ચીનમાં લોકડાઉનનો ઉગ્ર વિરોધ: જિનપિંગ વિરૂદ્ઘ હજારો લોકોનું રસ્તાઓ પર પ્રદર્શન

 

શાંધાઈ: સરકારના કડક કોવિડ પ્રતિબંધો સામે વિરોધ હવે ચીનમાં ઉગ્ર બન્યો છે. મોટી સંખ્યામાં લોકો કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ સામે રસ્તાઓ પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યાં છે. શાંઘાઇના રસ્તાઓ પર હજારો વિરોધીઓ હાજર છે. બેઇજિંગ અને નાનજિંગની યુનિવર્સિટીઓમાં પણ વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યાં છે. દૂરના ઉત્તર-પશ્ર્ચિમ શહેર ઉરૂમકીમાં શરૂ થયેલ વિરોધ હવે ઘણા શહેરોમાં ફેલાઇ ગયો છે. ઉરૂમકીમાં બિલ્ડિગમાં લાગેલી આગમાં ૧૦ લોકોના મોત બાદ લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જયારે ચીની અધિકારીઓએ ‘કોવિડ’ પ્રતિબંધોને કારણે મોતના આરોપોને ફગાવી દીધા છે. 

ઉરૂમકીના અધિકારીઓએ શુક્રવારે મોડી રાત્રે અસામાન્ય માફી જારી કરી હતી. ચીનના સૌથી મોટા શહેર શાંઘાઇમાં રસ્તાઓ પર પ્રદર્શનકારીઓ ‘શી જિનપિંગ, પદ છોડો’ અને ‘કમ્યુનિસ્ટ પાર્ટી, પદ છોડો’, ના નારા લગાવતા હતા. કેટલાક લોકોએ સફેદ બેનરો સાથે પ્રદર્શનમાં ભાગ લીધો હતો. જયારે અન્ય લોકોએ ઉરૂમકી આગમાં માર્યા ગયેલા લોકો માટે મીણબત્તીઓ પ્રગટાવી હતી અને ફૂલો મૂકયા હતા.

ચીનમાં આવા વિરોધો બિલકુલ સામાન્ય નથી, જયાં સરકાર અથવા રાષ્ટ્રપતિની ટીકા કરવા પર સખત સજા થઇ શકે છે, પરંતુ વિશ્ર્લેષકો કહે છે કે સરકારે શૂન્યકોવિડ નીતિ પ્રત્યે વધતા જતા અસંતોષને સમજવામાં ભૂલ કરી. શી જિનપિંગની અત્યંત કડક શૂન્ય કોવિડ નીતિ શરૂઆતથી જ ટીકાનો સામનો કરી રહી છે. તાજેતરમાં તેઓએ કહ્યું હતું કે આ દૂર કરવામાં આવશે નહી. શાંઘાઇમાં એક વિરોધકર્તાએ જણાવ્યું હતુ કે તે લોકોને શેરીઓમાં જોઇને ‘આશ્ર્ચર્ય અને ઉત્સાહિત’ અનુભવે છે. તેમણે કહ્યું કે તે પહેલીવાર છે જયારે તે ચીનમાં આટલા મોટા પાયા પર અશાંતિ જોઇ રહ્યો છે. 

શાંઘાઈમાં એક વિરોધ સ્થળ પર લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું. અંતરરાષ્ટ્રીય મીડિયાના જણાવ્યા પ્રમાણે પોલીસે શાંઘાઈમાં ઘટનાસ્થળે છેલ્લા કેટલાક વિરોધીઓને ઘેરી લીધા હતા અને કેટલીક મહિલાઓને લઈ જવામાં આવી હતી. લોકોએ ‘સ્ટેપ ડાઉન સીસીપી’ ના નારા પણ લગાવ્યા.

તેણે કહ્યું કે લોકડાઉને તેને ઉદાસ, ગુસ્સે અને નિરાશ કરી દીધો હતો કારણકે તે તેની બીમાર માતાને જોઇ શક્યો નથી, જે કેન્સરની સારવાર લઇ રહી છે. શનિવારે ચીનમાં ૩૪,૩૯૮ કોરોના કેસ નોંધાયા હતા. શુક્રવારે, આંકડો ૩૧,૯૨૮ હતો, જે ચેપની સંખ્યામાં તાજેતરના ઉછાળાને દર્શાવે છે. (ગુજરાત ટાઈમ્સ સંકલન)

————

ચીનમાં કોરોના સંક્રમણના સ્થિતિ ગંભીર

ચીનમાં ફરી એકવાર કોરોના સંક્રમણના કેસો વધતાં દુનિયાભરમાં દહેશત ફેલાઈ ગઈ છે. ઠંડી વધવાની સાથે વૈશ્વિક મહામારી વિસ્ફોટક સ્થિતિએ પહોંચી ગઈ છે. બે વર્ષ પહેલા ૨૦૨૦માં શિયાળાની શરૂઆત સાથે કોરોના-સંક્રમણની શરૂઆત થઈ હતી. બસ આ રીતે જ ૨૦૨૨ના નવેમ્બરના છેલ્લા સપ્તાહથી ચીનમાં વૂહાન સહિત કેટલાએ શહેરોમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બનતી દેખાઈ રહી છે. અહીં કોરોનાના કેસોમાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન કોવિડ-૧૯ના ૪૦,૦૦૦થી વધુ કેસો નોંધાયા છે. આ પૂર્વે સતત પાંચ દિવસથી દેશમાં ૩૦,૦૦૦થી વધુ કોરોના કેસ મળી આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૪૦,૦૫૨ પહોંચી ગઈ છે. આ પૂર્વે કોરોનાના ૪૦,૩૪૭ કેસો નોંધાયા હતા. સંક્રમણનો ગ્રાફ ઝડપભેર આગળ વધી રહ્યો છે. તે અંગે શી જીનપિંગ સરકાર અનેકવિધ પગલા પણ લઈ રહી છે. કોરોના પ્રભાવિત વિસ્તારોમાં સખત લોકડાઉન લગાડવામાં આવ્યું છે. મુશ્કેલી તે ઉભી થઈ છે કે ઘરમાં જ કેદ કરાયેલા લોકો ઘરમાં પૂરાઈ રહેવાથી અને વેપાર-ધંધા બંધ થઈ ગયા હોવાથી સરકાર સામે વિફરી ગયા છે અને માર્ગો ઉપર પ્રચંડ દેખાવો યોજી રહ્યા છે. આ પ્રદર્શનો સૌથી પહેલા શાંઘાઈમાં શરૂ થયા હતાં તે પછી બૈજિંગમાં શરૂ થયા અને હવે તો દેશના અનેક શહેરોમાં પણ પ્રસરી રહ્યાં છે. શાંઘાઈમાં તો પ્રદર્શનો વણથંભ્યા જ રહ્યા છે. લોકો આવશ્યક ચીજવસ્તુઓની આપૂર્તિ માટે લોકડાઉનમાંથી છૂટકારો માગે છે. ચીનમાંથી જ આ મહામારીનો ઉંદ્ભવ થયો હતો. તેણે કેટલાએ દેશોને પોતાની ઝપટમાં લઈ લીધા હતા