જતા-જતા અમેરિકી નાગરિકોને ખુશ કરી ગયા ડોનાલ્ડ ટ્રમ્પ

 

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે કોરોના વાઇરસ રાહત પેકેજ પર હસ્તાક્ષર કરી દીધા છે. વ્હાઈટ હાઉસે રવિવારે જાહેરાત કરતા કહ્યું કે રાષ્ટ્રપતિએ રાહત પેકેજ પર હસ્તાક્ષર કરી નાખ્યા. હવે કોરોના પ્રભાવિતોને સરકારી મદદ મળવાનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે પેકેજને મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. તેમના આ વલણની અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાયડેને આકરી ટીકા કરી હતી. વ્હાઈટ હાઉસે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૯૦૦ બિલિયન અમેરિકી ડોલરના કોરોના વાઇરસ રાહત પેકેજ પર હસ્તાક્ષર કરી દીધા છે. અત્રે જણાવવાનું કે મહિનાઓ સુધી ચાલેલી વાતચીત બાદ સેનેટે ગત સોમવારે આ રાહત પેકેજને મંજૂરી આપી હતી. આ પેકેજમાં જે અમેરિકનો વાર્ષિક  ૭૫,૦૦૦ કરતા ઓછી કમાણી કરે છે તેમને ૬૦૦ ડોલરનો ચેક આપવાની જોગવાઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ જોગવાઈ પર આપત્તિ વ્યક્ત કરતા કહ્યું હતું કે મદદની રકમ વધારવી જોઈએ. આ રકમનો ઉપયોગ કોરોના વાઇરસ મહામારી દરમિયાન ખરાબ રીતે પ્રભાવિત થયેલા વેપારીઓ અને જરૂરિયાતવાળાઓની મદદ તથા રસી ઉપલબ્ધ કરાવવા માટે થશે. જેનાથી અમેરિકી નાગરિકો અને વેપારીઓને તત્કાળ મદદ મળશે.