ચીનના ડોકટરો કોરોના વાઇરસની ઘાતકતા વિશે વાકેફ હતા પણ તેમને જુઠું બોલવા કહેવાયું 

 

બેઇજીંગઃ ચીન દ્વારા વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ને ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ માહિતી આપવામાં આવી હતી કે તેને ત્યાં એક અજાણ્યા રોગની હાજરી જણાઇ છે અને તેનો ચેપ ૨૭ જણાને લાગ્યો છે. આ રોગથી મૃત્યુ થવાની વાત જાન્યુઆરી ૨૦૨૦માં જાહેર કરવામાં આવી હતી અને ષ્ણ્બ્ દ્વારા છેક ૧૨મી જાન્યુઆરીએ પણ એમ કહેવામાં આવ્યું હતું કે આ રોગ માણસથી માણસમાં ફેલાતો હોવાનો કોઇ પુરાવો જણાયો નથી અને તેને ચીન દ્વારા આપવામાં આવતી માહિતીમાં વિશ્વાસ છે.

જો કે હાલમાં એક મીડિયા ગૃહ દ્વારા ગુપ્ત રીતે ચીનના વુહાનના કેટલાક ડોકટરોના લેવામાં આવેલા નિવેદનોમાં એ વાતનો પર્દાફાશ થયો છે કે આ ડોકટરો છેક ડિસેમ્બર, ૨૦૧૯માં જ જાણતા હતા કે આ રોગ ઘાતક છે અને તે માણસમાંથી માણસમાં પણ ફેલાઇ શકે છે. ડોકટરોએ આ મીડિયા ગૃહ સાથેની વાતચીતમાં કરેલી કબૂલાત પ્રમાણે તેમને આ રોગના ચેપીપણા અંગે ચૂપ રહેવા માટે સૂચના અપાઇ હતી. હોસ્પિટલોને સત્ય જાહેર નહી કરવા માટે જણાવાયું હતું અને ચીની લુનાર નવા વર્ષની ઉજવણી રદ કરવા માટેની હાકલો નકારવામાં આવી હતી કારણ કે ચીની સરકાર એક સંવાદિતાપૂર્ણ અને સમૃદ્ધ સમાજ વિશ્વ સમક્ષ રજૂ કરવા માગતી હતી. આઇટીવી દ્વારા તૈયાર કરવામાં આવેલી ડોક્યુમેન્ટરીમાં કેટલાક ડોકટરોએ એવું પણ કબૂલ્યું છે કે હોસ્પિટલની મીટિંગમાં તેમને આ રોગ અંગે મૌન રાખવા સૂચના અપાઇ હતી. આ કબૂલાત કરતા ડોકટરોની ગુપ્ત રીતે ફિલ્મ ઉતારવામાં આવી હતી. આ અંગે તાઇવાનના એક અગ્રણી ડોકટર અને ચેપી રોગોના સ્પેશ્યાલિસ્ટ ડો. યી-ચુન લોએ જણાવ્યું છે કે જો ચીન શરૂઆતથી જ આ રોગ અંગે પારદર્શી રહ્યું હોત તો ઘણું કરી શકાયું હોત અને વિશ્વમાં આટલા મોટા પાયે તેનો ફેલાવો થતો અટકાવી શકાયો હોત. 

આ રોગ અંગે જૂઠાણા ચલાવવાનો ચીન પણ લાંબા સમયથી આક્ષેપો થાય છે તેને આ ડોક્યુમેન્ટરીથી બળ મળ્યું છે.