ચીન, પાકિસ્તાન અને ઉત્તર કોરિયામાં ઘાતક શસ્ત્રોની હેરફેર

 

નવી દિલ્હીઃ ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતના કંડલા પોર્ટથી એક ચીની શિપ ડાય ક્યુ યુનમાંથી ભારતીય સુરક્ષા એજન્સીઓને બેલેસ્ટિક મિસાઇલમાં ઉપયોગમાં આવતા ઓટોક્લેવ બરામદ કર્યા હતા. તપાસમાં ખુલાસો થયો હતો કે ચીની જહાજ ચોરીછૂપે પાકિસ્તાનનાં કરાચી પોર્ટ જઈ રહ્યું હતું. રિપોર્ટ મુજબ એવો ખુલાસો પણ થયો હતો કે પાકિસ્તાનના શાહીન-૨ મિસાઇલ પ્રોગ્રામની મદદ માટે ઓટોક્લેવ મોકલવામાં આવ્યા હતા. જાણકારો મુજબ લાંબી દૂરીની મિસાઇલમાં ઓટોક્લેવની મદદથી મારક ક્ષમતા વધારી શકાય છે. આ અગાઉ પણ હાઇટેક હથિયારો સંબંધિત ટેક્નોલોજી ટ્રાન્સફરમાં ચીન-પાકિસ્તાનનું નામ સામે આવ્યું છે. 

કહેવાય છે કે નોર્થ કોરિયા, પાકિસ્તાન અને ચીન ઘાતક હથિયારોની ગુપચુપ આપલે કરે છે. સુરક્ષા એજન્સીઓના અહેવાલ પ્રમાણે પાકિસ્તાન, ચીન અને નોર્થ કોરિયા વચ્ચે ચોરીછૂપે હથિયારોની આપૂર્તિ સાથે ન્યુક્લિયર ટેક્નોલોજી ટ્રાન્સફર કરવાનો લાંબો ઈતિહાસ રહ્યો છે. નોર્થ કોરિયાના ૧૭૧૮ જહાજ છેલ્લાં ૩ વર્ષમાં ગુપચુપ રીતે દુનિયાના ઘણા દેશોમાં ગયાં હતાં. જેનાથી ન્યુક્લિયર ટેક્નોલોજી ટ્રાન્સફરની શંકા વધારે મજબૂત બને છે. સુરક્ષા સંબંધિત અધિકારીના કહેવા પ્રમાણે પાકિસ્તાનના પરમાણુ પ્રોગ્રામને વિકસિત કરવામાં ચીનનું મહત્ત્વનું યોગદાન છે. 

નોર્થ કોરિયાના ન્યુક્લિયર પ્રોગ્રામ અને તેની મિસાઇલને ડેવલોપ કરવામાં ચીન અને પાકિસ્તાનની ભૂમિકા છે. આ પરિસ્થિતિમાં કોરિયન જહાજની મોટાપાયે હલચલ ચિંતાજનક છે. વધુમાં કોરિયાના કેટલાં જહાજ ચીન અને પાકિસ્તાન ગયાં હતાં અને તેમાં શું સામાન હતો તેની પણ તપાસ થવી જોઈએ. બેગિન સાદાત સેન્ટર ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝના એક અહેવાલ પ્રમાણે નોર્થ કોરિયા, ચીન અને પાકિસ્તાન એકબીજાને ઘાતક હથિયારો અને પરમાણુ ટેક્નોલોજી ટ્રાન્સફર કરવામાં સામેલ છે. આ રિપોર્ટ ત્રણેય દેશોની સાંઠગાંઠને ખોલે છે. અમેરિકાની ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના ૨૦૧૮ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ન્યુક્લિયર વોર હેડ એકસાથે લોન્ચ થાય તેવાં પાકિસ્તાન પાસે રહેલા મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટ રિન્ટ્રી વ્હીકલ ચીને જ પાકિસ્તાનને આપ્યાં હતાં. બાદમાં ચીને પાકિસ્તાનને મદદ કરી હોવાની વાત માની હતી.