ચીને ૧ વર્ષમાં ૬૦ પરમાણુ હથિયારનો વધારો કર્યો

બિઝીંગઃ ચીન તેના પરમાણુ હથિયારોના સ્ટોકમાં ઝડપથી વધારો કરી રહ્યું છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટના રિપોર્ટ અનુસાર ચીને છેલ્લા એક વર્ષમાં ૬૦ પરમાણુ હથિયારોનો વધારો કર્યો છે. આ મામલામાં તે રશિયા, ભારત અને પાકિસ્તાનથી ઘણું આગળ છે. થિંક ટેંકના રિપોર્ટ અનુસાર, હાલમાં વિશ્વમાં ૧૨,૫૧૨ પરમાણુ હથિયારો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં ફરી એકવાર પરમાણુ હથિયારો એકઠા કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. વર્તમાન વિશ્વ માનવ ઇતિહાસના સૌથી ખતરનાક મોડ પર છે. એસઆઈપીઆરઆઈના રિપોર્ટ અનુસાર દુનિયાભરના દેશોમાં બગડતા આંતરરાષ્ટ્રીય સંબંધોને કારણે પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો થયો છે. વિશ્વભરમાં અંદાજિત ૧૨,૫૧૨ પરમાણુ શસ્ત્રો છે. જેમાંથી આ વર્ષે ૮૬ તૈયાર કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર કુલ પરમાણુ હથિયારોમાંથી ૯,૫૭૬ સંભવિત ઉપયોગ માટે તૈયાર છે. છેલ્લા ૧ વર્ષમાં ચીન પરમાણુ હથિયાર વધારવામાં સૌથી આગળ છે. જો કે ચીન ઉપરાંત રશિયા, ભારત, પાકિસ્તાન અને ઉત્તર કોરિયાએ પણ પોતાના પરમાણુ ભંડારમાં વધારો કર્યો છે. ચીને આ વર્ષે ૬૦ હથિયાર વધાર્યા છે. જ્યારે રશિયાએ ૧૨, પાકિસ્તાને ૫, ઉત્તર કોરિયાએ ૫ અને ભારતે ૪ હથિયાર વધાર્યા છે.રશિયા અને અમેરિકા પાસે વિશ્વના કુલ પરમાણુ હથિયારોના ૯૦ ટકા છે. એસઆઈપીઆરઆઈના રિપોર્ટ અનુસાર રશિયા પાસે ૪૪૮૯ પરમાણુ હથિયાર છે. આ યાદીમાં અમેરિકા બીજા નંબરે અને ચીન ત્રીજા નંબરે છે. અમેરિકા પાસે ૩૭૦૮ પરમાણુ હથિયાર છે. જ્યારે ચીન પાસે ૪૧૦ હથિયાર છે. ચીન પછી ફ્રાન્સ (૨૯૦) અને બ્રિટન (૨૨૫) છે. થિંક ટેંકના જણાવ્યા અનુસાર, અમેરિકા અને રશિયાએ લગભગ ૨,૦૦૦ પરમાણુ હથિયારોને તાત્કાલિક ઉપયોગ માટે હાઈ એલર્ટ પર રાખ્યા છે, એટલે કે, આ હથિયારો મિસાઇલોમાં ફીટ કરવામાં આવ્યા છે અથવા એરબેઝ પર તૈનાત કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર પરમાણુ હથિયારોના મામલે પાકિસ્તાન ભારત કરતા આગળ છે. તેની પાસે ૧૭૦ પરમાણુ હથિયાર છે. જ્યારે ભારત પાસે ૧૬૪ હથિયાર છે. ઉત્તર કોરિયા પાસે ૩૦ પરમાણુ હથિયારો છે.