જમ્મુ – કાશમીરમાં ફરીવાર રાજકીય હવામાન માં ગરમીઃ કોંગ્રેસ અને પીડીપીસાથે મળીને રાજ્યમાં સરકાર રચવાની હિલચાલ કરી રહ્યા છે…

0
749

 

જમ્મુ- કાશ્મીરમાં વાતાવરણમાં ઉષ્ણતા વધી રહી છે. ભાજપે પોતાને ટેકો પાછો ખેંચી લીધા પછી પીડીપી અને કોંગ્રેસ હાથ મિલાવીને સરકાર રચવાની હિલચાલ આદરી રહ્યા છે. આજે સોમવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ, અંબિકા સોની , ગુલામ નબી આઝાદ , કરણસિંઘ તેમજ પી. ચિદંબરની બેઠક  મળી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં સરકારની રચના કરવા માટે કયા પ્રકારની વ્યૂહરચના કરવી, કોંગ્રેસની નીતિ અને આયોજન કયા પ્રકારનું હશે વગેરે બાબતો આ બેઠકમાં ચર્ચાવાની શક્યતા છે. દિલ્હી ઉપરાંત આજે શ્રીનગરમાં પણ કોંગ્રેસના વિધાનસભ્યોની બેઠક મળી રહી છે. પીડીપી પાસે કુલ 28 વિધાનસભ્યો છે, જયારે કોંગ્રેસ પાસે 12 વિધાનસભ્યો છે. રાજયમાં સરકારની રચના કરવા 44 વિધાનસભ્યોના સંખ્યાબળની જરૂર છે. માત્ર 4 વિધાનસભ્યો ખૂટે છે. તે અંગે એવી ધારણા રાખવામાં અાવે છેકે 3 અપક્ષ સભ્યો તેમજ અન્ય એક વિધાનસભ્યનું સમર્થન આસાનીથી મેળવી લેવામાં આવશે. ભાજપ દ્વારા રાજકીય સમર્થન પાછું ખેંચી લેવાયા બાદ મહેબૂબા મુફતીની સરકારનું પતન થયું હતું. ત્યાર બાદ એવી ધારણા રાખવામાં આવતી હતી કે, જમ્મુ- કાશ્મીરમાં રાજ્યપાલનું શાસન રહેશે. પરંતુ રાજકારણમાં સત્તાના સમીકરણો બદલાતા રહેતા હોય છે. હવે  ભાજપ સાથેના ગઠબંધનનો અનુભવ મેળવ્યા પછી મહેબૂબા મુફતી કોંગ્રેસ સાથે જોડાણ કરવા માગે છે. રાજ્યમાં સરકાર અને સલામતીનું વાતાવરણ હોય એવું કાશ્મીરની જનતા ઈચ્છે છે.