ચીનના દમનથી બચવા હોંગકોંગવાસીઓ બ્રિટનમાં જતા રહ્યાં

 

લંડનઃ ગત વર્ષે ચીને પોતાના હોંગકોંગના નાગરિકો પર પોતાની પકડ જમાવવા કડક પગલાં અને રાષ્ટ્રીય સુરક્ષા ધારાના અમલની જાહેરાત કરતાં હજારો હોંગકોંગવાસીઓ તેમના વતનને છોડીને લંડન જવા રવાના થઇ ગયા હતા. ચીની સરકાર વિરૂદ્ધ બોલનાર કે લખનાર તેમજ દેખાવકારોને પકડીને જેલમાં મોકલી દેવાની ચીની સરકારની દમનકારી નીતિથી સેંકડો હોંગકોંગવાસીઓ ભયભીત બન્યા હતા.
ચીની સરકાર માટે તો ગમે તે વ્યક્તિને પકડીને જેલ ભેગો કરવાની આ સરળ રીત છે. ચીનમાં માનવાધિકારોનું હનન કરાતું હોવાથી બ્રિટને ગયા વર્ષે કહ્યું હતું કે તેઓ પચાલ લાખ હોંગકોંગ વાસીઓને પોતાને ત્યાં વસાવી લેશે. બ્રિટનની આવી જાહેરાત પછી હજારો હોંગકોંગવાસીઓ લંડન તરફ જતા રહ્યાં હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે 1997માં એક કરાર હેઠળ હોંગકોંગ ચીનને સોંપવામાં આવ્યું હતું. ત્યારથી એક દેશ બે સીસ્ટમ મુજબ હોંગકોંગમાં શાસન કરાય છે. ચીન અને બ્રિટન વચ્ચે થયેલા કરાર અનુસાર પચાલ વર્ષ સુધી હોંગકોંગમાં આર્થિક અને રાજકીય સીસ્ટમને બદલવામાં નહિ આવે. છતાં ચીને કેટલાક કડક નિયમો લાગુ કરી નાગરિકોને તેમનો પોતાનો દેશ છોડવા મજબુર કર્યા હતા. ઉલ્લેખનિય છે કે હોંગકોંગના આશરે સાડા ત્રણ લાખ લોકો પાસે બ્રિટિશ નેશનલ ઓવરસીધ પાસપોર્ટ છે, જ્યાંરે 25 હજાર અન્યો પણ આ પાસપોર્ટને પાત્ર છે. હાલમાં આ પાસપોર્ટ ધારકો વગર વિઝા છ મહિના સુધી બ્રિટનમાં રહી શકે છે.
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું હતું કે બ્રિટિશ નેશનલ ઓવરસીઝ પાસપોર્ટ ધારકોને હવે 12 મહિનાનો વિઝા આપશે અને તેમને કામ કરવાની મંજૂરી પણ આપશે. આ ઉપરાંત બાર મહિના પછી તેમના વિઝાને રિન્યુ પણ કરી દેવાશે. આમ તેઓ બ્રિટિશ નાગરિત્વ મેળવવા પાત્ર બની શકશે. બ્રિટનની આ જાહેરાતથી ચીનના પેટમાં તેલ રેડાયું હતું. અને આ જેહેરાતનો ભારે વિરોધ કર્યો હતો.
એક અહવાલ પ્રમાણે અત્યાર સુધી હજારો હોંગકોંગવાસીઓ ચીનના રાષ્ટ્રીય સુરક્ષા ધારાના ભયે બ્રિટન જતા રહ્યાં છે. લંડન આવેલ હોંગકોંગવાસીઓએ કહ્યું હતું કે હોંગકોંગમાં માનવાધિકારનો સરેઆમ ભંગ કરાય છે, અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે, નિષ્પક્ષ ચૂંટણી કરાતી નથી. અને સાચું બોલનારાઓને કચડી નાંખવામાં આવે છે.