

ચીનમાં સામ્યવાદી સરકારનું શાસન છે. સામ્યવાદી ધર્મમાં માનતા નથી. આ પ્રાંતમાં મુસ્લિમો મોટી સંખ્યામાં વસવાટ કરી રહયા છે. આ વિસ્તારમાં મુસ્લિમોનું પ્રભુત્વ છે. આથી આ વિસ્તારોમાં ઈસ્લામના પ્રચાર- પ્રસારને રોકવા માટે ચીનની સરકારે તેમના પર અનેક જાતના પ્રતિબંધો લગાવ્યા છે. અહીંયા મુસ્લિમોને નજરકેદમાં રખાયા છે. આ વિસ્તારમાં ખુલ્લામાં નમાજ અદા કરવા બાબત પ્રતિબંધ છે. બુરખો પહેરાવાની મનાઈ છે તેમજ બાળકોના નામ મુસ્લિમ રાખવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. પાકિસ્તાનના વતની અનેક મુસ્લિમો વેપાર – ધંધો કરવા માટે ચીનમાં રહે છે. તેમણે ચીનના પરંપરાગત ઉડગુર સમુદાયની યુવતીઓ સાથે લગ્નો પણ કર્યા છે. આથી ચીનની સરકારના વહીવટીતંત્રે પાકિસ્તાનથી આવેલા મુસ્લિમ પતિઓને નજરકેદના કેમ્પમાં રાખ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ રીતે કેમ્પના નજરકેદ રખાયેલા મુસ્લિમોની સંખ્યા આશરે 10 લાખ જેટલી છે.
પાકિસ્તાનની સરકારે પણ ચીન પાસે મદદની વિનંતી કરી છે. પરંત હજી સુધી પાકિસ્તાની પતિઓ એમની ચીની પત્નીઓને મળી શક્યા નથી. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં કટ્ટરપંથી મુસલમાનોની પ્રવૃત્તિઓ વધતી રહી હોવાને કારણે ચીનને ચિંતા થઈ રહી છે. કટ્ટરપંથી મુસ્લિમોના કારણે આ વિસ્તારમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ પણ સતત બનતી રહે છે. આથી આ જિનજિયાંગ પ્રદેશમાં પોતાનું વર્ચસ્વ જમાવી રાખવાના આશયથી ચીનનું વહીવટીતંત્ર અહીં વસતા મુસ્લિમ સમુદાય પર પ્રતિબંધો લાદી રહ્યું છે. સત્તાવાર સમાચાર સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ચીન હવે આ વિસ્તારમાં ચીનની પારંપરિક હાન સમુદાયની પ્રજાને અહીં લાવીને વસાવી રહ્યું છે. જેને લીધે હવે અહીં વારંવાર સામૂદાયિક હિંસાની ઘટનાઓ બની રહી છે.