ચીને હવે ભુટાનની જમીન પચાવી પાડી, ચાર ગામડા પણ વસાવી દીધા

 

નવી દિલ્હીઃ પાડોશી દેશો પર દાદાગીરી કરવાની ચીનની વૃત્તિ બહુ જુની અને જાણીતી છે. ભારત સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે હવે ચીને પોતાના બીજા પાડોશી દેશ ભુટાનની સીમામાં પણ ઘૂસણખોરી કરી છે. એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે ચીને ભુટાનની ૨૫૦૦૦ એકર જમીન પચાવી પાડી છે અને તેના પર ચાર ગામ વસાવી દીધા છે. તમામ ગામડા ૧૦૦ ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં ફેલાયેલા છે. ચીને જે જમીન પચાવી પાડી છે તે ડોકલામ પાસે છે અને આ જગ્યાએ ૨૦૧૭માં ભારત અને ચીનની સેના આમને સામને આવી ગઈ હતી. એક ગ્લોબલ રિસર્ચરે સેટેલાઈટ તસવીરો થકી ચીનની લુચ્ચાઈનો પર્દાફાશ કર્યો છે.જેમાં ચીને વસાવેલા ગામડા સ્પષ્ટપણે જોઈ શકાય છે. જમીનના આ હિસ્સાને લઈને ભુટાન અને ચીન વચ્ચે જુનો વિવાદ છે.બંને દેશોનો દાવો છે કે, આ જમીન તેમની છે. ભારત માટે પણ આ મામલો ચિંતાનો વિષય છે. તાજેતરમાં જ ચીન અને ભુટાન વચ્ચે સીમા વિવાદને લઈને કરાર પણ થયા છે ત્યારે ચીને જે જમીન પર ગામડા બનાવ્યા છે તે આ કરારનો એક હિસ્સો છે કે કેમ તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે.