નવી જનરેશનની સામે એનું ફ્યુચર હોય છે અને ઓલ્ડ જનરેશનની પાછળ એનો પાસ્ટ હોય છે. નવી જનરેશનની આંખોમાં મેઘધનુષી ખ્વાબ હોય છે અને ઓલ્ડ જનરેશનની આંખોમાં અધૂરાં રહી ગયેલાં સ્વપ્નોની વિવશતા હોય છે.
સમય ઘણું બધું બદલી નાખતો હોય છે. ટેક્નોલોજી, સગવડો અને બીજાં બધાં પરિવર્તનો સાથે નવી જનરેશનને હરણફાળ ભરવાની હોય છે; જ્યારે ઓલ્ડ જનરેશન પાસે નવાં પરિવર્તનોની સાથે તાલ મિલાવવાનું જોર અને જૂનૂન નથી હોતાં.
નવી જનરેશન શું હંમેશાં વંઠી ગયેલી જ હોય છે? ઓલ્ડ જનરેશન શું હંમેશાં સંસ્કારી અને સમજદાર જ હોય છે?
આપણે ઇતિહાસ જાણીએ છીએ. ભક્ત પ્રહ્લાદ પોતાના પિતાની સામે બળવો કરીને અમર થઈ ગયો અને શ્રીરામ તેમના પિતાની આજ્ઞા પાળીને અમર થઈ ગયા! મીરાંબાઈ પોતાના પતિનો સાથ છોડીને અમર થઈ ગયાં, જ્યારે સતી સીતા પોતાના પતિના પગલે પગલે ચાલીને અમરત્વ પામ્યાં.
એક પિતાએ સામાન્ય ઘર-કંકાસથી કંટાળીને પોતાના યુવાન પુત્રને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. એ યુવાન પુત્રની પત્ની ત્યારે પ્રેગ્નન્ટ હતી. વર્ષો વીતી ગયાં. યુવાન પુત્ર ધીરેધીરે સંઘર્ષ કરીને ખૂબ આગળ વધ્યો. સાહસ અને પુરુષાર્થ દ્વારા સફળતાનાં શિખરો સર કરીને એ બહુ મોટો પ્રતિષ્ઠિત બિઝનેસમેન બની ગયો. વર્ષો પછી એને જાણવા મળ્યું કે એનાં વૃદ્ધ પેરેન્ટ્સની હાલત ખૂબ કફોડી અને કરુણ છે. પુત્ર જરા પણ વિલંબ કર્યા વગર પપ્પા પાસે પહોંચી ગયો. પુત્રવધૂએ પણ હક અને જીદ બન્ને શસ્ત્રો અજમાવીને સાસુ-સસરાને પોતાની સાથે રહેવા આવી જવા માટે રિક્વેસ્ટ કરી. પિતાએ જોયું કે ભૂતકાળમાં પોતે કરેલી નાનકડી ભૂલનું ગંભીર પરિણામ પોતાને જ ભોગવવું પડે તેમ હતું. એમની આંખોમાં થોડી શરમ હતી અને પુષ્કળ પ્રાયશ્ચિત્ત પણ હતું. આખરે પુત્ર અને પુત્રવધૂના આગ્રહથી તેમની સાથે રહેવા તેઓ બન્ને ચાલી નીકળ્યાં. મજાની વાત એ હતી કે હવે તો એમને મૂડીની સાથે વ્યાજ પણ મળી ગયું હતું એટલે કે પૌત્ર પણ મળી ગયો હતો!
મારી દષ્ટિએ એ પુત્ર આજના યુગનો શ્રવણ કહેવાય અને એ પુત્રવધૂ આજના યુગની સતી ગણાય. સમાજનું એક કડવું સત્ય એ છે કે ઘણી પુત્રવધૂઓના કારણે સાસુ-સસરાને ઘરડાંઘરમાં પાછલી ઉંમરે રિબાવું પડતું હોય છે, પરંતુ બીજી તરફ રળિયામણું સત્ય પણ જોવા મળે છે. ઘરની આર્થિક સંકડાશમાં પોતે નોકરી કરીને પતિને આર્થિક ટેકો કરતી, ઘરની જવાબદારી નિભાવતી, પોતાનાં સંતાનોના એજ્યુકેશન માટે સમય ફાળવતી અને છતાં ફેમિલીના વડીલોનું સન્માન જાળવતી પુત્રવધૂઓ પણ જોવા મળે છે. નેગેટિવ બાબતોની નિંદા જરૂર કરીએ, પણ પોઝિટિવ બાબતોને પુરસ્કારવાનું ન ચૂકી જઈએ તો સામાજિક રિલેશન્સમાં બેલેન્સ જળવાશે.
