ચીનો હિલ્સ બેપ્સ દ્વારા સ્વામિનારાયણ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

કેલિફોર્નિયાઃ બીએપીએસ ચીનો હીલ્સ, કેલિફોર્નિયાના સ્વયંસેવકો દ્વારા આયોજિત ‘શ્રીકૃષ્ણ જન્મ મહોત્સવ આનંદોલ્લાસપૂર્વક સંપન્ન થયો હતો. સાધુ સર્વદર્શન સ્વામી (કોઠારી સ્વામી)ની અધ્યક્ષતામાં ચિન્મય મિશનના હોલમાં ભગવાન શ્રીકૃષ્ણ જન્મ મહોત્સવ જન્માષ્ટમીની ઉજવણીમાં અંદાજે 500 ભક્તો જોડાઈને ધન્યતાની અનુભૂતિ પામ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં સ્વયંસેવકો પ્રેરિત મહાપ્રસાદ લેવા માટે સૌને ભાવસભર આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગનું મહત્ત્વ તથા કાર્યક્રમની રૂપરેખા આપી સૌને હૃદયપૂર્વક આવકાર આપ્યો હતો. નાના બાળવૃંદ દ્વારા ગીતાના શ્લોકોનું પઠન કરવામાં આવ્યું હતું તેમ જ પઠન બાદ એક બાળકે જે તે શ્લોકોનું વિસ્તારપૂર્વક સુંદર વિશ્લેષણ રજૂ કર્યું હતું, જે માણીને શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા. ત્યાર બાદ ભજનિક ગ્રુપે સુંદર ભજનો સાગ વિદુર ઘર ખાઈ, છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ ગાઈને સૌનાં મન મોહી લીધાં હતાં તેમ જ વિડિયો દર્શન દ્વારા ત્યાગવલ્લભ સ્વામી તથા પ્ર. બ્રહ્મસ્વરૂપ આચાર્ય મહંત સ્વામિના આશીર્વાદ મેળવ્યા હતા.
સર્વદર્શન સ્વામીએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું કે જીવવા માટે કોઈએ કોઈનો આશરો લેવો પડે છે, પણ ભગવાન સ્વયં યાદવ કુળમાં જન્મ પામેલા પણ યાદવ કુળ તેમને ઓળખી ના શક્યું. તેમનો આશરો મેળવી ન શક્યું અને વિનાશ પામ્યું. જ્યારે અર્જુન ભગવાનમાં દઢ વિશ્વાસ મૂકી તેમનો આશરો મેળવી અમરત્વ પામ્યો, શરણાગતિ પામ્યો. તમામ શાસ્ત્રોનો સાર છે કે દઢતાપૂર્વક ભગવાન પ્રત્યે પ્રીતિ કેળવી સંપૂર્ણ શરણાગતિ મેળવવી.
સર્વ સ્વયંસેવકગણ દ્વારા બાળગોપાલને પાલખીમાં પધરાવીને ગૃહમાં લાવવામાં આવ્યા હતા. તમામ ભક્તોએ પુષ્પવર્ષા દ્વારા આગમનને વધાવ્યું હતું. ત્યાર બાદ લાલજીને હિંડોળામાં પધરાવીને ઝૂલો ઝુલાવવાનો સૌએ લાભ લીધો હતો.
સૌ ભક્તોએ વ્યક્તિગત રીતે સ્વામી સાધુ સર્વદર્શન સ્વામીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. સુંદર આયોજન બદલ સર્વ કાર્યકર્તાઓને અંતરથી ધન્યવાદ. (માહિતીઃ હર્ષદરાય શાહ અને તસવીરઃ કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા)