જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષામાં પાંચ જવાન શહીદ, પાંચ નાગરિકનાં મોત

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં થઈ રહેલા સતત સ્નોફોલને કારણે અત્યારસુધીમાં કુલ ૧૦ લોકોનાં મોત થયાં છે, જેમાં સુરક્ષાદળોના પાંચ જવાનો પણ સામેલ છે. સેનાના ચાર જવાનો માછીલ સેક્ટરમાં શહીદ થયા, જ્યારે બીએસએફનો એક જવાન નૌગામ સેક્ટરમાં શહીદ થયો. સૂત્રોના જણાવ્યા મુજબ, છેલ્લા ૪૮ કલાકમાં ભારે બરફવર્ષાને કારણે ઉત્તર કાશ્મીરમાં અનેક જગ્યાએ હિમસ્ખલનની ઘટનાઓ સામે આવી છે, જેમાં પાંચ જવાનોએ પણ પોતાના જીવ ગુમાવ્યા. જ્યારે હિમસ્ખલનમાં અનેક જવાનોને રેસ્ક્યૂ પણ કરાયા છે. જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા અને ગાંદરબલ જિલ્લામાં હિમસ્ખલને અનેક ઘરોને પોતાની ચપેટમાં લીધા છે. સેના અને સ્થાનિક વહીવટીતંત્ર બચાવ અભિયાનમાં જોડાયેલાં છે. અત્યારસુધીમાં પાંચ લોકોને બચાવવામાં આવ્યા છે. અનેક લોકો હજુ પણ દટાયેલા હોવાની આશંકા છે.
કાશ્મીર ઘાટીમાં ચારેબાજુ બરફની સફેદ ચાદર બિછાયેલી છે. બરફવર્ષાને કારણે કાશ્મીર પહોંચેલા પર્યટકો તો ખુશ છે, પરંતુ કાશ્મીરીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. એકબાજુ કાશ્મીરને દેશ સાથે જોડતા તમામ રાજમાર્ગો બંધ કરાયા છે તો બીજી બાજુ વિસ્તારોમાં ત્રણ દિવસથી વીજળી જતી રહી છે.
અધિકારીઓને રાજમાર્ગોને સાફ કરાવવામાં અને ફરીથી ખોલવામાં તથા લોકોને સુરક્ષિત જગ્યાઓ પર પહોંચાડવામાં મુશ્કેલીઓ પડી રહી છે, કારણ કે હજુ પણ હવામાન ખૂબ ખરાબ છે. ભારે બરફવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શ્રીનગરમાં ૧૨ સેન્ટિમીટર, ગુલમર્ગમાં ૨૭ સેન્ટિમીટર અને પહેલગામમાં ૨૧.૫ સેન્ટિમીટર બરફવર્ષા થઈ છે.