વાંક ક્યારેય કોઈ એક પક્ષનો હોતો નથી. કોઈ કવિએ સરસ વાત કરી છે કે એણે પહેલાં એક ભૂલ કરી અને મેં એની ભૂલને યાદ રાખીને એના કરતાં પણ મોટી બીજી ભૂલ કરી! કોમ્પ્રોમાઇઝ ક્યારેય અશક્ય હોતું નથી, અને કોમ્પ્રોમાઇઝ ક્યારેય પજવનારું હોતું નથી. કોમ્પ્રોમાઇઝ કરનાર માણસ કાયર નથી હોતો, પોતાના સુખને ટકાવી રાખવાની કલા જાણનાર કલાકાર હોય છે.
સંસારમાં જ્યારે સંતાન અને પેરેન્ટ્સ વચ્ચે સંઘર્ષ કે અણબનાવના પ્રસંગો પેદા થતા હોય છે ત્યારે સંતાનનો વાંક તો આપણને તરત નજરે ચડે છે, પરંતુ પેરેેન્ટ્સની ભૂલો આપણને ઝટ દેખાતી નથી કારણ કે પેરેન્ટ્સ પ્રત્યે આદર અને સહાનુભૂતિની અંધાપાની પટ્ટીઓ આપણે બાંધી રાખી છે. સંતાનોને જ હંમેશાં દોષિત સમજી લેવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો નથી, પેરેન્ટ્સનો દોષ પણ હોઈ શકે એવું આપણે તટસ્થપણે અને ખુલ્લા મનથી વિચારવું જોઈએ. ક્યારેક પેરેન્ટ્સ ખોટી જીદ કરતાં હોય છે, તેઓ પોતાની પ્રાચીન જીવનશૈલી અને અર્થહીન પરંપરાઓ છોડવા તૈયાર થતા જ નથી. સંતાનો તેમને પોતાની રીતે નવા જમાનાનાં ભરપૂર સુખ આપવા કોશિશ કરતાં હોય છે, પરંતુ પેરેન્ટ્સ એનો ધરાર અનાદર કે અસ્વીકાર કરતાં રહે છે. કેટલાંક સંતાનો આજે પણ સવાયાં શ્રવણ અવશ્ય હોય છે.
ઘણા પેરેન્ટ્સ ‘નવી પેઢી વંઠી ગઈ છે’ એવા આક્ષેપો સહિત વારંવાર બળાપો ઉલેચતાં રહે છે. પોતાની દીકરીનો પક્ષપાત ખોટી રીતે પણ લેતા રહે છે. દીકરો અને વહુ તેમને ગમે તેટલું સાચવતાં હશે તો પણ એમની કદર કરવામાં તેઓ અંચાઈ કરતાં હોય છે. ઘણા પેરેન્ટ્સ તો પોતાનાં પુત્ર અને પુત્રવધૂ ઉપર વિશ્વાસ પણ નથી કરતાં કે વહાલ પણ નથી વરસાવતાં. પુત્રને જેન્યુઇન આર્થિક સંકડાશ હોય તો પણ પેરેન્ટ્સ પોતાની સંપત્તિમાંથી તેને હેલ્પ આપવા તૈયાર નથી થતાં. ક્યારેક એથી તદ્દન ઊલટી પરિસ્થિતિ પણ જોવા મળે છે. પેરેન્ટ્સ કશાય કારણ વગર પોતાના પુત્રના હાથમાં પોતાની સઘળી સંપત્તિ સોંપી દે છે અને પાછલી ઉંમરે તદ્દન ઓશિયાળાં બની જતાં હોય છે. એવું નથી કે પેરેન્ટ્સે સંતાનોને સંપત્તિ ન જ આપવી, પરંતુ યોગ્ય સમયે અને યોગ્ય રીતે આપવી જોઈએ. સંતાનોને સંપત્તિ ન આપો ત્યારે પણ એટલો વિશ્વાસ અવશ્ય કેળવો કે તમે હંમેશાં સંતાનની પડખે રહેશો જ. સંતાનનાં વિશ્વાસ અને વ્હાલ જીતવાનું કૌશલ દરેક પેરન્ટ્સ પાસે હોવું જ જોઈએ. જે પેરેન્ટ્સ વિશ્વાસ અને વહાલ નથી જીતી શકતાં તેમની જિંદગી ઓશિયાળી અવશ્ય બને છે.
હું માનું છું કે પેરેન્ટ્સે શક્ય હોય ત્યાં સુધી સેલ્ફ ડિપેન્ડન્ટ રહેવું જોઈએ. સંતાનો ઉપર બિનજરૂરી બોજ ન નાખવો જોઈએ. પોતાની નાની-મોટી સામાન્ય તકલીફો કે બીમારીઓની વારંવાર ફરિયાદો કરી કરીને સંતાનને ન પજવવું જોઈએ. વધારે પડતી અપેક્ષાઓને કારણે પેરેન્ટ્સને ઉપેક્ષા તરફ ધકેલાઈ જવું પડતું હોય છે. સંતાનોની જરૂરતો, ફીલિંગ્સ અને આધુનિક જીવનશૈલી સાથેની એમની મજબૂરીઓ પેરેન્ટ્સે પણ સમજતાં શીખવું જોઈએ.
