ચીન સાથેના સીમા- વિવાદ અંગે રાજ્યસભામાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહનું મહત્વનું નિવેદન ..

 

સંસદના ચોમાસુ સત્રના ચોથા દિવસેજ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ચીન વિવિદ પર ખૂબ જ મહત્વનું નિવેદન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દુનિયાની કોઈ પણ તાકાત લદાખમાં ભારતીય સૈન્યને પેટ્રોલિંગ કરતાં રોકી શકશે નહિ. ચીન સાથે સીમા વિવાદની સમસ્યા હજી સુધી ઉકેલાઈ નથી. ગત મે મહિનામાં ચીને એલએસી પર અનેકવાર નિયમોનું ઉલ્લંઘન કરીને હદ પાર કરી હતી. ભારત- ચીન વચ્ચે પરસ્પર વાતચીત ચાલુ હતી ત્યારે જ 29-30 ઓગસ્ટના ચીને લદાખમાં ભારતીય સેનાને ઉશ્કેરણી કરવાની કોશિશ કરી હતી. ચીનની કથની અને કરણીમાં ફરક છે. ચીનના વર્તાવ પરથી લાગે છેકે, એ બન્ને દેશો વચ્ચે થયેલી સમજૂતીનું સન્માન નથી કરતું. ચીનના સૈન્યે 1993-અને 1996માં સમજૂતીઓને તોડી હતી. સીમા પર શાંતિ જાળવવા માટે એલએસીનું સન્માન કરવું જરૂરી છે. ચીને ગેરકાનૂની રીતે લદાખના 38 હજાર ચો. કિ.મી, પર વિસ્તાર પર કબ્જો જમાવ્યો છે. પાકિસ્તાને એના કબ્જા હેઠળના કાશ્મીર – પીઓકેનો  5,180 કિમી. વિસ્તાર ગેરકાનૂની રીતે ચીનને આપી દીધોછે. ચીન અરુણાચલ સાથે જોડાયેલા 90,000 ચો. કિ. મિ.વિસ્તાર    પોતાનો હોવાનો દાવો કરી રહયું છે. ચીન  છેલ્લા કેટલાક દાયકાથી સીમા પરના વિસ્તારોમાં સૈન્યની સંખ્યા વધારતુંં રહે છે. એણે સીમા પર બંધકામની પ્રવૃત્તિ પણ વધારી છે. આપણી સરકારે પણ બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટેનું બજેટ બેગણું વધારી દીધું છે. આપણે ચીનની કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવાની તાકાત ધરાવીએ છીએ. કોઈ પણ પડકારનો આપણે સામનો કરીશું. ચીનની નીચ હરકતોને કારણે ગલવાન ખીણમાં યુધ્ધની પરિસ્થિતિ આકાર લઈ રહી છે. આપણે શાંતિ ઈચ્છીએ છીએ. પરંત દેશની રક્ષા કરવા માટે કટિબધ્ધ છીએ, એમાંથી હરગિઝ પીછેહઠ નહિ કરવામાં આવે. 130 કરોડ ભારતવાસીઓને હું વિશ્વાસ સાથે કહું છું કે, દેશનું મસ્તક કદી ઝુકવા નહિ દઈએ. આપણે હાલની પરિસ્થિતિમાં પણ શાંતિ સ્થાપવાનો, સમાધાનનો માર્ગ કાઢવાનો ઈરાદો રાખીએ છીએ. એ સાથે એપણ વાત હું સ્પષ્ટ કરવા માગુ છું કે, કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા, કપરા પડકારો ઝીલવા માટે પણ  આપણે તૈયાર છીએ, સુસજ્જ છીએ…