જમ્મુ- કાશ્મીરમાં પુલવામાં સીઆરપીએફના જવાનોના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ- ઘટના બાદ સમગ્ર દેશમાં ગમ, ગુસ્સો , આંસુ અને આક્રોશનો માહોલ..વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળી સુરક્ષા વિષયક કેબિનેટની બેઠક

0
915

જમ્મુ- કાશ્મીરના પુલવામાં સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ- સીઆરપીએફના જવાનો પર કરવામાં આવેલા આતંકી હુમલામાં 40 જેટલા જવાનોએ શહાદત વહોરી હતી. આ ઘટનાની જાણ થતાં દેશભરમાં આતંકવાદીઓ અને આતંકવાદને પોષનારા પાકિસ્તાન પ્રત્યે આક્રોશ અને ધિક્કાર ચરમ સીમાએ છે.  આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ મળેલી કેબિનેટની સુરક્ષા વિષયક બેઠકમાં નાણાંપ્રધાન અરુણ જેટલી, ગૃહપ્રધાન રાજનાથ સિંહ, વિ્દેશપ્રધાન સુષમા સ્વરાજ તેમજ સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામન , રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાળ, સૈન્યની ત્રણે પાંખના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ નાણાંપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને સમગ્ર વિશ્વથી વિખૂટું પાઢી દેવામાં આવશે. ઉપરોકત બેઠકમાં પાકિસ્તાનને અપાયેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લઈ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આતંકી હુ મલામાં શહીદ થયેલા જવાનોની ઓળખ કરવાનુંપણ  મુશ્કેલ બની ગયું હતું એવી માહિતી જાણવા મળી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ત્રાસવાદીઓએ અને પાડોશી દેશે બહુ મોટી ભૂલ કરી નાખી છે. એની ભારે કિંમત એમણે  ચુકવવી જ પડશે. અપરાધીઓને સખત સજા મળશે. દેશના સૈન્યદળોને પૂરી સ્વતંત્રતા આપવામાં આવી છે. આ આતંકી હુમલામાં જે કોઈ શામેલ છે તે દરેક જણે એની આકરી કિંમત ચુકવવી જ પડશે. એમને બક્ષવામાં નહિ આવે.

શુક્રવારે વિવિધ દેશોના પ્રતિનિધિઓ વિદેશમંત્ર્યાલયની કચેરીખાતો આયોજિત બેઠકમાં ઉપસ્થિત રહયા હતા. જેમાં સ્વીડન, ફ્રાંસ, હંગેરી , ઈટાલી, યુરોપીય સંઘ, બ્રિટન, રશિયા, ઈઝરાયેલ, ઓસ્ટ્રેલિયા, જાપાન, બાંગલાદેશ, શ્રીલંકા , અફઘાનિસ્તાન , નેપાળ , દક્ષિણ કોરિયા, સ્પેન , ભૂતાન   અને જર્મની સહિત આશરે 25 જેટલા રાષ્ટ્રોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

 પુલવામાં ખાતેથી  શહીદોના મૃતદેહને નવી દિલ્હી લાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામન,કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી વગેરે  મહાનુભાવોએ પુષ્પાંજલિ અને શ્ર્ધ્ધાંજલિ અર્પણ કરી હતી.