પેરેન્ટ્સ અને સંતાનો વચ્ચે સમજણનો સેતુ હંમેશાં ટકી રહેવો જોઈએ. પોતાની વાત સામેની વ્યક્તિને સમજાવવા કરતાં સામેની વ્યક્તિની વાત પોતે સમજવાની સજ્જતા કેળવવી જોઈએ. જનરેશન ગેપના સહજ સ્વીકાર બન્ને પક્ષે થવો જરૂરી છે. સંતાનોએ પેરેન્ટ્સને આઉટડેટેડ સમજવાની જરૂર નથી, તેમ પેરેન્ટ્સે પણ પોતાને સૌથી શાણાં અને ડહાપણથી ભરેલા સમજવાની જરૂર નથી.
નવી જનરેશનને પણ મારે કાનમાં એક વાત ખાસ કહેવી છે કે પેરેન્ટ્સનો વાંક હોય તો પણ તેમની સાથે તમારો વ્યવહાર રિસ્પેક્ટપૂર્ણ રાખજો. તમારી સંસ્કારિતા એમાંથી મહેકી ઊઠશે અને તમારાં સંતાનો તમારા એ ખાનદાનીભર્યા વ્યવહારમાંથી બોધપાઠ લેશે. જે પેરેન્ટ્સને સંતાનો તરફથી રિસ્પેક્ટ મળતું હોય છે તે પેરેન્ટ્સ સંતાનના કોઈ પણ દોષને બિનશરતી રીતે માફ કરી દેતાં હોય છે. પેરેન્ટ્સે તમારા ઉછેર અને જતન માટે જે પરિશ્રમ કર્યો હોય છે, જે ત્યાગ કર્યો હોય છે એના અનુસંધાનમાં તેમની અપેક્ષાઓ જરાય ગેરવાજબી નથી હોતી એવું તમે લાગણીપૂર્વક સમજશો અને સ્વીકારશો તો જનરેશનગેપ પણ લાચાર બની જશે.
મેં એવા ઘણા લલ્લુઓ જોયા છે જેમને પોતાનો બર્થ-ડે ઊજવવાનું તો ગમે છે, પોતાની મેરેજ એનિવર્સરી ઊજવવાનું પણ તેઓ ચૂકતા નથી; પરંતુ પોતાનાં પેરેન્ટ્સના બર્થ-ડે અથવા તેમની ખુશીના કોઈ દિવસ ઊજવવાનું તેમને પરવડતું નથી, યાદ આવતું નથી અથવા તો ઇરાદાપૂર્વક એને અવોઇડ કરે છે.
ઘણા દીકરાઓ દર વર્ષે લાંબા-લાંબા પ્રવાસ કરે છે, અવારનવાર વિમાનમાં ઊડતા ફરે છે; પરંતુ પોતાનાં પેરેન્ટ્સને તેમની લાઇફમાં એક વખત પણ વિમાનનો પ્રવાસ કરાવતા નથી અથવા તો પોતાની સાથે પ્રવાસમાં એમને લઈને જતા નથી, કારણ કે તેમની સારસંભાળ લેવાની એમની દાનત કે તૈયારી હોતી નથી. કેટલાક તો એવા નફફટ દીકરાઓ પણ હોય છે કે જ્યારે પત્નીનો ગમે તેટલો મોટો વાંક હોય તોય પત્નીને કશું જ કહી શકતા નથી, પણ પેરેન્ટ્સનો નાનકડો વાંક હોય તો પણ પેરેન્ટ્સનું ઇન્સલ્ટ થાય એ રીતે એમને ધમકાવી નાખે છે! પત્નીની ભૂલ હોય ત્યારે ‘નાહકના કલહ-કંકાસ કરવાની શી જરૂર છે?’ એમ કહીને દીકરાઓ વાત વાળી લે છે, પણ પેરેન્ટ્સની ભૂલ હોય ત્યારે ‘કલહ-કંકાસ થાય તો ભલે થાય, પણ સાચી વાત તો કહેવી જોઈએ ને!’ એવી આર્ગ્યુમેન્ટ કરીને એ પોતાની હોશિયારી બતાવતા હોય છે!
જેમને પોતાનાં પેરેન્ટ્સ અનવોન્ટેડ લાગતાં હોય છે, એ લોકો ભવિષ્યમાં એમનાં સંતાનો માટે અનવોન્ટેડ પેરેન્ટ્સ જ પુરવાર થશે! જેમનાં પેરેન્ટ્સ આજે મૂંગાં મૂંગાં પોતાના સંતાનના તમાશા જોતાં રહે છે તે તેમના એ જ સંતાપનો વારસો તેમના સ્વાર્થી દીકરાઓને મળવાનો છે.
પેરેન્ટ્સની પરવા ન કરનાર સંતાન, સંતાન નથી પણ સંતાપ છે!
લેખક ચિંતક અને સાહિત્યકાર છે.