ચીનની ચાલબાજી જોતા સેનાએ પૂર્વી લડાખમાં વધુ ૧૫,૦૦૦ સૈનિકો તહેનાત કર્યા

 

લડાખઃ એલએસી ર ચીની સેનાની તૈયારીઓ જોતાં ભારતીય સેનાએ પૂર્વી લડાખ વિસ્તારમાં વધુ ૧૫,૦૦૦ સૈનિકો તહેનાત કર્યા છે. ખાસ વાત એ છે કે આ સૈનિકો જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે ચલાવાતા ઓપરેશનનો ભાગ હતા. કાઉન્ટર ટેરરિઝમ ડિવિઝનના આ જવાનોને છેલ્લા કેટલાંક મહિનામાં તહેનાત કરાયા હતા. તેઓ લેહમાં તહેનાત ૧૪ કોર્પ્સની મદદ કરી રહ્યા હતા.

સરકાર સાથે સંકળાયેલા વર્તુળોએ કહ્યું કે ચીન આક્રમકતા બતાવવાની કોશીશ કરે એ પહેલાં જ લગભગ ૧૫,૦૦૦ સૈનિકોના ડિવિઝનને ત્રાસવાદી વિરોધી અભિયાનમાંથી હટાવીને લડાખમાં લઈ જવાઈ રહ્યા છે. આ નવા ડિવિઝનની તહેનાતીથી સેનાને ઉત્તરી સીમાઓ પર પોતાની સ્થિતિ વધારે મજબૂત કરવામાં મદદ મળી છે. 

સેના પોતાના યુનિટ્સને અનામત રાખી શકે છે. ગયા વર્ષથી ચીનની સાથે ચાલી રહેલા તનાવ પછી સેનાની રિઝર્વ યુનિટ એલએસી પર અગ્ર પોઝિશન પર તહેનાત છે. ભારતે પૂર્વી લડાખ ક્ષેત્રમાં લગભગ ૫૦૦૦૦ સૈનિકોને તહેનાત કર્યા છે. આનાથી સૈનિકોની સંખ્યા ગયા વર્ષની સરખામણીએ બમણી થઈ છે. ૧૯૬૨ના યુદ્ધ બાદ પહેલી વાર એલએસી પર ભારતીય સૈનિકોની સંખ્યા બે લાખ આસપાસ થઈ છે. ચીનના પણ લગભગ એટલા સૈનિકો હાજર છે. સરકારે ચીનને જવાબ આપવા એટલી સંખ્યામાં સૈનિકો ગોઠવ્યા છે. લેહમાં ૧૪ કોર્પ્સ પાસે હવે બે ડિવિઝન છે અને તે કારૂના ૩ ડિવિઝન સાથે ચીન સરહદે દેખરેખમાં છે.

ચીન ૧૬ એરબેઝ બનાવે છે

પૂર્વી લડાખની નજીક ઝિંઝિયાંગ પ્રાંતના શાક્ચે શહેરમાં ચીન લડાકુ વિમાનોનું નવું બેઝ બનાવે છે. ગુપ્તચર હેવાલમાં એવા ૧૬ સ્થળોની ઓળખ થઈ છે જ્યાં એરબેઝ તૈયાર કરાયા છે. આ પ્રાંત લડાખ સિવાય પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને રશિયા સાથે સરહદ ધરાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૬૮ વર્ષીય ઝિએ પ્રમુખ તરીકે તિબેટની તેમની પ્રથમ મુલાકાત બુધવારથી શુક્રવાર સુધીમાં લીધી હતી જે મુલાકાત શુક્રવારે પુરી થાય ત્યાં સુધી આ મુલાકાતની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ચીની સત્તાવાર મીડિયાએ ઢાંકી રાખી હતી. તાજેતરના વર્ષોમાં કોઇ ટોચના ચીની નેતાએ તિબેટની મુલાકાત લીધી હોય તેવો આ પ્રથમ બનાવ હતો. તેઓ તિબેટના સરહદી ટાઉનની મુલાકાતે ગયા હતા અને ત્યાંથી નવી શરૂ થયેલ બુલેટ ટ્રેનમાં બેસીને તિબેટના પાટનગર લ્હાસા ગયા હતા. લ્હાસામાં ઝિએ ચીનના ટોચના લશ્કરી અધિકારીઓની મુલાકાત લીધી હતી