ચીની જાસૂસ યુવતીની પૂછપરછમાં થયો મોટો ખુલાસો

 

નવી દિલ્હીઃ જાસૂસી મામલે પકડાયેલી યુવતી ક્વિન્સીની પૂછપરછ દરમિયાન ચીની જાસૂસી નેટવર્ક અંગે મોટો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓને જાણવા મળ્યું છે કે ચીને પોતાની ઈન્ડિયન જાસૂસી ટીમને વડા પ્રધાન કાર્યાલય સહિત મોટા કાર્યાલયોની આંતરિક જાણકારી આપવાનું કહ્યું હતું. ચીને પોતાના જાસૂસોને મોટા કાર્યાલયોમાં કઈ વ્યક્તિ મહત્ત્વના પદ પર છે. સ્ટાફમાં કોણ કેટલો પ્રભાવશાળી છે. આ જાણકારી માટે કોલકાતાની એક પ્રભાવશાળી મહિલા સાથે ચીની મહાબોધિ મંદિરના પ્રમુખે ક્વિન્સીનો પરિચય કરાવ્યો હતો. ક્વિન્સીને કહેવાયું હતું કે પ્રભાવશાળી મહિલા જે દસ્તાવેજ આપે તેને ચીની ભાષામાં ટ્રાન્સલેટ કરીને ચીન મોકલવાના છે. અત્યાર સુધીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દસ્તાવેજ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના લીડરની પત્ની મિસિસ ડિંગ અને મિસ્ટર ચાઉને મોકલવાના હતા. ચીની યુવતી તથા તેના સાથીઓની પૂછપરછ દરમિયાન થયેલા ખુલાસાથી સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચી ગયો છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓના નિવેદનોના આધારે સમગ્ર કેસની ઊંડી તપાસ શરૂ કરી દેવાઈ છે. કોલકાતા સહિત અનેક જગ્યાઓ પર લોકોની પૂછપરછ ચાલુ છે. 

અત્રે જણાવવાનું કે આ કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગયા મહિને એક પત્રકાર રાજીવ શર્મા સહિત ચીની યુવતી અને તેના નેપાળી સાથી શેર બહાદુરની ધરપકડ કરી હતી. ત્રણેય હાલ તિહાડ જેલમાં બંધ છે.