જગન્નાથી મંદિરમાં ફાટેલા જીન્સ, સ્લીવલેસ કપડા અને હાફ પેન્ટ પહેરી પ્રવેશ બંધ

પુરીઃ ભગવાન જગન્નાથના મંદિરમાં કોઈપણ ભક્તને ત્યાં સુધી પ્રવેશ આપવામાં નહિં આવે જ્યાં સુધી તેઓ યોગ્ય વસ્ત્રો પહેરે નહીં. શિષ્ટ અને અભદ્ર વસ્ત્રોની વ્યાખ્યા પણ સમજાવવામાં આવી છે. જગન્નાથ મંદિર પ્રશાસને અનેક ક્વાર્ટર તરફથી ફરિયાદો મળ્યા બાદ જગન્નાથ મંદિરમાં નવો ડ્રેસ કોડ લાગુ કરવાનો નિર્ણય લીધો છે, તેમ મંદિર પ્રશાસને જણાવ્યું હતું. જગન્નાથ મંદિર પ્રશાસનના વડા રંજન કુમાર દાસે કહ્યું હતું કે, ‘મંદિરની ગરિમા અને પવિત્રતા જાળવવાની જવાબદારી અમારી છે. કમનસીબે, કેટલાક લોકો અન્ય લોકોની ધાર્મિક લાગણીઓની પરવા કર્યા વિના મંદિરમાં આવે છે, જે ખોટું છે. કેટલાક લોકો મંદિરમાં ફાટેલા જીન્સ, સ્લીવલેસ કપડા અને હાફ પેન્ટ પહેરીને આવે છે. ભગવાન મંદિરમાં વસે છે, મંદિર મનોરંજન માટેનું સ્થાન નથી. તેમના મતે, મંદિરની મુલાકાત માટે સ્વીકાર્ય પોશાક અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. મંદિર પ્રશાસનના અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે મંદિરના ‘સિંહ દ્વાર’ પર તૈનાત સુરક્ષા કર્મચારીઓ અને મંદિરની અંદરના પ્રતિહારી સેવકોને ડ્રેસ કોડ લાગુ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવાનો નિર્ણય ‘નીતિ’ સબ-કમિટીની બેઠકમાં મંદિરમાં કેટલાક લોકો ‘અભદ્ર’ પોશાકમાં જોવા મળ્યા બાદ લેવામાં આવ્યો હતો. રંજન કુમાર દાસે કહ્યું કે મંદિર પ્રશાસન આજથી જ શ્રદ્ધાળુઓને ડ્રેસ કોડ વિશે જાગૃત કરશે. દાસે કહ્યું કે હાફ પેન્ટ, શોર્ટ્સ, ફાટેલી જીન્સ, સ્કર્ટ અને સ્લીવલેસ કપડાં પહેરેલા લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. મંદિર પ્રશાસને કહ્યું હતું કે, અભદ્ર વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવું પરંપરા વિરુદ્ધ છે. જગન્નાથ ધામ એક પવિત્ર સ્થળ છે. આ મંદિરમાં દેશના વિવિધ ભાગો અને વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે, એવા સમયે મંદિરની પવિત્રતા જાળવવી આપણી ફરજ છે. કમનસીબે કેટલાક શ્રદ્ધાળુઓ ધાર્મિક લાગણીઓ પર ધ્યાન આપતા નથી અને આવા કપડા પહેરીને દર્શન માટે આવી રહ્યા છે. જગન્નાથ મંદિર પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે પુરીના જગન્નાથ મંદિરમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે નિયમો લાગુ થશે. એન્ટ્રી ગેટ પર દરેકના કપડાંની તપાસ કરવામાં આવશે. ભક્તોને પરંપરાને સમજીને પવિત્ર-શિષ્ટ વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવા વિનંતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here