જમ્મુ- કાશ્મીરનું દિલથી અને દિલ્હીથી અંતર ઘટવું જોઈએ …જમ્મુ- કશ્મીર કી દિલ્હી ઔર દિલસે દૂરી કમ હોની ચાહિયોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો સંદેશ .. જમ્મુ- કાશ્મીરના નેતાઓ સાથેની વાતચીત ત્રણ કલાક સુધી ચાલી… ચર્ચા ઉત્સાહભરીને આશાસ્પદ રહી..

 

 ગુરુવારે 24 જૂનના દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાને આયોજિત જમ્મુ- કાશ્મીરના નેતાઓ સાથેની બેઠક ત્રણેક કલાક ચાલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર, જમ્મુ- કાશ્મીર વિષયક બેઠક રાજ્યના વિકાસ માટે શરૂ કરાયેલા પ્રયાસોની દિશામાં મહત્વનું પગલું છે. જમ્મુ- કાશ્મીરમાં વાસ્તવિક સ્તરે લોકતંત્રની સ્થાપના કરવાનો ઉદે્શ સરકારની પ્રાથમિકતા છે. રાજ્યની પરિસીમા સુનિશ્ચિત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલવી જોઈએ. જેથી જેમ બને તેમ જલ્દી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજી શકાય. નવી રાજ્ય સરકાર અસ્તિત્વમાં આવે. જે જમ્મુ- કાશ્મીરના વિકાસને માટે મજબૂતીથી કાર્ય કરે. આપણા લોકતંત્રની સૌથી શક્તિશાળી અને મહત્વની બાબત એ છે કે આપણે પરસ્પર એકમેકના દ્રષ્ટિકોણને રજૂ કરી શકીએ છીએ. મેં જમ્મુ- કાશ્મીરના નેતાઓને જણાવ્યું હતું કે, લોકોએ  હવે આગળ આવીને રાજ્યના યુવાવર્ગને નેતૃત્વ સોંપવું જોઈએ. એમની અપેક્ષાએ પૂર્ણ  કરી શકાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું કામ કરવું જરૂરી છે. 

 ઉપરોક્ત બેઠકમાં ઉપસ્થિત રહેલા ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, અત્યંત મૈત્રીપૂર્ણ માહોલમાં બેઠક સમાપ્ત થઈ હતી. બેઠકમાં હાજર રહેલા તમામ નેતાઓએ લોકતંત્ર અને સંવિધાન પ્રત્યેની પોતાની નિષ્ઠા અને પ્રતિબધ્ધતા પ્રગટ કરી હતી. આ બેઠકમાં જમ્મુ- કાશ્મીરમાં લોકતાંત્રિક પ્રક્રિયાને મજબૂત કરવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર પણ જમ્મુ- કાશ્મીરના વિકાસ માટે પ્રતિબધ્ધ છે. અમે સંસદમાં જમ્મુ- કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વાત કરી હતી. જેના માટે પરિસીમાંકનની પ્રક્રિયા અને શાંતિપૂર્ણ ચૂંટણી – ખૂબજ અનિવાર્ય છે.

      પીપલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાદ લોને જણાવ્યું હતું કે, અમે આ બેઠકમાંથી સકારાત્મક અભિગમ લઈને બહાર નીકળ્યા છીએ. અમને વિશ્વાસ છે કે, આ બેઠકને કારણે જમ્મુ કાશ્મીરના લોકોને જરૂર કશોક  લાભ થશે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના સંસ્થાપક સભ્ય મુઝ્ફ્ફર હુસૈને જણાવ્યું હતું કે, બેઠકમાં જમ્મુ-કાશ્મીરના દરેક નેતાએ રાજ્યના પૂર્ણ દરજ્જાની માગણી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પ્રથમ પરિસીમાંકનની કામગીરી પૂરી થવી જોઈએ, ત્યારબાદ બીજી બાબતોના નિરાકરણ અંગે વિચારવું જોઈએ. જમ્મુ- કાશ્મીરમાં શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણનું નિર્માણ થાય – અમનને ચેનનો માહોલ રચાય – એ જરૂરી છે અને એ માટે કામ કરવા સહુ સંમત થયા હતા. 

  નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબદુલ્લાએ જણાવ્યું હતું કે, માત્ર એક મુલાકાતથી અંતર દૂર થઈ શકતું નથી. પીડીએફના અગ્રણી મહેબૂબા મુફતીએ જણાવ્યું હતું કે, ભારત જો  ચીન સાથે વાતચીત કરી શકતું હોય તો પાકિસ્તાન સાથે પણ વાતચીત કરવાની શરૂઆત થવી જોઈએ. 5 ઓગસ્ટ, 2019ના રાજ્યમાંથી 370 કલમ રદ કરાયા  લોકો નારાજ થયા છે. જમ્મુ- કાશ્મીરના લોકોને એ પસંદ પડ્યું નથી. અમે એ માટે સંઘર્ષ કરતાં રહીશું અને એને પુનઃ હાંસલ કરીશું. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો પાકિસ્તાને નથી આપ્યો, એ તો ભારતના તત્કલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા અમને આપવામાં આવ્યો હતો.

   નેશનલ કોન્ફરન્સના અગ્રણી નેતા ઉમર અબદુલ્લાએ જણાવ્યુંહતું કે, મેં વડાપ્રધાનને અનુરોધ કર્યો હતો કે, જમ્મુ- કાશ્મીર અને કેન્દ્ર વચ્ચે સુમેળ ,સ્થાપવાની જવાબદારી આપની છે. તેને માટે અનિવાર્ય પગલાં લેવાં જોઈએ. 

 કોંગ્રેસના નેતા અને જમ્મુ- કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે, અમે કેન્દ્ર સરકાર પાસે પાંચ બાબતની  માગણી કરી હતી…

       1- જમ્મુ- કાશ્મીરને જેમ બને તેમ જલ્દી પૂર્ણ રાજ્યનો દરજ્જો પુન આપવો જોઈએ. અ્ત્યારે રાજ્યમાં શાંતિપૂર્ણ વાતાવરણ છે, અનુકૂળ સમય ને સ્થિતિ છે.

2- રાજ્યમાં તાજેતરમાં જ પંચાયત અને જિલ્લા પરિષદની ચૂંટણીઓ યોજાઈ હતી. આવી સ્થિતિમાં હવે વિધાનસભાની ચૂંટણીનું પણ જલ્દીથી આયોજન કરવું જોઈએ

  3- કેન્દ્ર સરકાર જમ્મુ- કાશ્મીરના લોકોને ગેરન્ટી – ખાત્રી આપે કે તેમની જમીન  અને રોજગાર પર કોઈ તરાપ નહિ મારે. 

4- કાશ્મીરના રહેવાસી પંડિતો છેલ્લા 30 વર્ષથી કાશ્મીરમાંથી હિજરત કરી ગયા છે. જમ્મુ- કાશ્મીરના દરેક રાજકીય પક્ષની એ જવાબદારી છે કે કાશ્મીરી પંડિતોને પુન કાશ્મીરમાં વસવાટ મળે. 

5- 5 ઓગસ્ટ, 2019ના જમ્મુ- કાશ્મીરનું બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન કરવામાં આવ્યું હતું, અમે આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ.