ચેમ્બર ઓફ કોમર્સે H-1B વિઝાની સંખ્યા બમણી કરવાની માગ કરી

 

વોશિંગ્ટનઃ અમેરિકામાં સ્કીલ્ડ અને પ્રોફેશનલ કર્મચારીઓની ભારે અછત વર્તાઇ રહી છે.  જેને ધ્યાનમા રાખીને યુએસ ચેમ્બર ઓફ કોમર્સે બાયડેન વહીવટી તંત્ર અને અમેરિકન સંસદને એચ-૧બી વિઝાની સંખ્યા બમણી કરવા અને ગ્રીન કાર્ડ માટે દરેક દેશના નિયત કવોટાને પણ સમાપ્ત કરવાની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે એચ-૧બી વિઝા એક નોન ઇમિગ્રન્ટ વિઝા છે જે હેઠળ અમેરિકાની કંપનીઓ વિદેશમાંથી નિષ્ણાત કર્મચારીઓને અમેરિકા બોલાવી નોકરી પર રાખે છે. 

અમેરિકાની આઇટી કંપનીઓ ભારત અને ચીનમાંથી મોટા પ્રમાણમાં આઇટી પ્રોફેશનલોને એચ-૧બી વિઝા હેઠળ નોકરી પર રાખે છે. હાલમાં અમેરિકા દર વર્ષે ૬૫,૦૦૦ વિદેશી કર્મચારીઓને એચ-૧બી વિઝા આપે છે. આ ઉપરાંત અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરેનારા વિદેશીઓ માટે અલગથી ૨૦,૦૦૦ એચ-૧બી વિઝા ઇશ્યુ કરવામાં આવે છે. 

યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સે માગ કરી છે કે એચ-૧બી વિઝાના ક્વોટાને વધારવામાં આવે જે હાલમાં ૬૫,૦૦૦ છે. આ ઉપરાંત તેણે માગ કરી છે કે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરનારા વિદેશીઓ માટેના ક્વોટામાં વધુ ૨૦,૦૦૦ કરવામાં આવે.

યુએસ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ડ અને સીઇઓ સુઝાન કર્લાકના જણાવ્યા અનુસાર અમેરિકા માટે આગળ વધવા માટેનો આ યોગ્ય સમય છે. આ સ્થિતિમાં કામદારોની અછત અમેરિકન કંપનીઓ માટે માથાનો દુઃખાવો બનશે. રોજગાર આધારિત ઇમિગ્રન્ટ વિઝાની સંખ્યા પણ ૧.૪૦ લાખથી વધારી ૨.૮૦ લાખ કરવામાં આવી છે.