ચીનના કેટલાક વિસ્તારોમાં વાઇરસના ચેપનાં ઝૂમખા દેખાયા

 

બૈજિંગ/વુહાનઃ ચીનના આરોગ્ય સત્તાવાળાઓએ આજે દેશની જનતાને જણાવ્યું હતું કે તેઓ રક્ષણાત્મક પગલાઓ મજબૂત બનાવે અને મોટા પ્રમાણમાં ભેગા થવાનું ટાળે કારણ કે દેશના કેટલાક ભાગોમાં કોરોનાવાઇરસના ચેપના કેસોના સંખ્યાબંધ ઝુમખાઓ દેખાયા છે, જેનાથી આ ઝેરી વાઇરસ ફરીથી ફેલાવાનો ભય સર્જાયો છે. તમામ વસાહતોએ કોવિડ-૧૯ના કેસો માટે સિ્ક્રનિંગ અને ડિટેકશનની કામગીરી વધુ સઘન બનાવવી જોઇએ, ચેપનું ઉંચુ જોખમ ધરાવતા જૂથો અને વિસ્તારોને આ રોગચાળો ફરી બેઠો થતો અટકાવવા માટે નિશાન બનાવવા જોઇએ એમ નેશનલ હેલ્થ કમિશન (એનએચસી) માટેના પ્રવકતા મિ ફેંગે જણાવ્યું હતું. દેશના કેટલાક ભાગોમાં ચેપના ઝૂમખા દેખાયા છે તે વાતની નોંધ લેતા મિએ જાહેર જનતાને અપીલ કરી છે કે તેઓ રક્ષણાત્મક પગલાઓ મજબૂત બનાવે અને ભેગા થવાનું ટાળે એમ સરકાર સંચાલિત ઝિન્હુઆ સમાચાર એજન્સીએ શનિવારે અહેવાલ આપ્યો હતો. 

સેંકડો ચીની નાગરિકો વિદેશોમાંથી, જે દેશો સખત અસરગ્રસ્ત બન્યા છે તે દેશોમાંથી પણ સ્વદેશ પરત ફરી રહ્યા છે ત્યારે દેશમાં કોરોનાવાઇરસના કેસોનું બીજું મોજું શરૂ થવાની ચિંતાઓ વધી છે. એનએચસીના જણાવ્યા પ્રમાણે શુક્રવારના આંકડા મુજબ કુલ ૧૧૮૩ આયાતી કેસો છે જેમાંથી ૪૪૯ને સાજા થયા બાદ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે અને ૭૩૪ને સારવાર અપાઇ રહી છે જેમાંથી ૩૭ની હાલત ગંભીર છે. ચીનમાં શનિવારે કોરોનાવાઇરસના ૪૬ નવા કેસો દેખાયા હતા જેમાંથી ચાર સ્થાનિક અને ૩૪ લક્ષણ વિહીન ચેપના કેસો છે અને ત્રણ વધુ લોકોનાં મોત સાથે ચીનમાં આ વાઇરસથી મૃત્યુઆંક ૩૩૩૯ પર પહોંચ્યો છે