથે રાજ્યની ચૂંટણીઓ પણ થશે પરંતુ, ચૂંટણીપંચે વહીવટી અહેવાલને ટાંકીને તેને નકારી કાઢી હતી. જેમાં કહ્યું હતું કે, ચૂટણી યોજવામાં સુરક્ષા જોખમ છે. 

સૂત્રોએ એક ખાનગી ચેનલને  જણાવ્યું હતું કે સરકાર ‘રાજકીય પક્ષો સાથે વાતચીતની પ્રક્રિયા શરૂ કરી શકે છે અને રાજ્યમાં ચૂંટણી અંગે ચર્ચા કરી શકે છે.’ નેશનલ કોન્ફરન્સના વડા અને ગુપકાર જોડાણના વડા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, તેઓ મંત્રણાની વિરુદ્ધ નથી. ગત વર્ષે ઓગસ્ટમાં રચાયેલ ગઠબંધન આંતરિક મતભેદોને લીધે છ મહિનાથી વધુ સમય માટે નિષિ્ક્રય રહ્યું હતું પરંતુ ગયા બુધવારે ફારૂક અબ્દુલ્લા પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ મહેબૂબા મુફ્તી સાથે તેમના ઘરે મળ્યા હતા અને તેમની અને ગુપકાર જોડાણના અન્ય સભ્યો સાથે ચર્ચા કરી હતી