ચૂંટણી સુધારા ખરડો રાજ્યસભામાં પસાર

 

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રમાં લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષોનો હંગામો યથાવત છે. રાજ્યસભામાં ૧ર સાંસદોના સસ્પેન્શનનો મામલો રોજ ગાજી રહ્યો છે તેવા સમયે મંગળવારે ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને ચૂંટણી કાયદામાં સુધારો લાવતા ખરડાના વિરોધમાં પોતાના હાથમાં રહેલી રૂલબૂકને સેક્રેટરી જનરલ ઉપર ફેંકી વોકઆઉટ કરતાં તેમને સત્રના બાકી રહેતાં સમય માટે સસ્પેન્ડ કરાયા હતા. પોતાના પર કાર્યવાહી મામલે ડેરેક ઓ બ્રાયને રોષ ઠાલવ્યો કે ભાજપે સંસદને મજાક બનાવી દીધી છે. આશા છે કે આ ખરડાઓને વહેલી તકે પાછા ખેંચી લેવાશે. 

આ પહેલા ચૂંટણી સુધાર સંશોધન ખરડા અંગે રાજ્યસભામાં જોરદાર હંગામો થયો અને વિપક્ષી સદસ્યોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. ત્યાર બાદ ધ્વનિમતથી આ ખરડાને રાજ્યસભામાં પણ મંજૂરી મળી હતી. રાજ્યસભામાં ચૂંટણી સુધાર સંશોધન ખરડાના વિરોધમાં સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું કે જે રીતે કૃષિ કાયદા પસાર કરાયા હતા તેવી જ રીતે આ કાયદો પસાર કરાઈ રહ્યો છે. 

કાયદા મંત્રી કિરણ રિજીજૂએ બચાવ કર્યો હતો કે ચૂંટણી પ્રક્રિયાને સ્વચ્છ રાખવા મતદાતા યાદી સ્વચ્છ હોવી જરૂરી છે. ટીએમસી સાંસદને સસ્પેન્ડ કરતો પ્રસ્તાવ ધ્વનિમતથી પસાર કરાયો હતો. રાજ્યસભામાં ભાજપ, જનતા દળ (યુનાઇટેડ) વાયએસઆરસીપી, અન્ના દ્રમુક અને ટીએમસી એમના સભ્યોએ સુધારિત ચૂંટણી સુધારા બિલ, ૨૦૨૧ને મંજૂરી આપી હતી. તેમણે કહ્યું હતું કે ચૂંટણી દરમિયાન બોગસ મતદાન અટકાવવામાં નવું બિલ સહાયરૂપ બનશે. ચર્ચા દરમિયાન વિરોધ પક્ષોએ ખરડાના આશય અને એને રાજ્યસભામાં જે રીતે લવાયો એ અંગે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસનાં અમિ યાજ્ઞિકે કહ્યું કે આ બિલ લોકોના રાઇટ ટુ પ્રાઇવસીના અધિકારના ઉલ્લંઘન સમાન છે, ઉપરાંત વંચિત લોકોનું શોષણ કરશે.