ચોમાસુ સત્રમાં વિવિધ મુદ્દે સરકારને ઘેેરવાની કોંગ્રેસની યોજના

 

નવી દિલ્હીઃ કોંગ્રેસે મંગળવારે નિર્ણય કર્યો હતો કે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનના પદ માટે વિરોધી પક્ષોએ સંયુક્ત ઉમેદવાર ઉતારવો જોઈએ, અને તે આ સંદર્ભમાં વિવિધ પક્ષોનો સંપર્ક કરશે.

૧૪ સપ્ટેમ્બરથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવાનું છે તે પહેલાં કોંગ્રેસ સંસદીય વ્યૂહાત્મક જૂથની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો જેની અધ્યક્ષતા સોનિયા ગાંધીએ કરી હતી. હરિવંશનો કાર્યકાળ પૂરો થતા આ પદ ખાલી પડ્યું. રાહુલ ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને વિરોધી પક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી સહિત બંને ગૃહના સભ્યોએ આ બેઠકમાં હાજરી આપી હતી. કોંગ્રેસમાં આમૂલ પરિવર્તન કરવાની માગણી કરતો પત્ર લખનાર નેતાઓ પૈકી અમુક નેતાઓ કોંગ્રેસ કાર્યકારીણીની બેઠક બાદ પહેલી વખત કોંગ્રેસના નેતૃત્વને સામસામે મળ્યા હતા. કોંગ્રેસ વ્યૂહાત્મક સમૂહે સત્ર દરમિયાન બંને ગૃહમાં પ્રશ્નકાળને ફરીથી સ્થાપિત કરવાની માગણી કરવાનો નિર્ણય લીધો છે. પક્ષ આ સાથે જ સીમા પર ચીની આક્રમકતા અને ત્યાંની વર્તમાન પરિસ્થિતિનો મુદ્દો બંને ગૃહમાં ઉઠાવશે. ચોમાસુ સત્ર દરમિયાન કોંગ્રેસ સરકાર પર આ મુદ્દે આકરા પ્રહારો કરવાની યોજના બનવી રહી છે અને આ અંગે વિરોધી પક્ષોનો સંયુક્ત વ્યૂહ બનાવશે જે માટે અન્ય વિરોધી પક્ષના નેતાઓ સાથે બેઠક કરવામાં આવશે.