જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ હિન્દુ શિક્ષિકાની કરી હત્યા

 

જમ્મુકાશ્મીર: જમ્મુ અને કાશ્મીરમાં ફરી એક વાર સામાન્ય નાગરિક આતંકીઓની ગોળીનો શિકાર બન્યો છે. કુલગામમાં આતંકીઓએ શાળાની શિક્ષિકાની ગોળી મારી હત્યા કરી દીધી. વાતની માહિતી પોલીસે આપી હતી. ખાસ વાત છે કે તાજેતરમાં આતંકીઓએ રાહુલ ભટ્ટ નામના કાશ્મીરી પંડિતની પણ ગોળી મારી હત્યા કરી દીધી હતી. જમ્મુશ્રીનગર હાઇવેથી લગભગ 25 કિ.મી. અંદર ગોપાલપોરા નામનું ગામ છે. ગામની સરકારી હાઇસ્કૂલ પાસે આતંકીઓએ શિક્ષિકા રજનીને નિશાનો બનાવી. તે ચવલગામના કુપવાડામાં એક ભાડાના મકાનમાં રહેતી હતી. બીજી તરફ પોતાની શિક્ષિકાની હત્યાના સમાચાર સાંભળી શાળામાં શોકનો માહોલ છવાઇ ગયો.

પોલીસે જણાવ્યું કે કુલગામ જિલ્લાના ગોપાલપુરમાં 36 વર્ષીય રજની બાલા પર આતંકીઓએ ગોળીબાર કર્યો જેનાથી તે ઘાયલ થઇ ગઇ. તેને તાબડતોડ હોસ્પિટલ લઇ જવામાં આવી જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી દીધી હતી. રજની બાલા ગોપાલપુરમાં શિક્ષિકા તરીકે તૈનાત હતી. તેમણે જણાવ્યું કે વિસ્તારની ઘેરાબંદી કરી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

અંગેની મળતી માહિતી અનુસાર સવારે લગભગ 10 વાગી રહ્યા હતાં અને પ્રાર્થનાનો સમય હતો. અચાનક ફાયરિંગનો અવાજ સંભળાયો. શાળાના બાળકો બહાર દોડી આવ્યા તો તેમણે જોયું કે તેમની ફેવરિટ શિક્ષિકા રજની સ્કૂલ ગેટથી 10-15 મીટર દૂર લોહીલુહાણ હાલતમાં પડી છે. રજની બાલા અનુસૂચિત જાતિ વર્ગના કોટામાંથી નિયુક્ત થઇ હતી. તેની પોસ્ંિટગ 2009માં કાશ્મીરમાં થઇ. તેનો પતિ રાજકુમાર પણ શિક્ષક છે. તેમની 9 વર્ષની એક દીકરી છે જે કુલગામની એક શાળામાં ભણે છે. 9 વર્ષીય દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી રજનીના પરિવાર પર આભ તૂટી પડ્યું રજની બાલાના પિયર કરેલ મન્હાસ વિશ્ર્વાહમાં પણ ગ્રામજનોમાં આતંકીઓ વિરૂદ્ઘ પ્રચંડ રોષ ફેલાયેલો છે. રજનીનો પતિ રાજકુમાર જે પોતે પણ શિક્ષક છે તે પોતાની પત્નીના મોતના સમાચાર સાંભળી ઊંડા આઘાતામાં છે. બન્નેની 9 વર્ષની દીકરી પણ છે જેણે પોતાની માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. રજની બાલાના ભાઇ સુરજીત કુમાર અને સુરેશ કુમારને હજુ સુધી વિશ્ર્વાસ થઇ રહ્યો નથી કે તેમની વ્હાલી બહેન હવે દુનિયામાં નથી. અશ્રુભીની આંખો સાથે તેમણે કહ્યું કે અમારી વ્હાલી બહેને આતંકીઓનું શું બગાડ્યું હતું. તે તો શાળામાં બાળકોને ભણાવતી હતી. શું બાળકોને ભણાવવા ખોટું કામ છે? બાળકોને માનવતાના પાઠ ભણાવતી હતી. એવામાં આતંકીઓ એક મહિલા પર કાયરતાપૂર્ણ હુમલો કરી શું સાબિત કરવા માગે છે?