ચીની બનાવટની ચીજ- વસ્તુનો બહિષ્કાર કરો- આરએસએસના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશકુમારની હાકલ

0
869

 

 ચીનની વિસ્તારવાદી વિચારધારા પર પ્રહાર કરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાન નેતા ઈન્દ્રેશકુમારે ચીનના અર્થતંત્રને નબળું પાડવા માટે ચીની બનાવટની ચીજ- વસ્તુઓનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી.લશ્કરી ક્ષેત્રે ચીનને પરાજિત કરી શકાય એમ ન હોવાથી ચીનના  માલનો સામૂહિક બહિષ્કાર કરીને એના અર્થતંત્રને ભાંગી નાખવું જોઈએ. કોઈ પણ દેશ ચીની બનાવટની ચીજ- વસ્તુઓનો બહિષ્કાર કરીને તેને સરળતાથી હચમચાવી શકે એમ છે ઈન્ડો- તિબેટન ફ્રેન્ડશિપ સોસાયટીના સ્થાપક ઈન્દ્રેશકુમારે જણાવ્યું હતું.

ચીન સાથે મૈત્રી – સંબંધો સ્થાપવાના ભારતના વરસો જૂના પ્રયાસોને મળેલી નિષ્ફળતા અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે, ચીન ભરોસાપાત્ર નથી. ભારત સહિતના પાડોશી દેશ સાથે ચીન મિત્રતાભર્યા સંબંધો રાખવાની વાત કરે છે એનો કોઈએ લેશમાત્ર પણ વિશ્વાસ ન  કરવો જોઈએ. આપણને સહુને ખબર છેકે ચીનનું પ્રતીક ડ્રેગન છે, જે આગ ઓકે છે અને પોતાના શિકારને ગળી જાય છે. ઈન્દ્રેશકુમારે વધુમાં એવી ચેતવણી ઉચ્ચારી હતી કે, ચીનની વિસ્તારવાદની વિચારસરણીને હળવાશથી લેવી જોખમી સાબિત થશે. આખી દુનિયા એ વાતથી વાકેફ છેકે 1950માં ચીને કેવી રીતે તિબેટને હડપ કરી લીધું હતું. ચીન કઈ રીતે એશિયાના અન્ય દેશોના વિસ્તારો પચાવી પાડવાના આયોજનો કરી રહ્યું છે તેની પણ સમગ્ર વિશ્વને જાણ છે. ભુતાનના દોકલામ પર પગદંડો જમાવવા ચીને પોતાના ચાર લાખ સૈનિકતો ત્યા ખડકી દીધા હતા. એ  સમયે ભારતે પોતાના 34,000 સૈનિકો પાઠવીને એ યોજનાનો પર્દાફાશ કર્યો હતો.