ચીનનો કોરોના વાઇરસ વિશ્વભરમાં ૪.૫ કરોડ લોકોનો ભોગ લઈ શકે છેઃ નિષ્ણાતો

 

હોંગકોંગ, શાંઘાઈઃ ચીનમાં હાહાકાર મચાવી રહેલો અને વિશ્વના અન્ય દેશોને પણ ચિંતા કરાવી રહેલો નવો ભેદી કોરોના વાઇરસ જો સમયસર કાબૂમાં લેવામાં નહિ આવે તો એનાથી દુનિયામાં ૪૫૦ લાખ લોકોનાં મોત થઈ શકે છે એવી ચેતવણી હોંગકોંગના એક નિષ્ણાત અને ટોચના તબીબી અધિકારીએ આપી છે. હોંગકોંગની પબ્લિક હેલ્થ મેડિસિન સંસ્થાના વડા પ્રોફેસર ગેબ્રિઅલ લુઆંગે જણાવ્યું હતું કે જો આ રોગને ઝડપથી ફેલાતો અટકાવી નહિ શકાય તો એના ફેલાવાની ગતિ વધી શકે છે અને એક ચેપગ્રસ્ત વ્યક્તિ અન્ય સરેરાશ અઢી જણાને આનો ચેપ લગાડી શકે છે. આ વાઇરસ જો ઝડપથી ફેલાયો તો વિશ્વના ૬૦ ટકા લોકોને એનો ચેપ લાગી શકે છે અને ચેપગ્રસ્ત દરદીઓમાંથી મૃત્યુ પામનારાઓની ટકાવારી એક ટકાની છે, એ જોતાં દુનિયામાં સાડાચાર કરોડ લોકોને આ વાઇરસનો ચેપ લાગી શકે છે અને એમાંથી ૪૨૦૦૦ કરતાં વધુ દરદીઓ તો એકલા ચીનમાં જ છે. જોકે એવો ભય રાખવામાં આવે છે કે ઘણા બધા દરદી પકડાયા વિનાના રહી ગયા હોઈ શકે છે, કારણ કે કેટલાક દરદીઓને આ રોગનાં ચિહ્નો બહુ નજીવા પ્રમાણમાં દેખાય છે, પરંતુ આને કારણે આ રોગ ફેલાવાનો ભય વધી જાય છે. 

જોકે આશાનું કિરણ એ છે કે હવે આ રોગ અંગેની જાણકારી અને જાગૃતિ દુનિયાભરમાં વધી છે અને એની તપાસપદ્ધતિ પણ વધુ વ્યાપક બની છે, તેથી લોકોનું નિદાન ઝડપથી થઈ શકે છે અને તેમને જુદા વોર્ડમાં ખસેડીને આ રોગનેે ફેલાતો અટકાવી શકાય છે.

કોરોના વાઇરસ ફેલાવવાને લઈને હવે એક એવો ખુલાસો થયો છે, જેને જાણીને દુનિયાભરની સરકારો અને મેડિકલ એક્સપર્ટ્સની ઊંઘ ઊડી જવાની છે. શાંઘાઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસ હવે હવામાં હાજર સૂક્ષ્મ પ્રવાહી ટીપામાં ભળીને ફેલાવા લાગ્યો છે અને એ હવામાં તરતાં તરતાં બીજી વ્યક્તિને પોતાના ભરડામાં લઈ રહ્યો છે, જેને એરોસોલ ટ્રાન્સમિશન કહે છે. અત્યારસુધીમાં આ વાઇરસના ડાયરેક્ટ ટ્રાન્સમિશન અને કોન્ટેક્ટ ટ્રાન્સમિશન અંગે જ પુષ્ટિ થઈ હતી. શાંઘાઈના સિવિલ અફેર્સ બ્યુરો ડેપ્યુટી હેડે જણાવ્યું હતું કે એરોસોલ ટ્રાન્સમિશનનો અર્થ છે કે વાઇરસ હવામાં હાજર સૂક્ષ્મ ટીપાં સાથે ભળીને એરોસોલ બની રહ્યો છે. મેડિકલ એક્સપર્ટના જણાવ્યા મુજબ, શ્વાસમાં એ ભળવાથી ચેપ ફેલાઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે એને ધ્યાનમાં રાખીને અમે લોકોને અપીલ કરી છે કે તેઓ કૌટુંબિક સભ્યોને ચેપ લાગવાથી બચાવાના ઉપાયોને લઈને પોતાની જાગરુકતા વધારે જોઈએ. એક્સપર્ટનું એમ પણ કહેવું છે કે ડાયરેક્ટ ટ્રાન્સમિશનનો અર્થ છે કે જેને ચેપ લાગ્યો છે તે વ્યક્તિ છીંક ખાય કે ઉધરસ ખાય તો પાસેની વ્યક્તિ શ્વાસ લે તો એ વાઇરસ એમાં પ્રવેશી જાય. જ્યારે કોન્ટેક્ટ ટ્રાન્સમિશનનો અર્થ છે કે જ્યારે કોઈ વ્યક્તિ એવા વાઇરસથી પીડાતી કોઈ વ્યક્તિને સ્પર્શ કરીને પોતાનાં મોઢા, નાક કે આંખને સ્પર્શ કરે તો એમાં વાઇરસ ભળેલાં સૂક્ષ્મ ટીપાં જે ચીપકેલાં હોય છે એ બીજી વ્યક્તિને પણ ચેપના ભરડામાં લઈ લે છે.