
મોડી રાતના ચીનની રાજધાની બીજિંગ પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચીનનાં રાષ્ટ્રપતિ જિનપિંગે વુહાનના સ્થાનિક મ્યુઝિયમમાં રાજકીય પ્રોટોકોલ તોડીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બન્ને નેતાઓ વચ્ચે બિનઔપચારિક વાતો થઈ હતી. ચીનના રાષ્ટ્રીય અખબાર ગ્લોબલ ટાઈમ્સે મોદી- જિનપિંગની આ મુલાકાતને બન્ને રાષ્ટ્રો વચ્ચેના સંબંધના એક નૂતન અધ્યાયની શરૂઆત તરીકે ગણાવી હતી. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને પણ મળ્યા હતા. ભારત- ચીનની સીમા પર સર્જાતી તનાવની પરિસ્થિતને લક્ષમાં રાખીને બન્ને નેતાઓ વચ્ચે યોજાી રહેલી આ બિન ઔપચારિક શિખર મંત્રણાને રાજકીય પંડિતો ખૂબ મહત્વ આપી રહ્યા છે.
બે દિવસ માટેની આ શિખર- મંત્રણા દરમિયાન એક જ દિવસમાં છ વાર એકમેકને મળશે. ચીનમાં ભારતના વડપ્રધાન માટે આયોજિત ડિનર – સમારંભમાં નરેન્દ્ર મોદીને ખાસ ગુજરાતી ભોજન પીરસવા માટેની વ્યવસ્થા કરવામાંઆવી હોવાનું સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. બે દિવસની આ મુલાકાતોનો કોઈ ચોક્કસ એજન્ડા નક્કી કરવામાં આવ્યો નથી. પરંતું બન્ને નેતા વચ્ચે થનારી વાતચીત દરમિયાન ડોકલામ સીમા- વિવાદ સહિતના સંખ્યાબંધ મુદ્દાઓ અંગે વાત થવાની શક્યતા હોવાનું માનવામાં આવી રહ્યું છે