ચીનની આડોડાઈ યથાવતઃ સૈન્ય કક્ષાની વાટાઘાટ નિષ્ફળ ગઈ

 

નવી દિલ્હીઃ પૂર્વ લદાખના બાકીના મુદ્દાઓ ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે રવિવારે યોજાયેલી સૈન્ય કક્ષાની ૧૩મી વાટાઘાટ ચીનની આડોડાઇને કારણે નિષ્ફળ ગઇ હોવાની માહિતી સંરક્ષણ મંત્રાલયે સોમવારે જાહેર કરી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતે રચનાત્મક સૂચનો કર્યા હતા, પણ ચીન એ માનવા તૈયાર નથી અને ભવિષ્ય માટે કોઇ પ્રોત્સાહક પ્રસ્તાવ કરી શક્યું નહોતું. આ કારણસર બેઠકમાં બાકીના વિસ્તારો વિશે કોઇ ઠરાવ પસાર કરાયો ન હોવાની વાત આર્મીએ એક નિવેદનમાં જાહેર કરી હતી. 

આ વાટાઘાટ પૂર્વ લદાખની લાઇન ઑફ અૅક્ચ્યુઅલ ક્નટ્રોલ (એલએસી)ની ચીન તરફ આવેલા મોલ્ડો સરહદ પોઇન્ટ પર યોજાઇ હતી અને એ અંદાજે સાડા આઠ કલાક ચાલી હતી. આર્મીએ જણાવ્યું હતું કે ભારતે એવો નિર્દેશ કર્યો હતો કે ચીન દ્વારા અનેક વખત ઘૂસણખોરીના અને એલએસીની સ્થિતિ બદલવાના કરાયેલા પ્રયત્નો તથા દ્વિપક્ષીય કરારોના કરવામાં આવેલા ઉલ્લંઘનને લીધે ઉદભવી છે. આ કારણસર ચીને બાકીના વિસ્તારોમાં યોગ્ય પગલાં લેવાં જોઇએ, જેથી એલએસીની આસપાસ શાંતિ બહાલ થાય.

ભારતીય પ્રતિનિધિઓ દ્વારા એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે બાકીના મુદ્દે ઠરાવ પસાર કરવાથી દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો થશે. આ બેઠક દરમિયાન બાકીના મુદ્દાઓ ઉકેલવા માટે રચનાત્મક સૂચનો કરવામાં આવ્યાં હતાં, પણ ચીનના પ્રતિનિધિઓ સહમત થયા નહોતા અને તેઓ કોઇ સકારાત્મક પ્રસ્તાવો પણ કરી શક્યા ન હોવાની વાત આર્મીએ જણાવી હતી. આર્મીએ જણાવ્યું કે બંને પક્ષ સંવાદ ચાલુ રાખવા અને જમીન પર સ્થિરતા કાયમ રાખવા માટે સહમત થયા હતા