ચીનના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી19 જૂનના સર્વપક્ષીય બેઠક યોજશે. …તમામ રાજકીય પક્ષોના અધ્યક્ષો સાથે વાતચીત કરાશે.. કોરોના મહામારીની પરિસ્થિતિ હોવાથી સર્વપક્ષીય બેઠક વર્ચ્યુઅલ હશે.

..

                            ભારતના લડાખ સીમા- વિસ્તારમાં ભારત- ચીન વચ્ચે હિંસક અથડામણની ઘટના બન્યા બાદ ભારત ખૂબજ સાવચેતીથી સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યું છે. તાજેતરમાં જ વડાપ્રધાન કાર્યાલય તરફથી ટવીટ કરાયું છે, જેમાં જણાવવામાં આવ્યું છેકે, આગામી 19મી જૂનના વડાપ્રધાને ભારત- ચીન સરહદ પર સર્જાયેલી હાલની સ્થિતિ અને ત્વરાથી બદલાતા હાલાત અને રાજકીય ગતિવિધિની ચર્ચા કરવા સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું છે. 19 જૂને સાંજે પાંચ વાગે આ બેઠક યોજાવાની છે. કોરોના મહામારીને કારણે આ બેઠક વર્ચ્યુઅલ રાખવામાં આવી છે. લડાખની ગાલવાન ખીણની હિંસક અથડામણ બાદ દેશના સંરક્ષણપ્રધાન રાજનાથ સિંંહે નિવેદન કર્યું હતું કે, હાલમાં ગાલવાન ખીણમાં બનેલી ઘટના , ભારતીય સૈનિકોની શહાદત અત્યંત દુખદ અને ચિંતાજનક છે. ભારતીય સૈનિકો બહાદુરીથી પોતાની ફરજ બજાવીને શહીદ થઈ ગયા. આ વીર જવાનોની શહાદતને દેશ કયારેય ભૂલી શકશે નહિ. હું તમામ શહીદોના પરિવારની સાથે છું. ભારતીય સૈનિકોની બહાદુરી પર અમને ગર્વ છે. ગત સોમવારે રાતે લડાકની ગાલવાન ખીણમાં ચીનના સૈનિકો સાથે ભારતના સૈનિકોની હિંસક અથડામણ થઈ હતી. જેમાં 20થી વધુ સૈનિકો શહીદ થયાની માહિતી જાણવા મળી હતી. જેમાં ભારતીય સેનાનાં વિંગ કમાન્ડર કર્નલ સંતોષ બાબુનો સમાવેશ થતો હતો. આ અથડામણ એવા સમયે થઈ હતી , જયારે પરસ્પર સરહદ પર તંગદિલી ઘટાડવા માટે બન્ને દેશના અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી હતી. ચીનના સૈનિકો ગાલવાન ખીણમાંથી પરત જવાના હતા, પરસ્પર અધિકારી – કક્ષાની ચર્ચા- વિચારણા કરાયા બાદ ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો. તે જ સમયે ચીના સૈનિકોએ પત્થરો અને લોખંડના સળિયાઓ સાથે ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો. આવા અચાનક હુમલાથી ભારતીય સૈનિકો ચોંકી ઊઠ્યા હતા. હિંસક અથડામણો મધરાત સુધી ચાલી હતી.