જજોના ચુકાદાઓ પર વ્યક્તિગત હુમલો ખતરનાક સ્થિતિ સર્જી શકે છે

 

નવી દિલ્હી: પયગંબર મોહમ્મદ પર વિવાદિત નિવેદન આપવાના મામલે નોંધાયેલ એફઆઇઆરને લઇને સુપ્રીમ કોર્ટ પહોંચેલા નૂપુર શર્માને ફટકાર લગાવનારા જજે પોતાની થઇ રહેલી આલોચનાઓને લઇને કડક શબ્દોનો ઉપયોગ કર્યો છે. બેન્ચમાં સામેલ ગુજરાતી જજ જે. બી. પારડીવાલાએ કહ્યું કે જજોને ચુકાદાઓને લઇને વ્યક્તિગત હુમલો કરવો ખતરનાક સ્થિતિ સર્જી શકે છે. આપણા બંધારણ અંતર્ગત કાયદાનું શાસન જાળવી રાખવા માટે સમગ્ર દેશમાં ડિજિટલ અને સોશિયલ મીડિયાને રેગ્યુલેટ કરવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે બેન્ચે કહ્યું હતું કે ભાજપ પ્રવક્તા નૂપુર શર્માએ પોતાના નિવેદન બદલ દેશની માફી માગવી જોઇતી હતી.

જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે સુનાવણી (ટ્રાયલ) એક અદાલતો દ્વારા કરવામાં આવતી એક પ્રક્રિયા છે. જોકે આધુનિક સમયના સંદર્ભમાં ડિજિટલ (સોશિયલ) મીડિયાનો ટ્રાયલ કરવો ન્યાય વ્યવસ્થાની પ્રક્રિયામાં એક અનુચિત હસ્તક્ષેપ છે જે અનેક વખત લક્ષ્મણ રેખાને ઓળંગી જાય છે. આ ચિંતાજનક છે, તે વર્ગ ન્યાયિક પ્રક્રિયાની છાનબીન કરવાનું શરૂ કરી દે છે જેની પાસે માત્ર અડધુ સત્ય હોય છે.

સુપ્રીમ કોર્ટની બેન્ચની ટિપ્પણી બાદ બન્ને જજો જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પારડીવાલાને લઇને સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓનો ઘોડાપૂર ઉમટી પડ્યો હતો. તેમને ટાર્ગેટ કરવા લાગ્યા. બેન્ચે નૂપુર શર્માને લઇને મૌખિક ટિપ્પણી કરી હતી. નૂપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી આપીને કહ્યું હતું કે દેશભરમાં તેમના વિરૂદ્ઘ જે એફઆઇઆર નોંધવામાં આવી છે તેમને દિલ્હી ટ્રાન્સફર કરી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માને ફટકાર લગાવતા કહ્યું હતું કે તેમના જ એક નિવેદનને પગલે માહોલ ખરાબ થઇ ગયો. નૂપુર શર્માએ માફી માગવામાં વિલંબ કર્યો અને તેના પગલે જ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ ઘટી છે. બન્ને જજોની બેન્ચે પયગંબર વિરૂદ્ઘ ટિપ્પણી બદલ વિભિન્ન રાજ્યોમાં નોંધાયેલી એફઆઇઆરને એક સાથે જોડવાની શર્માની અરજી પર વિચાર કરવાનો ઇન્કાર કરી દીધો. તેમણે અરજી પરત લેવાની મંજૂરી આપી દીધી. આ સાથે જ નુપૂર શર્માએ અદાલતમાંથી પોતાની અરજીને પરત લઇ લીધી.

જસ્ટિસ જે. બી. પારડીવાલાએ કહ્યું કે ડિજિટલ અને સોશિયલ મીડિયા પર નિયંત્રણ હોવું જોઇએ. ખાસ કરીને એવા મામલાઓમાં જે સંવેદનશીલ છે. સંસદે તેના પર લગામ લગાવવા અંગે વિચારવું જોઇએ. તેમણે કહ્યું કે ડિજિટલ મીડિયા ન્યાયિક સંસ્થાને નુકસાન પહોંચાડી રહ્યું છે અને તેની ગરિમાને ઘટાડી રહ્યું છે. નિર્ણયોનો ઉપાય સોશિયલ મીડિયા સાથે નથી, આ માત્ર કોર્ટ સજા આપી શકે છે. ન્યાયાધીશો પર તેમના ચુકાદાઓ માટે વ્યક્તિગત હુમલા તમામ લોકોને એક ખતરનાક પરિદ્શ્ય તરફ લઇ જાય છે જ્યાં ન્યાયાધીશોને એ જોવું પડે છે કે કાયદો ખરેખર શું વિચારે છે તેને બદલે મીડિયા શું વિચારે છે?