
અપ્રતિમ અભિનય પ્રતિભા ધરાવતા કલાકાર – બોલીવુડના સુપરસ્ટાર આમીરખાનની ફિલ્મો ચીનમાં ધૂમ કમાણી કરે છે. આમીરની ગઝની, થ્રી ઈડિ્યટસ, પીકે, દંગલ સિક્રેટ સુપર સ્ટાર વગેરે ફિલ્મોએ ચીનમાં ટિકિટબારી પર કરોડો રૂપિયાની આવક મેળવી છે. ચીનમાં આમીરની ફિલ્મો જોનારો વિશાળ પ્રેક્ષકવર્ગ છે. ચીનના યુવક – યુવતીઓ જ નહિ., આઘેડ વયના અને વૃધ્ધ લોકો પણ આમીરની ફિલ્મો હોઁશે હોંશે જુએ છે. આમીર ખાને એક કલાકાર તરીકે ચીનમાં ખૂબ લોકપ્રિયતા હાંસલ કરી છે. આમીર જયારે જયારે ચીનની મુલાકાતે જાય છે ત્યારે એના લાખો પ્રશંસકો તેને જોવા માટે, મળવા માટે એકઠાં થાય છે, જણે કોઈ મેળો કે સાર્વજનિક ઉત્સવ હોય એવો માહોલ સર્જાય છે .. ચીનમાં આમીર ખાન પ્રત્યેની આવી અનેરી લોકચાહનાથી ભારતનું વાણિજ્યખાતું પણ ખૂબ પ્રભાવિત થયું છે. લાખો ચીની પ્રેક્ષકોના આ માનીતા કલાકારને ભારતના બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને ચીન સાથેના ભારતીય વ્યાપારને વધુ ગતિશીલ અને પ્રોત્સાહિત કરવાના સૂચન સાથેનો પ્રસ્તાવ ભારતીય વ્યાપાર- વાણિજ્યખાતાએ વિદેશ મંત્ર્યાલયને મોકલ્યો હોવાની માહિતી આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ હતી. આમીર ખાન પ્રત્યે લોકોને ખૂબ લગાવ છે. આમીર માટે તેઓ અનન્ય સદ્ભાવ ધરાવે છે. ભારતના ચીન સાથેના વ્યાપારમાં હાલ 51 બિલિયન ડોલરની ખોટ છે. ભારત અને ચીન વચ્ચે પરસ્પર સુમેળ સ્થાપવા માટે પણ આમીર ખાન મહત્વનું યોગદાન આપી શકે તેમ છે. મિન્ટમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં વાણિજ્ય વિભાગના અધિકારી દ્વારા ઉપરોકત માહિતી આપવામાં આવી હતી.